પ્રિ-મોન્સૂનનું નાટક; ડ્રેનેજ સફાઇમાં ડાંડાઇ, શાસક-વિપક્ષ બન્નેએ તંત્રને ઘેર્યુ

રાજકોટ કોર્પોરેશનના જનરલ બોર્ડમાં અધિકરીઓ ઉપર બન્ને છાવણીએથી થયો એકપછી એક સવાલોનો મારો, અધિકારીઓ થયા ગેંગેંફેંફેં રાજકોટમાં માત્ર બે થી ત્રણ ઇંચ વરસાદ પડે એટલે…

રાજકોટ કોર્પોરેશનના જનરલ બોર્ડમાં અધિકરીઓ ઉપર બન્ને છાવણીએથી થયો એકપછી એક સવાલોનો મારો, અધિકારીઓ થયા ગેંગેંફેંફેં

રાજકોટમાં માત્ર બે થી ત્રણ ઇંચ વરસાદ પડે એટલે શહેરના અનેક વિસ્તારો ટાપુ બની જાય છે. કલાકો સુધી પાણી ઓસરતુ નથી. તેની પાછળનું કારણ એ છે કે, શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે કોઇ સુવ્યસ્થિત વ્યવસ્થા નથી. વર્ષો પહેલા વોંકળા પહોળા હતા. પરંતુ મનપાની ટીપી શાખાના ભ્રષ્ટ ઓથ હેઠળ વોંકળાઓ ઉપર બાંધકામરૂૂપી કૌભાંડો ખડકાઇ ગયા. હાલ જે વોંકળા છે તે પણ પ્રિ-મોન્સુન કામગીરીમાં સરખા સાફ થતા નથી. માત્ર કાગળ પર જ પ્રિ-મોન્સુન કામગીરી દેખાડીને વોંકળા સફાઇના નામે લાખો રૂૂપિયાના બીલ બની જાય છે.

માત્ર વોંકળા સફાઇ જ નહી, ભૂગર્ભ ગટર, ખુલ્લા પ્લોટની સફાઇ સહિતની મોટાભાગની કામગીરી માત્રને માત્ર કાગળ પર જ થાય છે તેવો અનુભવ દર વર્ષે લાખો શહેરીજનો તો કરે જ છે પણ આજે મનપામાં મળેલા જનરલ બોર્ડમાં ખુદ શાસકપક્ષ ભાજપના જ સભ્યોએ ભરીસભામાં કહેવાતી પ્રિ-મોન્સુન કામગીરીના મુદ્દે અધિકારીઓ ઉપર તડાપીટ બોલાવી હતી. શાસકપક્ષના સભ્યોની પડખે રહીને વિપક્ષ કોંગ્રેસના નગરસેવકોએ પણ પ્રિ-મોન્સુન કામગીરીને લઇને ઉઠેલા સવાલો સામે ટેકો આપીને સામાન્ય ઝરમરિયા ઝાપટામાં પણ ભૂગર્ભ ગટર ચોકઅપ થઇ સહિતના પ્રશ્ને અધિકારીઓ ઉપર એકપછી એક સવાલોનો મારો કર્યો હતો.

જનરલ બોર્ડ પૂર્વેની પ્રશ્નોતરીમાં બીજા ક્રમે જ ભાજપના મહિલા કોર્પોરેટર ભારતીબેન પરસાણાએ ડ્રેનેજ ચોકઅપ થઇ જવા સહિતની સમસ્યાને લઇને સવાલો મુક્યા હતા. તેની ચર્ચા દરમિયાન એકપછી એક પેટા સવાલોમાં પ્રિ-મોન્સુન કામગીરીના એકપછી એક પરપોટા ફૂટવા લાગ્યા હતા. ભૂગર્ભ ગટર, વોંકળા સફાઇનું મોટાભાગનું કામ માત્ર કાગળ પર જ થાય છે. કોઇ અધિકારી સ્થળ પર તપાસ કરવા જતુ નથી. આવા ખુલ્લા આક્ષેપ સાથે સભામાં અધિકારીઓને ઘેરવામા આવ્યા હતા.

આ જ મુદ્દે વિપક્ષ કોંગ્રેસે પણ સુર પુરાવતા કહ્યુ હતુ કે, ડ્રેનેજ ચોકઅપ થઇ જવાની સમસ્યા આમતો રોજીંદી છે. પણ આ વખતે માત્ર ઝરમરિયા ઝાપટાંમાં જ અનેક જગ્યાએ ગટર ચોકઅપ થઇ ગઇ છે. ભૂગર્ભ ગટર ઉપરાંત વોંકળા સફાઇને લઇને પણ થયેલી પ્રિ-મોન્સુન કામગીરીના મામલે સંબંધિત અધિકારીઓ ઉપર હલ્લાબોલ થયો હતો.

કોન્ટ્રાક્ટરના માણસો કહે છે, પ્રિ-મોન્સૂનમાં આ કામ નથી થયુ, એટલે અમે ન કરીએ!
શહેર આખામાં ભૂગર્ભ ગટરની સમસ્યાના ઉકેલ માટે મનપાએ ખાનગી કોન્ટ્રાક્ટ આપ્યા છે. વોર્ડવાઇઝ ઝોન બનાવીને અપાયેલા કોન્ટ્રાક્ટ મુજબ સામાન્ય દિવસોમાં ડ્રેનેજ સમસ્યાના ઉકેલ માટે કામ થાય છે. જ્યારે પ્રિ-મોન્સુન કામગીરી મનપાની ડ્રેનેજ શાખા ખુદ કરે છે. જેમા ડ્રેનેજના મેઇન હોલમાં જેટીંગ મશીન નાખીને લાઇન ચોખ્ખી કરવી, ભૂગર્ભ ચેમ્બરમાંથી પ્લાસ્ટિક સહિતનો કચરો કાઢવા સહિતની કામગીરી 15 જૂન પહેલા તંત્રએ કરી નાખવાની રહે છે. પરંતુ આ વખતે હજુ તો જોઇએ તેવો વરસાદ પણ નથી પડ્યો ત્યા ઝરમરિયા ઝાપટામાં ડ્રેનેજની લાઇન ચોકઅપ થવા લાગી છે. નગરસેવકોએ આ મુદ્દે જનરલ બોર્ડની ભરી સભામાં ઉકળાટ ઠલવતા કહ્યુ હતુ કે, અમને વિસ્તારમાંથી ફરિયાદ મળે એટલે કોન્ટ્રાક્ટરને કહીએ છીએ. પણ કોન્ટ્રાક્ટર અને તેના માણસો એવુ કહે છે કે, આ બધુ પ્રિ-મોન્સુન કામગીરીમાં થઇ જવુ જોઇએ. લાઇન ઉપરથી ચોકઅપ છે. પ્રિ-મોન્સુન કામગીરી દરમિયાન નથી થયુ એટલે અમે પણ ન કરીએ!

‘હજુ જોઇએ તેવો વરસાદ નથી થયો, પ્રિ-મોન્સૂન કામગીરી કરી લો’, મેયરે ટકોર કરવી પડી
જનરલ બોર્ડમાં શાસક અને વિપક્ષ બન્ને છાવણીએથી ભૂગર્ભ ગટર સફાઇ સહિત પ્રિ-મોન્સુન કામગીરીને લઇને સવાલો ઉઠતા અધિકારીઓને ઢાંકણીમાં પાણી લઇને ડૂબી મરવા જેવી હાલત એ થઇ હતી કે, ખુદ મેયરે એવી ટકોર કરવી પડી હતી કે, હજુ જોઇએ તેવો વરસાદ થયો નથી. હજુ પણ પ્રિ-મોન્સુન કામગીરી જોઇ લ્યો.