G-7 સમિટમાં કાલે પીએમ મોદી-ટ્રમ્પ વચ્ચે બેઠક, ટ્રેડ ડીલ, રશિયન તેલ સહિતના મુદ્દાઓ ચર્ચાશે

પીએમ મોદી હાલમાં સ્લોવાકિયાની મુલાકાતે છે અને ત્યાંથી તેઓ સીધા ફ્રાન્સના એવિયન ખાતે યોજાનારી જી-7 સમિટ 2026માં ભાગ લેવા માટે પહોંચશે. આ સમિટ 16 અને…

પીએમ મોદી હાલમાં સ્લોવાકિયાની મુલાકાતે છે અને ત્યાંથી તેઓ સીધા ફ્રાન્સના એવિયન ખાતે યોજાનારી જી-7 સમિટ 2026માં ભાગ લેવા માટે પહોંચશે. આ સમિટ 16 અને 17 જૂનના રોજ યોજાવા જઈ રહી છે. ભારત માટે આ ગર્વની વાત છે કારણ કે ભારતને આઠમી વખત આ પ્રતિષ્ઠિત સમિટમાં આમંત્રિત કરવામાં આવ્યું છે. પીએમ મોદી આ આંતરરાષ્ટ્રીય મંચ પરથી ’ગ્લોબલ સાઉથ’ એટલે કે વિકાસશીલ દેશોની આકાંક્ષાઓ અને તેમના અધિકારોનો અવાજ ઉઠાવશે.

પીએમ મોદીએ પોતાની યુરોપ યાત્રા પર રવાના થતા પહેલા સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, જી-7 સમિટમાં ભારતની હાજરી એ આપણા વૈશ્વિક પ્રભાવ અને ભાગીદારોના વિશ્વાસને દર્શાવે છે.’ તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત આ મંચ પર માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ ગ્લોબલ સાઉથના દેશોના વિકાસ અને તેમની ચિંતાઓ માટે પણ અવાજ ઉઠાવશે.

જી-7 સમિટ દરમિયાન સૌથી વધુ ધ્યાન પીએમ મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે યોજાનારી સંભવિત બેઠક પર છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા પ્રમાણે, આ બંને નેતાઓ સમિટની વચ્ચે અલગથી મુલાકાત કરશે. આ મહત્ત્વની બેઠક એવા સમયે યોજાઈ રહી છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે કેટલાક મુદ્દાઓને કારણે પરસ્પર સંબંધોમાં તણાવ ચાલી રહ્યો છે.

હાલમાં જ ઓમાનની ખાડીમાં વાણિજ્યિક જહાજો પર થયેલા હુમલામાં કેટલાક ભારતીય ખલાસીઓના મોત થયા છે. ભારતે આ મામલે અમેરિકન નૌકાદળના હુમલા સામે સખત વિરોધ નોંધાવ્યો છે અને વિદેશ મંત્રાલયે અમેરિકન રાજદ્વારી જેસન મીક્સને પણ સમન્સ પાઠવ્યા છે. આ સિવાય, ભારત-પાકિસ્તાન વચ્ચે ’ઓપરેશન સિંદૂર’ના કારણે સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિ, ભારત દ્વારા રશિયન ઓઇલની ખરીદી અને ટેરિફ વિવાદને કારણે બંને દેશો વચ્ચેના સંબંધો થોડા તણાવપૂર્ણ રહ્યા છે. જોકે, આ તણાવ વચ્ચે પણ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર અંતિમ તબક્કામાં છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થઈ શકે છે.