રાજકોટ જીલ્લામાં ગેરકાયદેસર વ્યાજવટાવની પ્રવૃત્તિ કરતા તત્વો સામે કાર્યવાહી કરી વ્યાજખોરોના વિષચક્રમાં ફસાયેલા સામાન્ય નાગરિકોને મુક્ત કરાવવાના હેતુથી રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે સુલતાનપુર પોલીસે વ્યાજખોર સામે કડક કાર્યવાહી કરી રૂૂ.1 કરોડનો મુદ્દામાલ મૂળ માલિકને પરત અપાવ્યો હતો.
મળતી માહિતી મુજબ, ગોંડલ તાલુકાના મોવીયા ગામે હદવાણી વાળી શેરીમાં રહેતા લલીત ઉર્ફે નિલેશ મોહનભાઇ ટારીયા (ઉ.વ. 30) નામના પશુપાલકે સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, વાસાવડ ગામના રહેવાસી સોહિલ રફીકભાઇ સલાટ (ઉ.વ. 26) અને ઇરફાન રફીકભાઇ સલાટ (ઉ.વ. 24) એ કોઈ પણ નાણાધીરધારનું લાયસન્સ ન હોવા છતાં લલિતને રૂૂ. 44,000 માસિક 3 ટકાના ઊંચા વ્યાજે આપ્યા હતા. લલિતે રૂૂ. 20,000 જેટલું વ્યાજ ચૂકવી દીધા છતાં, આર્થિક ભીંસના કારણે વ્યાજ આપવાનું બંધ કરતા બંને આરોપીઓએ ફરિયાદીને ફોન પર ધમકાવી, માર મારવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પોલીસ ફરિયાદ બાદ બંને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી હતી. ત્યારબાદ ’ઈ-સાક્ષ્ય’ એપ મારફતે પંચોની હાજરીમાં આરોપીના ઘરેથી ફરિયાદીના રૂૂ. 1,20,250 ની કિંમતના સોના-ચાંદીના દાગીના કબજે કર્યા હતા. આ ગુનો દાખલ થયા બાદ અન્ય આશરે 90 જેટલા ભોગ બનનાર લોકોએ સુલતાનપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને જણાવ્યું હતું કે આરોપીઓએ તેમના પણ સોના-ચાંદીના દાગીના તથા મહત્વના દસ્તાવેજો કબ્જામાં રાખ્યા છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી બન્ને વ્યાજખોરોએ સ્વખુશીથી ભોગ બનનારાઓના દાગીના અને દસ્તાવેજો પરત કરાવ્યા હતા.
જેમાં સોનાના દાગીના: 180.65 ગ્રામ કિંમત રૂૂ. 27,48,450,ચાંદીના દાગીના: 19 કિલો 724 ગ્રામ કિંમત રૂૂ. 49,31,000, જમીન/મકાન/પ્લોટના દસ્તાવેજો અને આર.સી. બુક: કિંમત રૂૂ. 29,00,000,સહી કરેલા કોરા ચેક 6 નંગ મળીને પોલીસે કુલ રૂૂ.1,05,79,450નો મુદ્દામાલ ભોગ બનનારાઓને પરત અપાવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી સોહિલ રફીકભાઇ સલાટ સામે અગાઉ વાહન અકસ્માત અને ધમકી આપવાના 3 ગુના નોંધાઈ ચૂક્યા છે.
