રાજકોટ જિલ્લામાં ઠેર ઠેર રોડ-રસ્તાઓ ઉપર ચેક પોસ્ટ ઉભી કરી પોલીસે ચેકીંગ હાથ ધરી કોઈ અઘટીત ઘટના ન ઘટે તે માટે ચુસ્તબંદોબસ્ત ગોઠવી દીધો હતો
સૌરાષ્ટ્રભરમાં પોલીસ દ્વારા થર્ટી ફસ્ટની ઉજવણીના પગલે સજ્જડ સુરક્ષા વ્યવસ્થા અને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. નવા વર્ષની ઉજવણી દરમિયાન યોજાનાર પાર્ટીઓમાં કોઈ અતિરેક ન થાય તેમજ રસ્તાઓ પર ટ્રાફીક જામ સર્જાય નહીં તે માટે પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોસ્ટલ એરિયા અને હાઈ-વે ઉપર ઠેર ઠેર ચેક પોસ્ટ ઉભી કરી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ધાર્મિક સ્થળો ઉપરાંત હરવા-ફરવાના સ્થળો ઉપર વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ત્યારે રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા કોરાટ ચોકથી લઈ પાટણવાવ સુધી સમગ્ર જિલ્લામાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને પોલીસ દ્વારા બ્રેથ એનેલાઈઝરની મદદથી દારૂ પી વાહન ચલાવનાર વાહન ચાલકોને પકડી પાડવામાં આવ્યા હતાં.
થર્ટી ફર્સ્ટ પૂર્વે રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા કોરાટ ચોકથી લઈ પાટણવાવ સુધી સમગ્ર જિલ્લામાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના હેઠળ ગઈકાલે સવારથી જ જિલ્લામાં અલગ અલગ સ્થળોએ તેમજ ખાસ કરીને હાઇવે પર સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા બ્રેથ એનેલાઈઝરની મદદથી દારૂૂ પી વાહન ચલાવનાર વાહન ચાલકોને પકડી પાડવામાં આવ્યા હતા.
આ ઉપરાંત વાહનોમાંથી બ્લેક ફિલ્મ ઉતારવામાં આવી હતી. રાજકોટ રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ અને એસપી વિજયસિંહ ગુર્જરની સુચના હેઠળ જિલ્લામાં આગામી થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂૂપે થર્ટી ફર્સ્ટના દિવસે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ગોંડલ પાસેથી ખેડા જિલ્લા ભાજપ બક્ષીપંચના પૂર્વ મહામંત્રીની કાળા કાચ વાળી ગાડી ઝપટે ચડી
ગોંડલ શહેરની વ્યસ્ત આશાપુરા ચોકડી, મોવિયા ચોકડી, બસ સ્ટેન્ડ ચોક અને ત્રણ ખૂણીયા સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલીંગ અને વાહન ચેકિંગ હાથ ધરાયું હતું. આ કાર્યવાહી દરમિયાન, ખેડા જિલ્લા ભાજપ બક્ષીપંચના પૂર્વ મહામંત્રીની પ્લેટ, ભાજપના ખેસ અને અન્ય સાહિત્ય ધરાવતી એક સફેદ અર્ટિકા ગાડી પણ પોલીસના સકંજામાં આવી હતી. પોલીસે કોઈ પણ શેહ-શરમ રાખ્યા વગર સ્થળ પર જ કાળી ફિલ્મ ઉતરાવી દંડ વસૂલ્યો હતો. આ કાર્યવાહી દ્વારા પોલીસે કાયદો સર્વોપરી હોવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે.

