રાજકોટ આસપાસના હાઇવે પર વિદેશી દારૂની હેરાફેરી કરતી આંતરરાજ્ય ગેંગ અને સ્થાનીક બુટલેગરો ઉપર પોલીસે સર્જીકલ સ્ટ્રાઈક કરી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબી ની ટીમે અલગ-અલગ જગ્યાએ દરોડા પાડીને રૂ.35.87 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. રૂ.33.35 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ, કાર, ટ્રક અને મોબાઇલ સહિતનો રૂ.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન રાજસ્થાનના એક ટ્રક ચાલક સહિત કુલ છ ઇસમોની અટકાયત કરવામાં આવી છે.
પ્રથમ દરોડામાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમીના આધારે બામણબોર ચેકપોસ્ટ નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા ગુજરાત પાસિંગના એક શંકાસ્પદ ટ્રકને અટકાવીને તેની તલાશી લેવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે જ્યારે ટ્રકની તપાસ કરી ત્યારે કાળી માટીના બાચકાની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ટ્રકમાંથી 180 એમએલની કુલ 20,736 બોટલો મળી આવી હતી, જેની કિંમત અંદાજે રૂ.31.10 લાખ થાય છે. પોલીસે વિદેશી દારૂ, ટ્રક, મોબાઇલ ફોન અને બિલ્ટી સહિત કુલ રૂ.46.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે ટ્રક ચાલક રાજસ્થાનના સત્યપાલ મકરા રામ ગોદારાની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તે આ જથ્થો ચંડીગઢથી લાવ્યો હતો, પરંતુ આ માલ કોણે મંગાવ્યો અને કોણે મોકલ્યો તે અંગે હજુ રહસ્ય અકબંધ છે. આરોપી વિરૂદ્ધ અગાઉ પણ થાન અને રાધનપુરમાં પ્રોહિબિશનના ગુના નોંધાઈ ચૂક્યા છે.
બીજા દરોડામાં કુવાડવા જીઆઇડીસીમાંથી પીસીબીએ એક દારૂ ભરેલી કાર સાથે સાગર ખાનાભાઈ પરમાર (ઉં.વ. 28, રહે. મોરબી રોડ, રાજકોટ) ને ઝડપી લીધો હતો. તેની કારમાંથી રૂ.96,000 ની કિંમતની 480 દારૂની બોટલો મળી આવી હતી. કાર સહિત કુલ રૂ.5.96 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પકડાયેલો આરોપી સાગર હાલ અભ્યાસ કરે છે.
ત્રીજો દરોડો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બેટી ગામથી બેડલા ગામ તરફ જવાના રસ્તે સંજીવની સોસાયટી નજીક પાડવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે કારમાંથી વાંકાનેરના અનિલ જેસાભાઈ બાવળીયા અને ભરત પીઠુભાઈ ધાધલની ધરપકડ કરી રૂ.1.37 લાખની કિંમતનો દારૂ અને 72 બીયરના ટીન તેમજ કાર અને બે ફોન મળી કુલ રૂ.3.47 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજસ્થાનના ટ્રક ચાલકો અને સ્થાનિક બુટલેગરો અવનવી તરકીબો અજમાવીને દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. જામીન પર છૂટ્યા બાદ આ શખ્સો ફરી આ જ કાળા કારોબારમાં જોડાઈ જતા હોવાનું પણ સામે આવ્યું છે. રાજકોટ પોલીસ હાલ આ તમામ નેટવર્કના મૂળ સુધી પહોંચવા અને મુખ્ય સપ્લાયર્સ પકડવા માટે વધુ તપાસ ચલાવી રહી છે.
પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઈમ ભરત બસીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ પી.આઈ એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવ સાથે પીસીબીના પી.એસ.આઈ. આર.કે. જાડેજા અને તેમની ટીમે કામગીરી કરી હતી.
ચોથા દરોડામાં પીસીબીની ટીમે માલીયાસણથી ગોંડલ તરફ જતા નવા 150 ફૂટરીંગ રોડ પર કાળીપાટ ચોકડી પાસે ઇકો કાર નંબર જીજે 25 એએ 1726ને અટકાવી તલાશી લેતા ઇકો કારમાંથી રૂા.2.52 લાખની કિંમતની 180 એમએલના 1056 ચપલા દારૂ મળી આવ્યો હતો.આ દારૂ સાથે જૂનાગઢના આસીફ મહમલ કાદરી, સાકરી અલીમહમદ મતવાની ધરપકડ કરી હતી જેમાં તપાસમાં જૂનાગઢના અવેશ અમીનભાઇ અરબનું નામ ખુલ્યુ હતું. પોલીસે દારૂ અને ઇકો કાર સહિત 6.52 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
