શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આંબેડકર નગરમાં માતા-પુત્રો ઉપર પાંચ શખ્સોએ ધોકા-છરી વડે હુમલો કરતા ઘવાયેલા બંને સગા ભાઈને સારવારમાં ખસેડાયા હતાં. મારા મમ્મીને કેમ હેરાનકરો છો, કહી ઠપકો આપતા આરોપીઓ ગેરકાયદે મંડળી રચી તુટી પડ્યા હતાં. આ અંગે પોલીસે રાયોટીંગ, ધમકી, સહિતની કલમો હેઠળ ગુનો નોંધીવધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ 150 ફૂટ રીંગ રોડ પર આંબેડકર નગર શેરી નં. 12/14માં રહેતા જેકેસ મનસુખભાઈ ચાવડા (ઉ.વ.25)એ માલવિયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદના આરોપી તરીકે ભરત ચમનભાઈ ચૌહાણ, અજય નાનજીભાઈ ચૌહાણ, કૈલાશ ઉર્ફે ગુણો જેન્તીભાઈ પરમાર, નરસી ઉર્ફે ભાણો ચૌહાણ અને સંજય મંગાભાઈ રાઠોડના નામ આપ્યા છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈકાલે રાત્રે ફરિયાદી આંબેડકરનગરમાં આવેલા ઈંટોના ભઠ્ઠે ગયા હતા ત્યારે આરોપી ભરત ચૌહાણ અને અજય રાખસિયા બેઠા હોય જેથી તેને કહેલું કે ‘મારા મમ્મીને કેમ હેરાન કરો છો’ હવે પછી આમ ન કરતા’ તેમ સમજાવીને પરત ઘરે આવતો હતો ત્યારે ઘર પાસે પહોંચતા તમામ આરોપીઓ ધોકા-પાઈપ, છરી પથ્થર સાથે ધસી આવ્યા હતાં. અને મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી તેણે રાડો પાડતા તેના માતા અને ભાઈ ચીરાગ દોડી આવ્યા હતાં. દરમિયાન આરોપીઓએ ધોકા-છરી વડે ફરિયાદી ઉપર હુમલો કરતા તે પડી ગયો હતો.
જેથી ફરિયાદીને બચાવવા તેના માતા અને ભાઈ વચ્ચે પડતા આરોપીઓ તેના માતા અને ભાઈ ઉપર પણ હુમલો કર્યો હતો. જેથી ત્યાં એકઠા થયેલા માણસોઓ પોલીસમાં ફોન કરતા પોલીસની ગાડી આવી જતાં આરોપીઓ નાશી છૂટ્યા હતાં. હુમલામાં ફરિયાદી અનેત ેના ભાઈ ચિરાગને ઈજા થતાં બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
આ અંગે માલવિયાનગર પોલીસે જેકેસ ચાવડાની ફરિયાદ પરથી પાંચેય શખ્સો વિરુદ્ધ રાયોટીંગ, ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પીએસઆઈ એચ.આર. મોરીએ વધુ તપાસ હાથ ધરી છે.

