આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોટા દડવા ગામે ગેરકાયદેસર રીતે ચાલી રહેલી દેશી દારૂૂની ભઠ્ઠી પર દરોડો પાડવા ગયેલી પોલીસ ટુકડી પર મહિલા બુટલેગર અને તેના સંતાનો દ્વારા જાનલેવા હુમલો કરી ફરજમાં રૂૂકાવટ કરી હતી. પોલીસ સ્ટાફ અંદર દરોડાની કાર્યવાહી કરી રહ્યો હતો, ત્યારે મહિલા બુટલેગર અને તેના સંતાનોએ બહારથી દરવાજો બંધ કરી પોલીસને બંધક બનાવી ઘરના લાઈટના દોરડા તોડી નાખી વિજળી બંધ કરી દીધી હતી અને સમગ્ર પોલીસ સ્ટાફને ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખી રૂૂમમાં પૂરી દીધો હતો. આ ઘટના મામલે આટકોટ પોલીસ સ્ટેશનમાં મહિલા બુટલેગર અને તેના સંતાનો સામે ગુનો નોંધી ચારેયને ઝડપી લેવામ આવ્યા છે.
મળતી વિગતો મુજબ તારીખ 27 ઓગસ્ટ 2026ના રોજ સાંજના આશરે 19:00 વાગ્યાથી આટકોટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પ્રોહિબિશન અને જુગાર અંગેની ખાસ ડ્રાઈવ હેઠળ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. પેટ્રોલીંગ દરમિયાન પોલીસને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે મોટા દડવા ગામે રહેતી સુમનબેન વલકુભાઈ સોલંકી પોતાના રહેણાંક મકાનમાં દેશી દારૂૂની ભઠ્ઠી ચલાવી દારૂૂનું ઉત્પાદન અને વેચાણ કરે છે. બાતમીના આધારે મોડી રાતે આશરે 12 વાગ્યે પોલીસ ટીમે બાતમી વાળા સ્થળે દરોડો પાડ્યો હતો. પોલીસે સુમનના ઘરનો દરવાજો ખોલાવ્યો હતો. ફળિયામાં પ્રવેશ કરી અંદર તપાસ કરતા દેશી દારૂૂ અને આથાની તીવ્ર દુર્ગંધ આવી રહી હતી. અંદરનો રૂૂમ અંદરથી બંધ હોય પોલીસે દરવાજો ખોલવા જણાવતા જ આરોપી સુમન એકાએક ઉશ્કેરાઈ હતી અને પોલીસ સ્ટાફને ગાળો આપવા લાગી હતી. સુમને પોતાના કપડાં જાતે ફાડી નાખવાનો પ્રયાસ કરી, પહેરેલ કપડાં ઊંચા કરી પોલીસ પર આક્ષેપો મૂકી ખોટા કેસમાં ફસાવી દેવાની ગુનાહિત ધમકી આપી હતી.
દરમિયાન અંદર રહેલા સુમનના સંતાનો પુત્રી સપના, નાની પુત્રી રાધિકા અને પુત્ર નિકુંજે દરવાજો ખોલ્યો હતો. પોલીસે અંદર કબાટ અને અલગ-અલગ વાસણોમાંથી દેશી દારૂૂ તથા આથો શોધી કાઢ્યો હતો. પોલીસે પંચોને બોલાવી કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરતા જ ચારેય આરોપીઓ ફરી ઉશ્કેરાઈ ગયા હતા અને પોલીસ સ્ટાફ સાથે જપાજપી કરી ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. આ હુમલા દરમિયાન કોન્સ્ટેબલ અરવિંદભાઈને ઢસડી પાણીયારા સાથે અથડાવ્ય હતા. વચ્ચે પડેલા અન્ય પોલીસ સ્ટાફ સાથે પણ ઝપાઝપી કરી આરોપીઓએ હુમલો કરી દીધો હતો. મહિલા બુટલેગરની પુત્રી સપનાએ પોલીસ કમર્ચારીના ડાબા હાથના કાંડા પર બચકું ભરી લીધું હતું, જ્યારે નાની પુત્રી રાધિકાએ જમણા હાથની કોણી પાસે બચકું ભરી મુંઢ ઈજાઓ પહોંચાડી હતી.
મહિલા બુટલેગર અને તેના સંતાનોએ કરેલ હુમલો આટલેથી ન અટકીને, જ્યારે પોલીસ સ્ટાફ અંદર પ્રોહિબિશન અંગેની કાયદેસરની કાર્યવાહી કરી રહ્યો હતો, ત્યારે ચારેય આરોપીઓએ બહારથી દરવાજો બંધ કરી દીધો હતો. તેમણે લાઈટના દોરડા તોડી નાખી વિજળી બંધ કરી દીધી હતી અને સમગ્ર પોલીસ સ્ટાફને ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખી રૂૂમમાં પૂરી દીધો હતો.
અંદર પુરાયેલા પોલીસ સ્ટાફે તાત્કાલિક અન્ય પોલીસ ટીમને ફોન કરીને જાણ કરતા વધારાનો પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને અંદર પુરાયેલા સ્ટાફને બહાર કાઢ્યો હતો. અને પોલીસે સ્થળ પરથી પ્રોહિબિશનનો જથ્થો કબ્જે કરી સુમનબેન સામે દારૂૂબંધીનો અલગ ગુનો પણ દાખલ કર્યો છે. આ ઉપરાંત સરકારી કામકાજમાં અડચણ ઊભી કરવા બદલ ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી મહિલા બુટલેગર અને તેના સંતાનોની ધરપકડ કરી હતી. આ બનાવની આગળની તપાસ આટકોટ પોલીસ સ્ટેશનના પી.આઈ આર.એમ. રાઠોડ ચલાવી રહ્યા છે.

