Site icon Gujarat Mirror

ખંડણી પ્રકરણમાં પોલીસ એક્શનમાં, બે શખ્સોની પૂછપરછ

સતત બીજા દિવસે ક્રાઈમ બ્રાંચની તપાસ, બે પોલીસ કર્મચારી સહિત છ નામની ચર્ચા

ચાંદીના વેપારીઓને પૈસા પરત આપી સમાધાન માટે ખંડણીખોર ગેંગની દોડધામ

રાજકોટ શહેરના સામાકાંઠા વિસ્તારમાં ગત ગુરૂવારે ચાંદીના બે વેપારીને બેનંબરી ધંધાના નામે ડરાવી-ધમકાવી રૂા. 12 લાખની ખંડણી પડાવવાના ભારે ચકચાર જગાવનાર પ્રકરણમાં અંતે પોલીસ એક્શનમાં આવી છે અને આ ખંડણી પડાવવામાં સંડોવાયેલ આ વિસ્તારના નામચીન શખ્સો ક્રાઈમ બ્રાંચે પુછપરછ શરૂ કરતા ટુંક સમયમાં ધડાકા થવાના નિર્દેશો મળી રહ્યા છે.


બીજી તરફ રેલો આવતા બે પોલીસ મેન સહિતની ટોળકીએ બન્ને વેપારીઓને પૈસા પરત કરી સમાધાન માટે પણ દોડધામ શરૂ કરી હોવાનું અને તેમાં અગાઉ આ વિસ્તારમાં ફરજ બજાવી ગયેલ પોલીસ કર્મચારીઓની પણ મદદ લઈ રહ્યાનું બહાર આવ્યું છે જો કે, આ પ્રકરણ હવે ચર્ચાના ચકડોળે ચડી ગયું હોવાથી અને ગાંધીનગરથી પણ આ પ્રકરણ ઉપર નજર હોવાથી પોલીસ તંત્ર કોઈ જોખમ લેવા તૈયાર નથી.


સુત્રોમાંથી મળતી માહિતી મુજબ સામાકાંઠા વિસ્તારમાં આર્યનગર અને ચંપકનગરમાં ચાંદીના બે મરાઠી વેપારીઓને તમે બેનંબરી ચાંદીનો ધંધો કરો છો તેમ કહી ડરાવી-ધમકાવી એક વેપારી પાસેથી રૂા. પાંચ લાખ અને બીજા વેપારી પાસેથી રૂા. સાત લાખ પડાવ્યાની ઘટના બની હતી.
આ ઘટનામાં આ વિસ્તારના નામચીન લુખ્ખાઓ સાથે બે પોલીસ કર્મચારીના નામ પણ બહાર આવી રહ્યા છે. આ વિસ્તારમાં લાંબા સમયથી ગુનાખોરી આચરતા પલક, આશિષ, જીગર અને નંદલાલ નામના શખ્સો સાથે વૃષભ રાશીના એક ક્ધયા રાશીના એક પોલીસ કર્મચારીના નામ બહાર આવી રહ્યા છે.


જો કે, અમુક લોકોએ આ ઘટના ખુબ જૂની હોવાનું જણાવી ખંડણી કાંડને દબાવવા પણ પ્રયાસો પણ શરૂ કરી દીધા છે. આ ઉપરાંત કેટલાક આગેવાનોને પણ વચ્ચે નાખી સમાધાન માટે પ્રયાસો શરૂ કર્યાનું જાણવા મળી રહ્યું છે.

Exit mobile version