આંતરરાષ્ટ્રીય
બાંગ્લાદેશની રાજકીય અસ્થિરતા ભારત માટે ખતરાની ઘંટી
બાંગ્લાદેશમાં છેલ્લા બે મહિનાથી ચાલતા અનામત વિરોધી આંદોલનના કારણે અંતે વડા પ્રધાન શેખ હસીનાએ વડા પ્રધાનપદેથી રાજીનામું આપવું પડ્યું છે અને દેશ છોડીને ભાગવું પણ પડ્યું છે. હસીના પોતાને બચાવવા માટે નિકળી ગયાં પણ બાંગ્લાદેશને ભડકે બળતું છોડી ગયાં છે. બાંગ્લાદેશની રાજકીય અસ્થિરતા ભારત માટે સારી નથી. શેખ હસીના ભારતતરફી વલણ ધરાવતાં હોવાથી છેલ્લાં કેટલાંક વરસોમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આર્થિક સંબંધો ગાઢ બન્યા હતા. બાંગ્લાદેશ એશિયામાં ભારતનો સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર છે.
ભારત બાંગ્લાદેશમાં વરસે 14 અબજ ડોલરની આસપાસ નિકાસ કરે છે અને લગભગ 2 અબજ ડોલરની આયાત કરે છે. ભારત બાંગ્લાદેશ સાથેના વેપારમાં ફાયદામાં છે ને સાથે સાથે બાંગ્લાદેશ પણ ફાયદામાં છે કેમ કે ભારતથી જતી ચીજો પર બાંગ્લાદેશનું અર્થતંત્ર ચાલે છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે છ હજારથી વધારે ચીજોનો વેપાર થાય છે પણ મુખ્ય વેપાર કોટન, પેટ્રોલિયમ અને કઠોળ-દાળનો છે.
બાંગ્લાદેશ છેલ્લાં કેટલાંક વરસોમાં રેડીમેઈડ કપડાં અને હોઝિયરીના ગ્લોબલ હબ તરીકે ઊભર્યું છે. બાંગ્લાદેશ રેડીમેઈડ કપડાંના સૌથી મોટા ઉત્પાદકોમાં એક છે. અમેરિકા અને યુરોપના દેશોમાં બાંગ્લાદેશનાં તૈયાર શર્ટ, ટી શર્ટ, ટ્રાઉઝર્સ સહિતનાં તૈયાર કપડાંની થોકબંધ નિકાસ થાય છે. લગભગ બે કરોડ લોકો આ ઉદ્યોગમાંથી રોજગારી મેળવે છે કે જેમાં મોટા ભાગની મહિલાઓ છે. ભારતની નિકાસમાં દાળ-કઠોળ પણ દોઢ અબજ ડોલરની આસપાસ છે જ્યારે પેટ્રોલ-ડીઝલની નિકાસ પણ દોઢ અબજ ડોલર જેટલી છે.
ભારતની આ નિકાસને મોટો ફટકો પડશે. બલકે બાંગ્લાદેશમાં હિંસાની અસર ભારત સાથેના વેપાર પર પડવા જ માંડી છે કેમ કે માર્ચમાં પૂરા થયેલા વરસમાં નિકાસ ઘટીને 11 અબજ ડોલર થઈ છે. ભારત અને દક્ષિણ એશિયાના સૌથી મોટા લેન્ડ પોર્ટ પેટ્રાપોલમાં લાંબા સમયથી આર્થિક પ્રવૃત્તિઓ ઠપ થઈ ગઈ છે. તેની બાંગ્લાદેશ સાથેના વેપાર પર અસર પડી છે અને ભારતને આશરે રૂૂપિયા 150 કરોડનું નુકસાન થયું છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પેટ્રાપોલ અને બેનાપોલ સરહદો દ્વારા વાર્ષિક વેપાર રૂૂ. 30,000 કરોડની આસપાસ છે. આ વેપાર ઠપ્પ જેવો જ થઈ ગયો છે. ભારતે હજુ વધુ નુકસાન વેઠવા તૈયાર રહેવું પડશે કેમ કે, બાંગ્લાદેશમાં પરિસ્થિતિ બગડે ત્યારે ત્યારે ત્યાંના લોકો આશરો મેળવવા માટે ભારત તરફ વળે છે. ભારત અને બાંગ્લાદેશની સરહદ બહુ લાંબી છે. બાંગ્લાદેશને અડીને ત્રિપુરા, મેઘાલય, આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, સિક્કિમ અને પશ્ર્ચિમ બંગાળ એટલાં રાજ્યો છે ને ગમે ત્યાંથી ઘૂસણખોરી થઈ શકે છે. અત્યારે બીએસએફના જવાનો સરહદ પર જે ભારત માટે માથાનો દુ:ખાવો બનશે.