માણાવદરની જીવાદોરી સમાન રસાલા ડેમમાં ભળતું ગટરનું ‘ઝેરી’ પાણી, રોગચાળો ફાટી નીકળવાની ભીતિ

નગરપાલિકાની ગંભીર બેદરકારીનો આપના રાજુભાઇ બોરખતરીયાનો આક્ષેપ: તાત્કાલિક પગલા ભરવા માંગ માણાવદર નગરપાલિકાની ઘોર બેદરકારી અને આયોજનના અભાવે સ્થાનિક પ્રજાના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું…

નગરપાલિકાની ગંભીર બેદરકારીનો આપના રાજુભાઇ બોરખતરીયાનો આક્ષેપ: તાત્કાલિક પગલા ભરવા માંગ

માણાવદર નગરપાલિકાની ઘોર બેદરકારી અને આયોજનના અભાવે સ્થાનિક પ્રજાના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે. ચોમાસાના પ્રારંભિક વરસાદની સાથે જ સમગ્ર માણાવદર શહેરની ગંદકી, કચરો અને ગટરનું દૂષિત પાણી સીધું જ શહેરની જીવાદોરી સમાન રસાલા ડેમ અને બાંટવા ખારા ડેમ તરફ વહી રહ્યું હોવાનો ગંભીર આક્ષેપ આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ રાજુભાઈ બોરખતરીયાએ સ્થળ મુલાકાત લીધા બાદ કર્યો છે.

આપ નેતા રાજુભાઈ બોરખતરીયાએ રસાલા ડેમ નજીક તૂટેલી ગટર લાઈનની મુલાકાત લઈને જણાવ્યું હતું કે, માણાવદર શહેરની મુખ્ય સેન્ટ્રલ ગટર લાઈનનો વાલ છેલ્લા બે મહિનાથી તૂટેલી હાલતમાં છે. અગાઉ ચીફ ઓફિસર દ્વારા એવો ખુલાસો આપવામાં આવ્યો હતો કે સંપ અને ગટરનું કામ ચાલુ હોવાથી પાણીને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, અને રસાલા ડેમમાં પાણી ન હોવાથી કોઈ નુકસાન નહીં થાય તેમજ 10 થી 15 દિવસમાં આ કામ પૂર્ણ કરી દેવામાં આવશે. પરંતુ નગરપાલિકાના આ તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે અને સમયસર કોઈ જ સમારકામ કરવામાં આવ્યું નથી.

સામાન્ય રીતે એવું માનવામાં આવતું હોય છે કે વરસાદના ભારે પ્રવાહમાં ગટરનું પાણી વહી જશે અને દેખાશે નહીં, પરંતુ રાજુભાઈ બોરખતરીયાએ સ્પષ્ટ કર્યું કે માણાવદરની તમામ ગટરોનું પાણી આ મુખ્ય સેન્ટ્રલ લાઈન તૂટવાને કારણે એટલી વિશાળ માત્રામાં આવી રહ્યું છે કે તે રસાલા ડેમના આખા પાણીને પ્રદૂષિત કરવા માટે પૂરતું છે. નગરપાલિકાની આ ગુનાહિત બેદરકારીના કારણે જો ટૂંક સમયમાં માણાવદર અને આસપાસના વિસ્તારમાં રોગચાળાના કેસો નોંધાશે, તો તેની તમામ જવાબદારી માત્ર ને માત્ર માણાવદર નગરપાલિકા તંત્રની રહેશે. સ્થાનિકોમાં પણ આ ગંભીર સમસ્યાને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને ત્વરિત નિકાલની માંગ ઉઠી છે.