કોંગોમાં વિમાન દુર્ઘટના : બે લશ્કરી અધિકારી સહિત 14 લોકોના મોત

મધ્ય આફ્રિકાના દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં શુક્રવાર, 25 સપ્ટેમ્બરના રોજ એક નાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 14 લોકોએ જીવ ગુમાવ્યા…

મધ્ય આફ્રિકાના દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં શુક્રવાર, 25 સપ્ટેમ્બરના રોજ એક નાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા. મૃતકોમાં દેશની લશ્કરી ન્યાય પ્રણાલીના બે વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે. કોંગોના સૈન્યના જણાવ્યા અનુસાર, વિમાનમાં સવાર તમામ લોકોના આ દુર્ઘટનામાં મોત થયા હતા.

આ દુર્ઘટના રાજધાની કિંશાસાની દક્ષિણ-પશ્ચિમમાં આવેલા કેન્ગે શહેરમાં થઈ હતી. વિમાન પાડોશી ક્વિલુ પ્રાંતના કિકવિટથી કિંશાસા પરત ફરી રહ્યું હતું. સમાચાર એજન્સી એપીના અહેવાલ મુજબ, ઉડાન દરમિયાન વિમાનમાં તકનીકી ખામી સર્જાઈ હતી. સુરક્ષિત રીતે ઉતરાણ કરવાના પ્રયાસમાં વિમાન કેન્ગે શહેરની ઉપર ચક્કર લગાવી રહ્યું હતું, પરંતુ શહેરમાં રનવે ન હોવાને કારણે તે રહેણાંક વિસ્તારમાં તૂટી પડ્યું હતું.
કોંગોના સૈન્યના પ્રવક્તા મેજર જનરલ એફોમી એકેન્ગેએ જણાવ્યું હતું કે મૃતકોમાં લેફ્ટનન્ટ જનરલ મુટોમ્બો કાટોલાયી ટિએન્ડે અને લેફ્ટનન્ટ જનરલ બકુમી લિકુલિયાનો સમાવેશ થાય છે. ટિએન્ડે લશ્કરી અદાલતના વડા હતા, જ્યારે લિકુલિયા સશસ્ત્ર દળોના ઓડિટર જનરલ તરીકે ફરજ બજાવતા હતા. તેમના ઉપરાંત, લશ્કરી પ્રતિનિધિમંડળના અન્ય સભ્યો અને ફ્લાઇટ ક્રૂના સભ્યો પણ માર્યા ગયા હતા.