મેજીસ્ટ્રેટ અદાલતોના જામીન આપવાના અધિકારો સંદર્ભે રાજકોટની સેશન્સ અદાલતે અતિ મહત્વનો ચુકાદો આપ્યો છે. બોગસ દસ્તાવેજો બનાવીને રૂૂ.57 લાખ ઓળવી જવાના ગુનામાં સપડાયેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના જામીન રદ કરવા માટે પોલીસ અને મૂળ ફરિયાદી દ્વારા કરવામાં આવેલી માંગણીને અદાલતે ફગાવી દીધી છે. આજીવન કેદની સજાને પાત્ર ગુનામાં પણ જો કેસ ટ્રાયલ હોય, તો અદાલતને જામીન આપવાની સંપૂર્ણ સત્તા છે તેવો કાયદાકીય મુદ્દો કોર્ટે માન્ય રાખ્યો છે.
આ કેસની હકીકત મુજબ, શહેરના કોઠારીયા રોડ પર રહેતા અને ’મહાવીર ટ્રેડિંગ’ પેઢી ધરાવતા નીતિન ઉર્ફે નિલેશ વલ્લભભાઈ સાવલીયાએ પોતાના સીએ જતિનભાઈ જાજલ વિરૂૂદ્ધ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, વર્ષ 2020માં કઠોળનો પ્રોસેસિંગ પ્લાન્ટ નાખવા માટે એક્સિસ બેંકમાંથી રૂૂ.50 લાખની ટર્મ લોન અને રૂૂ.20 લાખની સીસી મંજૂર કરાવી હતી. આ રકમ મશીનરી બનાવતી કંપનીના ખાતામાં જમા થયા બાદ સીએ જતિનભાઈએ રબ્બર સ્ટેમ્પ અને ડિજિટલ સિગ્નેચરનો દુરુપયોગ કરી મશીનનો ઓર્ડર કેન્સલ કરવાનો ખોટો દસ્તાવેજ બનાવ્યો હતો અને લોનના આશરે રૂૂ.57 લાખ બારોબાર ઓળવી ગયા હતા. આ ગુનામાં સીએ જતિનભાઈની ધરપકડ થતાં મેજીસ્ટ્રેટ કોર્ટે તેમને જામીન મુક્ત કર્યા હતા. આ હુકમથી નારાજ થઈને પોલીસ અને મૂળ ફરિયાદી નીતિન સાવલીયાએ સેશન્સ કોર્ટમાં જામીન રદ કરવાની અરજી કરી હતી.
મુળ ફરીયાદી તથા પોલીસ તરફે જામીન રદ કરવા માટે મુખ્યત્વે એવી રજુઆત કરવામાં આવેલ કે, મેજીસ્ટ્રેટ કોર્ટને આવા ગંભિર પ્રકારના કેસો કે જેમાં આજીવન સજાની જોગવાઈ રહેલી હોય તેમાં જામીન આપવાની સતા કે અધીકાર નથી અને આરોપીને જામીન આપતો જે હુકમ કરેલ છે તે હુકમ કાયદાકીય રીતે ભુલભરેલો છે જેથી આરોપીના જામીન રદ કરી જેલમાં ફરી કસ્ટડીમાં લેવા રજૂઆત કરી હતી. આરોપી તરફે એડવોકેટ તુષાર ગોકાણીએ સેશન્સ અદાલતમાં સર્વોચ્ચ અદાલત દ્વારા સને-2022માં ચુકાદો આપી મેજીસ્ટ્રેટ અદાલતો પણ આજીવન કેદની સજાને પાત્ર ગુનાઓમાં જામીન આપી શકે છે.
તેવું ઠરાવેલ છે. કોઈપણ ગુનામાં આજીવન કેદની સજાની જોગવાઈના કિસ્સામાં જો તે ગુનો મેજીસ્ટ્રેટ ટ્રાયેબલ ગુનો હોય તો મેજીસ્ટ્રેટને તેવા ગુનામાં જામીન આપવાની સંપૂર્ણ સતા છે. જે ચુકાદો ધ્યાને લઈને જ મેજીસ્ટ્રેટ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવેલ છે જે જામીનનો હુકમ વ્યાજબી અને કાયદાકીય રીતે ખરો છે. જે તમામ પાસાઓ ધ્યાને લઈ પોલીસ અને ફરીયાદી દ્વારા કરવામાં આવેલ જામીન રદ કરવાની માંગણી ટકવાપાત્ર ન હોય અરજી રદ કરવા અને જામીન ચાલુ રાખવા વિસ્તૃત પણે દલીલો કરી હતી. જે દલીલો ગ્રાહ્ય રાખી સેશન્સ કોર્ટે મેજીસ્ટ્રેટનો હુકમ કાયમ રાખી આરોપીના જામીન રદ કરવાની પોલીસ અને મૂળ ફેઈયાદીની અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે.
આરોપી વતી સૌરાષ્ટ્રના ખ્યાતનામ ધારાશાસ્ત્રી તુપાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધ્રાંગીયા, નદિમ ધંધુકિયા, વિશાલ કૌશીક, ભૂમિકા નંદાણી, દિવ્યમ દવે, નૈમીષ રાદડીયા, કેવિન ભીમાણી, મત્યંજય જોષી, જયદેવસિંહ જાડેજા, હિરલ નિમાવત રોકાયા હતા.
