ગુજરાત
વૈભવી બંગલા-ફલેટમાંથી ‘હાથ કી સફાઇ’ કરતી ગેંગની દિવાળી બગાડતી પોલીસ
ટોળકીના પાંચેય સભ્યોએ ચાર જગ્યાએ 34.23 લાખનો હાથફેરો કર્યાની કબુલાત, તાલુકા પોલીસે 31.60 લાખનો મુદ્દામાલ રીકવર કર્યો
સૂત્રધાર ગોંડલ ચોકડીએ બસની ‘રાહ’ જોતો હતો ત્યારે પોલીસે દબોચ્યો, બાકીના ચાર આરોપી લક્ષ્મીનગરમાં થેલા ભરી નીકળવાની તૈયારી કરતા’તા
દિવાળી હોય એટલે લગભગ દરેક ઘરની સફાઈ કરવાનો સિલસિલો ક્યારેય અટક્યો નથી અને અટકવાનો પણ નથી. દિવાળીના એક મહિના અગાઉ જ પરિવાર દ્વારા સફાઈકાર્ય શરૂૂ કરી દેવામાં આવે છે. જો કે છેલ્લા ઘણા સમયથી બહારથી માણસો બોલાવી સફાઈ કરાવવાનો આગ્રહ રાખવાનો ક્રેઝ વધી ગયો હોય જેના કારણે લોકોએ તેની મોંઘી કિંમત પણ ચૂકવવી પડતી હોય છે.
આવો જ એક બનાવ તાજેતરમાં શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે શાલીગ્રામ એપાર્ટમેન્ટમાં રહેતાં પટેલ કારખાનેદાર અને વેપારી સાથે બન્યો હતો. આ વેપારીના ઘરમાં સફાઈ કરવાના નામે પ્રભુ નામના શખ્સની ટોળકી ઘૂસી હતી અને કલાકોમાં જ 20 લાખની રોકડ લઈને ગાયબ થઈ ગઈ હતી. આ બનાવની નોંધ પોલીસ ચોપડે થતાં જ એક બાદ એક પીડિતો બહાર આવ્યા છે જે પ્રમાણે આ ટોળકીએ એક મહિનાની અંદર 34.23 લાખ રૂૂપિયાની ચોરીને અંજામ આપ્યો હોવાનો ખુલાસો થયો હતો.આ ઘટનામાં તાલુકા પોલીસની ટીમે પાંચ સભ્યોની ટોળકીને ઝડપી 31.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ અંગે હર્ષભાઈ પ્રધુમનભાઈ ભીલા (ઉ.વ.35)એ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે,પ્રભુ અને તેની સાથે રહેલા ત્રણ શખ્સોએ ઘરની સાફ- સફાઈના બ્હાને ઘરમાં રહેલા કબાટમાંથી 12.63 લાખ રૂૂપિયાની ચોરી કરી હતી. હર્ષ ભીલા સાધુ વાસવાણી રોડ ઉપર કોપર સ્ટોન એપાર્ટમેન્ટની પસીથ વિંગમાં 301 નંબરનો ફ્લેટ ધરાવે છે. આ જ રીતે બાલાજી હોલ પાસે બેકબોન પાર્ક શેરી ન.રમાં રહેતા દેવ મુકેશભાઈ બુટાણી (ઉ.વ.21) એ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે,બંસીભાઈ અને તેની સાથે આવેલા બે શખ્સોએ તેમના ઘરના કબાટમાંથી 60,000ની – રોકડ ચોરી કરી હતી.
આ ઉપરાંત સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે શાલીગ્રામ એપાર્ટમેન્ટના ફ્લેટ નં.ભી-100રમાં રહેતા કેતન રમેશભાઈ કથીરિયા નામના વેપારીના ઘરમાંથી પણ પ્રભુ અને તેની સાથે આવેલા શખ્સોએ કબાટમાંથી સાત લાખની રોકડનો હાથફેરો કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ ઉપરાંત ટોળકીએ માલવિયાનગર પોલીસ મથકમાં પણ ચોરી કરી હતી જે ફરિયાદ હજુ નોંધાઈ ન હોવાનું જાણવા મળી રહ્યું છે.ફરિયાદો નોંધાતાં જ ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવા માર્ગદર્શન મુજબ, રાજકોટ તાલુકા પોલીસ મથકના પીઆઈ ડી.એમ.હરિપરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.એસ. ભરવાડ, કે. એચ.કારેણાં, હરપાલસિંહ જાડેજા, કૌશેન્દ્રસિંહ ઝાલા,મયુરસિંહ જાડેજા, સંજયભાઈ માંડાણી, નિકુંજ મારવીયા અને બલભદ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે મુખ્ય સૂત્રધાર પ્રભુલાલ સવજી મીણાં ગોંડલ ચોકડી પાસેથી બસ પકડી ભાગવાની ફિરાકમાં હોય તેમને પકડી લીધા બાદ તેમના સાગરીતો બંસીલાલ દેવીલાલ મીણા,કાંતિ ઉર્ફે કાનુરામ મીણા,ગોપાલ ઉર્ફે ભૂપેસ શંકર મીણા અને પવન થાવરચંદ્ર મીણાંને લક્ષ્મીનગર પાસેથી ઝડપી લીધા હતા.હાલ તમામની પૂછપરછમાં ચારેય ચોરીના ભેદ ઉકેલી 31.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
મૂળ રાજસ્થાનનો સૂત્રધાર પ્રભુ છેલ્લા 17 વર્ષથી રાજકોટમાં રહે છે
પૂછ પરછમાં થયેલા ખુલાસા પ્રમાણે સૂત્રધાર પ્રભુ છેલ્લા 17 વર્ષથી રાજકોટમાં રહે છે.પ્રભુ સાફ-સફાઈનું કામ કરતો હોય જ્યારે દિવાળીના તહેવારમાં કોઈ તેમને સાફસફાઈ માટે બોલાવે ત્યારે વતનમાં રહેતા તેમના સાગરીતોને તહેવારોમાં બોલાવી ચોરી કરી અને શહેર છોડીને ભાગી જવાની ટેવ ધરાવતા હતા.પ્રભુ રાજકોટના વિસ્તારોથી પરિચિત હોય વૈભવી બંગલા ધરાવતી સોસાયટીઓ અને એપાર્ટમેન્ટોમાં કામ રાખતો હતો.
ત્તીજોરીમાં રહેલી રોકડમાંથી થોડી રોકડ જ ચોરી કરતા,જેથી ઘરધણીને શંકા ન જાય!
દિવાળીમાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓના બંગલામાં સાફસફાઈ કરવા જતી અને તિજોરીમાંથી મોટી રકમ સેરવી લેતી રાજસ્થાનની ગેંગને રાજકોટ તાલુકા પોલીસે ઝડપી લીધી હતી.આ બનાવમાં સૂત્રધાર પ્રભુની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેઓ ઘર માલિકની નજર ચૂકવી તિજોરીમાં મોટી રકમ પડી હોય તેમાંથી અમુક રકમ જ ચોરતા હતા જેથી ઘરધણીને શંકા ન જાય.
અજાણ્યા લોકોને સફસફાઇ કરવા રાખો ત્યારે તેમના આધાર પુરાવા લઇ લેવા:પોલીસની અપીલ
રાજકોટ શહેર પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે,હાલ દિવાળીના તહેવારો આવતા હોય જેને અનુસંધાને રહેણાંક મકાનની સાફ-સફાઈ કરવા માટે આવતા બહારના પરપ્રાંતિયો લોકો પાસેથી તેમના આધાર પુરાવાની નકલ લઈ લેવી જોઈએ.સાફસફાઈ દરમિયાન ઘરના એક સભ્યએ ત્યાં રહેવું જોઈએ.રોકડ અને દાગીના લોકરમાં રાખવા અથવા તિજોરીમાં લોક મારીને રાખવું જોઈએ.તેમજ તહેવારમાં બહાર જાવ ત્યારે કિંમતી ચીજવસ્તુઓ લોકરમાં રાખીને જવું જોઈએ.