લોકસભામાં પેપર લીક વિરોધી બિલ પર ચર્ચા આજે ફરી શરૂ થઈ એ પહેલા આજે કાર્યવાહી શરૂૂ થતાં જ વિપક્ષી સભ્યોએ હોબાળો મચાવ્યો. હંગામાને કારણે, ગૃહની કાર્યવાહી બપોરે 12:00 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.
આ દરમિયાન, રાજ્યસભામાં, વિપક્ષી સભ્યોએ સીપીએમના દિલ્હી ઓફિસ પર દરોડાના મુદ્દાને ઉઠાવ્યો. વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સરકાર પર નિશાન સાધતા આ કાર્યવાહીને લોકશાહી પર પ્રહાર ગણાવી. તેના જવાબમાં ગૃહના નેતા જેપી નડ્ડાએ તેને એક સામાન્ય બાબત ગણાવી.
નડ્ડાએ ટિપ્પણી કરી કે વિદ્યાર્થી કાર્યકર્તા તરીકેના કાર્યકાળ દરમિયાન તેમની પણ બે વાર ધરપકડ કરવામાં આવી હતી. મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે જોન બ્રિટાસ દ્વારા ઉઠાવવામાં આવેલ મુદ્દો ખૂબ જ શરમજનક છે – ધરપકડ કરવા માટે રાષ્ટ્રીય પક્ષના કાર્યાલયમાં ઘૂસવાની વાત થઈ રહી છે. લોકશાહી સલામત નથી. આ માટે જવાબદાર લોકોની ધરપકડ થવી જોઈએ. આ માટે કોણે આદેશ આપ્યો?
ઉલ્લેખનીય છે કે, દિલ્હી પોલીસની એક ટીમ મંગળવારે નવી દિલ્હીમાં ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) (સીપીઆઈ-એમ) ના મુખ્યાલયમાં વિદ્યાર્થી નેતા આઈશી ઘોષ વિરુદ્ધ “બિનજામીનપાત્ર વોરંટ” જારી કરવા માટે ઘૂસી ગઈ હતી, જેના કારણે પાર્ટીના નેતાઓ સાથે ઘર્ષણ થયું હતું.
પોલીસ અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે બેંગ્લોર ભવનની બહાર 2021 ના વિરોધ પ્રદર્શનના સંદર્ભમાં વોરંટ જારી કરવામાં આવ્યું હતું. “ઘોષ વિરુદ્ધ આ કેસમાં બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું અને આગામી સુનાવણી 30 જુલાઈ છે. ટીમ વોરંટનો અમલ કરવા ગઈ હતી,” એક અધિકારીએ જણાવ્યું હતું.
