ગુજરાત
પતિએ ચારિત્ર પર શંકા કરતા સગર્ભાનો આપઘાતનો પ્રયાસ
શહેરમાં પેડક રોડ ઉપર આવેલા આવાસ ક્વાર્ટરમાં રહેતી પરિણીતા સ્લમ ક્વાર્ટરમાં બહેનના ઘરે હતી ત્યારે ચારિત્ર પર શંકા કરી ઝઘડા કરતા પતિના ત્રાસથી કંટાળી ફિનાઈલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર સગર્ભાને સારવાર માટે ખસેડવામાં આવી હતી.
પેડક રોડ ઉપર આવેલા આવાસ ક્વાર્ટરમાં રહેતી જાનકીબેન સતિષભાઈ ગોહેલ નામની 27 વર્ષની પરિણીતા સ્લમ ક્વાર્ટરમાં રહેતી તેની બહેન હીનાબેન રાજુભાઈ વાઘેલાના ઘરે હતી ત્યારે ફિનાઈલ પી લીધું હતું. પરિણીતાની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં જાનકીબેન ગોહેલ થોરાળામાં માવતર ધરાવે છે. અને છ વર્ષ પૂર્વે સતિષ ગોહેલ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને તેણીને સંતાનમાં પુત્ર છે અને હાલ છ માસનો ગર્ભ છે. પતિ સતિષએ ઘરે આવવાની ના પાડતા જાનકીબેન તેની બહેન હીનાબેન વાઘેલાના ઘરે ગઈ હતી અને ચારિત્ર પર શંકા કરી ત્રાસ ગુજારતા પતિથી કંટાળી ફીનાઇલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં રૈયાધાર વિસ્તારમાં આવેલા સ્લમ ક્વાર્ટરમાં રહેતા મીઠીબેન દેવજીભાઈ વાજા નામના 101 વર્ષના વૃદ્ધા સાંજના છએક વાગ્યાના અરસામાં પોતાના ઘરે દીવા-ધૂપ કરતા હતા ત્યારે અકસ્માતે દીવાની ઝાળે ગંભીર રીતે દાજી ગયા હતા. વૃદ્ધાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.