થોડાક દિવસ પહેલાં ગોંડલમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે જાહેર સભા કરીને સમાધાન થયું હતું. જેમાં અલ્પેશ ઢોલરિયાએ એવું કીધું હતું કે, ગણેશ ગોંડલને ખંભે બેસાડીને ધારાસભ્યા બનાવવાના છે. આ પછી પાટીદાર સમાજમાં અલ્પેશ ઢોલરિયાનો આંતરિક વિવાદ થઈ રહ્યો છે. સતત બે દિવસથી સોશિયલ મીડિયામાં બંની ગજેરા નામના યુવકના આ વીડિયો ફરતા થયા છે. જેમાં તેઓ કહે છે કે, જો અલ્પેશ ઢોલરિયા ગણેશ ગોંડલને ધારાસભ્ય બનાવવાનું કહે છે તો નિખિલ દોંગા પાટીદાર સમાજમાંથી છે તેમને પણ ટિકિટ મળવી જોઈએ. આ વીડિયો બાદ પોલીસે બંની ગજેરાની પૂછપરછ કરી હતી. જે બાદ તેમણે મીડિયા સમક્ષ આ ઘટના વિશે વાત કરી છે. બંની ગજેરાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, બે-ચાર દિવસથી સોશિયલ મીડિયામાં પોસ્ટું મૂકી હતી. એ બાબતે પોલીસ ગઈકાલ રાતે મારા ઘરે આવી અને પોલીસ સ્ટેશનમાં હાજર થવા કહ્યું હતું. આ પછી બીજા દિવસે સવારે હું વકીલ સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો.
જ્યાં મેં અમારી વાત રજૂ કરી છે. પણ એક વસ્તુ યોગ્ય નથી કે પોલીસવાળા કોઈપણ પ્રકારની નોટીસ વગર કે કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર ઘરે આવી જાય. એટલું જ નહીં કોઈપણ પ્રકારનો ગુનો હજી દાખલ ન થયો એ પહેલા કોઈપણ પ્રકારની સમાધાનની કેવી વાતો કરે એટલે એ પણ યોગ્ય નથી. ગુના વગર પોલીસ સ્ટેશનમાં બોલાવવા અને પૂછપરછ કરવી યોગ્ય નથી. તેમણે વધુમાં કહ્યું કે, આવતીકાલે ફરીવારમાં એવું કહ્યું છે કે, સવારે હાજર થવાનું છે અને આ પોસ્ટ બાબતે પાછું નિવેદન દેવાનું છે.

