ફાયરિંગના આરોપીને પકડવા રીબડા સહિતના સ્થળે પોલીસના દરોડા

ગોંડલ તાલુકાના સડક-પીપળીયા ગામની સીમમાં પાકના નુકસાનના મામલે થયેલી મારામારી અને હવામાં ફાયરિંગની ઘટનાને પગલે રાજકોટ ગ્રામ્ય પોલીસ એક્શન મોડમાં આવી છે અને ગત રાત્રે…

ગોંડલ તાલુકાના સડક-પીપળીયા ગામની સીમમાં પાકના નુકસાનના મામલે થયેલી મારામારી અને હવામાં ફાયરિંગની ઘટનાને પગલે રાજકોટ ગ્રામ્ય પોલીસ એક્શન મોડમાં આવી છે અને ગત રાત્રે આરોપી ધૃવરાજસિંહ જાડેજાને પકડવા પોલીસે રીબડા સહિતના સ્થળોએ દરોડા પાડી કોમ્બીંગ હાથ ધર્યું હતું. ગત તા. 3 ઓક્ટોબરના રોજ રાત્રિના સાડા દસથી પોણા અગિયાર વાગ્યાના અરસામાં બનેલી આ ઘટનામાં ફરિયાદી પક્ષના પશુઓ ખેતરમાં ઘૂસી જતા ઊભા પાકને નુકસાન થયું હતું.

આ મુદ્દે ઉશ્કેરાયેલા રીબડાના ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા સહિતના શખ્સોએ ફરિયાદી પક્ષ સાથે માથાકૂટ કરી હોવાનો આક્ષેપ છે.સડક-પીપળીયા ગામની સીમમાં આવેલી ધ્રુવરાજસિંહ જાડેજાની ખેતીની જમીનમાં બકરાં ઘૂસી જતાં પાકને નુકસાન થયું હતું. આ બાબતને લઈને ધ્રુવરાજસિંહે પોતાની સાથે કામ કરતા અન્ય શખ્સોને ભેગા કરી ગેરકાયદેસર મંડળી રચી ફરિયાદીના રહેણાંક સ્થળે ધસી જઈ મારામારી કરી હોવાનો ગુનો નોંધાયો છે. આરોપીઓએ લાકડીઓ અને લોખંડના પાઈપ વડે ફરિયાદી તથા સાહેદો પર હુમલો કર્યો હોવાની ફરિયાદ છે. દરમિયાન દહેશત ફેલાવવાના ઇરાદે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રાજકોટ ગ્રામ્ય પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી આરોપીઓની શોધખોળ શરૂૂ કરી હતી.કિશોરને પણ હસ્તગત કરવામાં આવ્યો છે.મુખ્ય આરોપી ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા હજુ પોલીસ પકડથી દૂર છે અને તેને ઝડપી પાડવા માટે શોધખોળ તેજ કરવામાં આવી છે.ઘટનાની ગંભીરતાને પગલે રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરની સૂચના હેઠળ રીબડા ગામમાં સઘન કોમ્બિંગ હાથ ધરાયું હતું.

ઈન્ચાર્જ ડીવાયએસપી શ્રીજીતા પટેલના માર્ગદર્શન હેઠળ એલસીબી તથા ગોંડલ ડિવિઝનની અલગ-અલગ ટીમો બનાવી 70થી વધુ પોલીસકર્મીઓ કોમ્બિંગમાં જોડાયા હતા. પોલીસ દ્વારા રીબડા સહિતના વિસ્તારોમાં શંકાસ્પદ સ્થળોએ તપાસ ઉપરાંત હાઈવે અને અન્ય માર્ગો પર વાહન ચેકિંગ ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી હતી.પોલીસના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ફરાર મુખ્ય આરોપીને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને કોમ્બિંગ ચાલુ રાખવામાં આવ્યું છે.