પોલીસ કોઈને મૌખિક કે ફોન દ્વારા સમન્સ પાઠવી શકે નહીં: હાઈકોર્ટ

ઘણીવાર પોલીસ દ્વારા કોઈપણ ગુનાના આરોપીને મૌખિક રીતે કે ફોન પર, વોટ્સએપ કે અન્ય માધ્યમ દ્વારા સમન્સ જારી કરી તપાસના કામે હાજર થવા માટે જણાવવામાં…

ઘણીવાર પોલીસ દ્વારા કોઈપણ ગુનાના આરોપીને મૌખિક રીતે કે ફોન પર, વોટ્સએપ કે અન્ય માધ્યમ દ્વારા સમન્સ જારી કરી તપાસના કામે હાજર થવા માટે જણાવવામાં આવતું હોય છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે એક ચુકાદા મારફતે સ્પષ્ટ કર્યું છે કે, પોલીસ કોઈપણ વ્યક્તિને મૌખિક રીતે કે ફોન મારફતે સમન્સ મોકલી શકે નહીં. કાયદા મુજબ, પોલીસે લેખિત નોટિસ મારફતે સમન્સ આપવું અનિવાર્ય છે.નકશા જુઓ
જસ્ટિસ મૂળચંદ ત્યાગીએ પ્રસ્તુત કેસમાં અરજદારની અરજી મંજૂર રાખી ઈસનપુર પોલીસને અરજદારને લેખિત નોટિસ મારફતે જ સમન્સ મોકલવા હુકમ કર્યો હતો અને તેમને મૌખિક કે ફોન મારફતે સમન્સ નહીં આપવા સ્પષ્ટ રીતે હુકમમાં ઠરાવ્યું હતું.

આ કેસમાં અરજદાર પક્ષ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, શહેરના શાહઆલમ વિસ્તારમાં શાલીમાર ટોકીઝની પાછળ જય ભારત કબાડી માર્કેટ ખાતે અરજદારની ઓટોમોબાઈલ્સની દુકાનને લઈ પ્રતિવાદીઓ સાથે વિવાદ અને તકરાર છેલ્લા ઘણા સમયથી ચાલ્યા આવે છે.

અરજદાર તરફથી અદાલતનું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે, પ્રતિવાદી અરજદાર વિરુદ્ધ વારંવાર પોલીસ ફરિયાદ કરી રહ્યા છે અને ઈસનપુર પોલીસ દ્વારા છાશવારે તેમને હેરાનગતિ કરાઈ રહી છે. તપાસ અધિકારીના અહેવાલ મુજબ, અરજદાર અને પ્રતિવાદીએ એકબીજા સામે સંઘર્ષની ફરિયાદો કરી છે અને તેની અદાવતમાં પ્રતિવાદી અને પોલીસ દ્વારા અરજદારને ત્રાસ અપાઈ રહ્યો છે. જોકે, ઈસનપુર પોલીસ દ્વારા અરજદારને મૌખિક રીતે અને ફોન કરી સમન્સ બજવણી કરી તપાસના કામે પોલીસ સ્ટેશન બોલાવાઈ રહ્યા છે અને હાજર થવા ફરજ પાડવામાં આવી રહી છે, પરંતુ તે ગેરકાયદે અને કાયદાકીય જોગવાઈ વિરુદ્ધનું કૃત્ય છે.

પોલીસે તેમને તપાસના કામે બોલાવવા માટે લેખિત નોટિસ મારફતે સમન્સ આપવું ફરજિયાત છે. અરજદાર પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી હાઈકોર્ટે અરજદારને લેખિત નોટિસ મારફતે જ સમન્સ પાઠવવા હુકમ કર્યો હતો અને ઠરાવ્યું હતું કે, પોલીસ મૌખિક રીતે કે ફોન મારફતે અરજદારને સમન્સ જારી કરી શકે નહીં. કોર્ટે વધુમાં નોંધ્યું કે, પ્રતિવાદી દ્વારા અરજદાર વિરુદ્ધ 40 જેટલી ફરિયાદો કરવામાં આવી છે, જ્યારે અરજદાર દ્વારા પ્રતિવાદી વિરુદ્ધ 15 જેટલી ફરિયાદ કરવામાં આવી છે. હાઈકોર્ટે અરજી મંજૂર કરવાની સાથે ઉપરોક્ત હુકમ સાથે કેસનો નિકાલ કર્યો હતો.