યુવાધનને નશાના દૂષણથી બચાવવા પોલીસની ‘રન ફોર ડ્રગ્સ’ મેરેથોન

વર્તમાન સમયમાં યુવાધનને નશાના ભયાનક દૂષણથી દૂર રાખવા અને સમાજમાં ડ્રગ્સના દુરુપયોગ સામે વ્યાપક જનજાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે રાજકોટ શહેર પોલીસ દ્વારા એક પ્રશંસનીય પગલું…

વર્તમાન સમયમાં યુવાધનને નશાના ભયાનક દૂષણથી દૂર રાખવા અને સમાજમાં ડ્રગ્સના દુરુપયોગ સામે વ્યાપક જનજાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે રાજકોટ શહેર પોલીસ દ્વારા એક પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે રાજકોટ પોલીસ દ્વારા એક રન ફોર ડ્રગ્સ (મેરેથોન દોડ)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડનો મુખ્ય હેતુ નાગરિકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા કેળવવાનો અને ડ્રગ્સ મુક્ત સમાજના નિર્માણનો હતો.

રેસકોર્સ ખાતે યોજેલ આ વિશેષ મેરેથોન દોડ બહુમાળી ચોકથી શરૂૂ થઈને રેસકોર્સ રીંગ રોડ પર યોજાઈ હતી. સમગ્ર રૂૂટ પર દોડવીરોનો ઉત્સાહ જોવા જેવો હતો. આ કાર્યક્રમને સત્તાવાર રીતે પ્રસ્થાન કરાવવા માટે રાજકોટ શહેરના પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલિક, ડીસીપી જગદીશ બાંગરવા સહિતના પોલીસ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપીને મેરેથોનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. સમાજને નશામુક્ત કરવાનો સંદેશ આપતી આ દોડમાં માત્ર પોલીસ વિભાગ જ નહીં, પરંતુ રાજકોટના જાગૃત નાગરિકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. યુવાનો, મહિલાઓ, વડીલો અને પોલીસ જવાનોએ ખભેથી ખભા મિલાવીને આ દોડમાં ભાગ લીધો હતો. સહભાગીઓના ઉત્સાહથી સમગ્ર વાતાવરણ ડ્રગ્સ ફ્રી રાજકોટના નારાઓ સાથે ગુંજી ઉઠ્યું હતું.

આ આયોજન અંગે વાત કરતા પોલીસ ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ડ્રગ્સ એ માત્ર વ્યક્તિને જ નહીં પરંતુ સમગ્ર પરિવાર અને રાષ્ટ્રને બરબાદ કરે છે. નશા મુક્ત ભારતના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા માટે સ્થાનિક સ્તરે આવા જાગૃતિ કાર્યક્રમો અત્યંત અનિવાર્ય છે. રાજકોટ પોલીસની આ પહેલને નગરજનોએ બિરદાવી હતી અને ભવિષ્યમાં પણ નશાના કારોબારને નાબૂદ કરવા માટે પોલીસ પ્રશાસનને સંપૂર્ણ સહકાર આપવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.