કોઠારિયા-ખોખડદળ રોડ ઉપર મોટા ડિમોલિશન માટે તૈયારી, 250 દબાણકારોનું હિયરીંગ શરૂ

રાજકોટ શહેરમાં સરકારી જમીનો પર ગેરકાયદેસર કબ્જો જમાવીને બેઠેલા ભૂમાફિયાઓ અને દબાણકારો સામે તંત્રએ લાલ આંખ કરી છે. શહેરના ખોખળદળથી કોઠારીયા જવાના રસ્તે અંદાજે 8…

રાજકોટ શહેરમાં સરકારી જમીનો પર ગેરકાયદેસર કબ્જો જમાવીને બેઠેલા ભૂમાફિયાઓ અને દબાણકારો સામે તંત્રએ લાલ આંખ કરી છે. શહેરના ખોખળદળથી કોઠારીયા જવાના રસ્તે અંદાજે 8 થી 10 એકર જેટલી કિંમતી સરકારી જમીન પર થયેલા વિશાળ દબાણ પર આવતા મહિને તંત્રનું બુલડોઝર ફરી વળશે તે નક્કી છે. આ અંગે વહીવટી તંત્ર દ્વારા પ્રાથમિક કાર્યવાહીના ભાગરૂપે 250 જેટલા આસામીઓને અગાવ આખરી નોટિસ ફટકારવામાં આવી હતી. હાલ આ તમામને રૂબરૂ બોલાવી સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ, ખોખળદળ અને કોઠારીયાને જોડતા મુખ્ય માર્ગ પર આવેલી અંદાજે 8 થી 10 એકર સરકારી ગૌચર અથવા તો સરકારી ખરાબાની જમીન પર લાંબા સમયથી ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં રહેણાંક તેમજ વાણિજ્યિક હેતુ માટે કાચા-પાકા મકાનો અને દુકાનો બનાવીને અંદાજે 250 જેટલા આસામીઓ દ્વારા જમીન પચાવી પાડવામાં આવી હતી. વર્તમાન બજાર કિંમત મૂજબ આ જમીનની કિંમત 250 કરોડો રૂપિયા થવા જાય છે. દ્વારા કાયદાકીય પ્રક્રિયા હાથ ધરીને તમામ 250 આસામીઓને નોટિસો ઈશ્યુ કરવામાં આવી છે. નોટિસમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે નિયત સમયમર્યાદામાં તેઓ પોતાના દબાણો આપમેળે હટાવી લે, અન્યથા કલેકટરની સૂચના બાદ આવતા મહિને તાલુકા મામલતદાર મકવાણાની ટિમ કડક હાથે ડિમોલિશનની કામગીરી કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ચોમાસાની સ્થિતિ અને વહીવટી તૈયારીઓને ધ્યાનમાં રાખીને આ મેગા ડિમોલિશન આગામી મહિનામાં હાથ ધરવાનું આયોજન છે. પોલીસ બંદોબસ્ત અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે આગામી માસમાં આ 8 થી 10 એકર જમીન પરના તમામ ગેરકાયદેસર બાંધકામો પર જેસીબી અને બુલડોઝર ફેરવી દેવામાં આવશે અને કરોડોની સરકારી જમીન લુખ્ખા તત્વોના સકંજામાંથી મુક્ત કરાવવામાં આવશે.