બાળકીની મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલવા પોલીસ ઉંધા માથે

સીસીટીવી ફૂટેજ ન મળતા પોલીસની મૂંઝવણ વધી,પાડોશીઓ અને પરિવારજનોના નિવેદનો પર મોટો મદાર: શંકાસ્પદ લોકોની સઘન પૂછપરછ અને પારિવારિક ઝઘડા સહિતના તમામ એન્ગલો પર તપાસ…

સીસીટીવી ફૂટેજ ન મળતા પોલીસની મૂંઝવણ વધી,પાડોશીઓ અને પરિવારજનોના નિવેદનો પર મોટો મદાર: શંકાસ્પદ લોકોની સઘન પૂછપરછ અને પારિવારિક ઝઘડા સહિતના તમામ એન્ગલો પર તપાસ તેજ કરાઈ

રાજકોટના કુવાડવા રોડ પર આવેલી શહીદ ઉધમસિંગ ટાઉનશિપમાં બે વર્ષની માસૂમ બાળકી સ્નેહલને પાંચમા માળેથી નીચે ફેંકી દઈને કરવામાં આવેલી નિર્મમ હત્યાના મામલે પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. આ ચકચારી મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલવા માટે બી-ડિવિઝન પોલીસ, સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ અને ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો હાલ ઉંધા માથે થયો છે.પ્રાથમિક તપાસમાં આ સ્પષ્ટપણે હત્યાનો જ મામલો હોવાનું બહાર આવ્યું છે, કારણ કે બાળકીની લાશ બિલ્ડિંગની લાઈનથી આશરે 12 થી 15 ફૂટ જેટલી દૂર પડી હતી, જે દર્શાવે છે કે તેને રમત-રમતમાં પડી જવાને બદલે કોઈ અજાણ્યા રાક્ષસે પૂરી તાકાતથી નીચે ફેંકી દીધી હતી. જોકે, ઘટનાના આટલા કલાકો વીતી જવા છતાં હજુ સુધી હત્યારાનું કોઈ સગડ ન મળતા પોલીસની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે.

આ ચકચારી કેસની તપાસમાં પોલીસને સૌથી મોટો ફટકો ટાઉનશિપના સીસીટીવી કેમેરાથી પડ્યો છે. એપાર્ટમેન્ટમાં સીસીટીવી કેમેરા તો લગાવેલા છે, પરંતુ તેનું રેકોર્ડિંગ લાંબા સમયથી બંધ હોવાના કારણે પોલીસને ઘટના સમયના કોઈ પણ પ્રકારના ડિજિટલ ફૂટેજ કે પુરાવા મળી શક્યા નથી. ટેકનિકલ પુરાવાઓના અભાવે હવે પોલીસે પોતાની તપાસની દિશા બદલીને પરંપરાગત હ્યુમન ઈન્ટેલિજન્સ પર કેન્દ્રિત કરી છે. હત્યારા સુધી પહોંચવા માટે પોલીસે હવે સોસાયટીના પાડોશીઓ, બિલ્ડિંગના રહીશો અને મૃતક બાળકીના પરિવારજનોના સઘન નિવેદનો લેવાની પ્રક્રિયા શરૂૂ કરી દીધી છે. ટાઉનશિપના જે વિંગમાં આ ઘટના બની, ત્યાં રહેતા લોકોની અલગ-અલગ ટીમો બનાવીને પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી સાંજના સમયે કોઈ અજાણ્યો શખ્સ કે શંકાસ્પદ હલચલ જોવા મળી હોય તો તેનો સુરાગ મેળવી શકાય.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક બાળકીના માતા પુનમબેન અને પિતા સંજયભાઈ વશરામભાઈ સાકરિયા વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી ચાલતા અણબનાવ અને કોર્ટ કચેરીના વિવાદો મુખ્ય કેન્દ્રમાં છે. પિતા સંજયભાઈ દીકરીનો કબજો મેળવવા અવારનવાર માથાકૂટ કરતો હોવાથી પોલીસ તેના તરફ પણ શંકાની સોય તાકી રહી છે. આ ઉપરાંત, સોસાયટીના રહીશો દ્વારા છેલ્લા ત્રણ દિવસથી બિલ્ડિંગમાં આંટાફેરા મારતા અને કપડાં ચોરી જતા એક અજાણ્યા શખ્સ અંગે જે શંકા વ્યક્ત કરવામાં આવી છે, તે દિશામાં પણ તપાસ લંબાવવામાં આવી છે.પોલીસે તમામ સંભવિત એન્ગલો પર ઝીણવટભરી તપાસ શરૂૂ કરી છે.