માઉન્ટ આબુ ફરવા લઇ ગયા બાદ કાર ગીરવે મુકવાનો પ્રયાસ પણ કર્યો
શહેરમાં સેલ્ફમાં ભાડે લીધેલી કાર ઓળવી જવાના, બારોબાર વેચી દેવાના કે ગીરવે મુકી દેવાના બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યા. માધાપર ચોકડી પાસે સુંદરમ ગોલ્ડ એપાર્ટમેન્ટમાં રહેતાં અમિત ભુપતભાઈ વાઘેલા(ઉ.27)ની સેલ્ફમાં ભાડે લીધેલી કાર આરોપી રાજ ઉર્ફે હિમાંશુ જયેશ ભાદરકાએ ગીરવે મુકવાનો પ્રયાસ કર્યાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
જેમાં અમિતે જણાવ્યું છે કે પોણા બે માસ પહેલાં તેના મિત્ર વિકાસ ભાદરકાએ તેને કોલ કરી કહ્યું કે તેનો મિત્ર રાજ પરિવાર સાથે માઉન્ટ આબુ ફરવા જવાનો છે. જેથી તેને વર્ના કાર ભાડે જોઈએ છે. તે પણ સાથે જવાનો છે.
જેથી તેણે રૂૂા.3 હજારના ભાડા લેખે રાજને કાર આપી હતી. જેની સામે વિકાસે પોતાનું બાઈક સિકયોરીટી પેટે તેની પાસે રાખ્યું હતું. રૂૂા.3 હજાર એડવાન્સ પણ આપ્યા હતા. કાર લઈ ગયાના બીજા દિવસે મિત્ર આશિષ મોવાડીયાએ તેને કોલ કરી કહ્યું કે તેના મિત્ર અકરમ દાઉદાણી પાસે તેની કાર ગીરવે મુકવા માટે વોટસએપમાં ફોટા આવ્યા છે.
પરિણામે તેણે મિત્ર વિકાસને કાર બાબતે પૂછતાં કહ્યું કે કાર રાજ એકલો લઈ આબુ ગયો છે. તે સાથે ગયો નથી. ત્યાર પછી તેણે કહ્યું કે કાર રાજ પાસે જ છે અને તે આબુથી નીકળી ગયો છે. આ પછી રાજે કોલ ઉપાડવાનું બંધ કરી દીધાનું વિકાસે કહ્યું હતું. તેણે અકરમ પાસેથી કાર ગીરવે મુકવા કોણ આવ્યું હતું તેમ પુછતાં સોહિલ પરમારનું નામ આપ્યું હતું.આજ સુધી તેને કાર પરત નહીં મળતાં આખરે ગાંધીગ્રામમાં ફરિયાદ નોંધાવી હતી.

