ચોટીલાના ચામુંડા ધામમાં સફાઇ વ્યવસ્થાની પોલ ખુલી: ઠેર-ઠેર કચરાના ઢગલા

લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર અને સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલાના ચામુંડા માતાજીના ધામમાં નવરાત્રિના પ્રારંભે જ સફાઈ અને ટ્રાફિક વ્યવસ્થાની ગંભીર ખામીઓ સામે આવી છે. પ્રથમ…

લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર અને સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલાના ચામુંડા માતાજીના ધામમાં નવરાત્રિના પ્રારંભે જ સફાઈ અને ટ્રાફિક વ્યવસ્થાની ગંભીર ખામીઓ સામે આવી છે.
પ્રથમ નોરતે મોટી સંખ્યામાં ઉમટી પડેલા માઈભક્તો અને ધંધાર્થીઓની ભારે ચહલપહલ બાદ તળેટી વિસ્તારમાં રસ્તા પર ફેલાયેલા કચરાની રાત્રિ દરમિયાન યોગ્ય સફાઈ ન થતાં બીજા નોરતે વહેલી સવારે દર્શનાર્થે આવતા ભક્તોને કચરાના ઢગલા વચ્ચેથી પસાર થવાની ફરજ પડી હતી. આ દૃશ્યે યાત્રાધામની સ્વચ્છતા અને વ્યવસ્થાપન સામે અનેક સવાલો ઊભા કર્યા છે.લાખો ભક્તોની અવરજવર, છતાં રાત્રિ સફાઈ ક્યાં?

નવરાત્રિના પ્રથમ દિવસે ચામુંડા માતાજીનાં દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. ભારે ભીડને કારણે પગથિયાં નજીક બુટ-ચંપલના ઢગલા થયા હતા, જ્યારે તળેટી વિસ્તારમાં વેપારી પ્રવૃત્તિઓને પગલે પ્લાસ્ટિકની થેલીઓ સહિતનો કચરો મોટા પ્રમાણમાં રસ્તા પર ફેલાયો હતો.યાત્રાધામના તળેટી વિસ્તારમાં ખાસ સફાઈ વ્યવસ્થા ગોઠવવામાં આવતી હોવા છતાં, રાત્રિ દરમિયાન કચરાની યોગ્ય સફાઈ ન થતાં બીજા નોરતે વહેલી સવારે પણ રસ્તા પર કચરાના ઢગલા યથાવત્ જોવા મળ્યા હતા. પરિણામે, વહેલી સવારે દર્શન માટે નીકળેલા માઈભક્તોને ગંદકી વચ્ચેથી પસાર થવું પડ્યું હતું. આસ્થાના પવિત્ર પર્વ દરમિયાન યાત્રાધામમાં આવી સ્થિતિ સર્જાતાં સફાઈ વ્યવસ્થાની અસરકારકતા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.

સફાઈની સમસ્યાની સાથે વહેલી સવારે વાહનવ્યવસ્થામાં પણ અવ્યવસ્થા જોવા મળતી હોવાની ફરિયાદ છે. ડુંગરનાં પગથિયાં નજીક બાઇકો અને અન્ય વાહનો આડેધડ પાર્ક થતાં દર્શનાર્થે આવતા પદયાત્રિકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે. વ્યવસ્થા જાળવવાની સાથે ટ્રાફિક નિયંત્રણ, વાહન પાર્કિંગ અને ભક્તોની સલામત અવરજવર સુનિશ્ચિત કરવાની જવાબદારી પોલીસ તંત્રની પણ છે. ત્યારે પગથિયાં સુધી વાહનોની આડેધડ અવરજવર અને પાર્કિંગની સમસ્યા અંગે પોલીસ તંત્ર દ્વારા વધુ સઘન દેખરેખ રાખવાની જરૂૂરિયાત જણાય છે.

ચામુંડા માતાજીનાં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને સ્વચ્છ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત વાતાવરણ મળે તે માત્ર વહીવટી જવાબદારી જ નહીં, પરંતુ યાત્રાધામની ગરિમા જાળવવા માટેની આવશ્યકતા પણ છે. સંબંધિત તંત્ર આ બાબતને ગંભીરતાથી લઈ બાકીના નોરતાઓમાં આવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે અસરકારક પગલાં ભરે તેવી માગ ઊઠી છે.

પ્લાસ્ટિક કચરાના નિકાલમાં તંત્ર ઊણું ઉતર્યું?
નવરાત્રિ દરમિયાન યાત્રાધામમાં પ્લાસ્ટિકની થેલીઓ, ખાદ્યપદાર્થોનાં પેકિંગ અને અન્ય કચરાનું પ્રમાણ વધે તે સ્વાભાવિક છે. જોકે, ભીડને અનુરૂૂપ કચરાપેટીઓ, કચરાના અલગ સંગ્રહની વ્યવસ્થા અને સમયાંતરે સફાઈ કરવી તંત્રની જવાબદારી છે.