ગુજરાત

PGVCL કચેરીમાં મહિલા કોર્પોરેટરની ધોકા સાથે ધબધબાટી

Published

on

ઘરમાં સોલર લગાવ્યા બાદ પણ વીજબિલ વધારે આવતા રોષે ભરાયેલ નગરસેવિકા કચેરીમાં જતા વાતાવરણ તંગ: ફરિયાદ કરવા જામનગરના વીજ અધિકારીઓ પોલીસ મથકે પહોંચ્યા: વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

જામનગર શહેરમાં એક સતાનો દુરુપયોગ કરનારી સનસનાટી જનક ઘટના સામે આવી છે ગિરધારી મંદિર દેવુભાના ચોક વિસ્તારમાં રહેતી નગરસેવિકા રચનાબેન નંદાણીયાએ પીજીવીસીએલ કચેરીમાં ધામા નાખ્યા હતા. તેઓ ડંડો લઈને અને મીડિયાકર્મીઓ સાથે કચેરીએ પહોંચ્યા હતા.

તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમના ઘરે સોલાર પેનલ લગાવવામાં આવ્યા હોવા છતાં, તેમને મોટી રકમનું વીજળી બિલ મળ્યું છે. આ બાબતે તેઓ અધિકારીઓને રજૂઆત કરવા ગયા હતા. જોકે, વાત વકરી અને તેઓ ઉગ્ર સ્વરમાં અધિકારીઓ સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા. આ દરમિયાન તેમણે હાથમાં લીધેલો ધોકો અધિકારીઓ સામે માર મારવા ઉગામ્યો હતો અને કચેરીના ટેબલ અને પુસ્તકો પર પછાડ્યો હતો, તેમણે કચેરીમાં હાજર અધિકારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને કચેરીમાં તોડફોડ કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.


જ્યાં હાજર રહેલા સ્ટાફ સાથે ભારે ઉગ્ર બોલાચાલી કરી હતી. એક તબક્કે રચનાબેન નંદાણીયાએ પોતાને મળેલા ઊંચા વીજ બિલ સંદર્ભમાં ઉગ્ર રજૂઆત કરી હતી, જે દરમિયાન સેન્ટ્રલઝોન સબ ડિવિઝનની કચેરીના અધિકારીની ટેબલ પરની ફાઈલ તથા મોબાઈલ ફોન વગેરે રફેદફે થયા હતા.


આ મામલાની પોલીસને જાણકારી થતાં મહિલા સહિતનો પોલીસ કાફ્લો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો, અને રચનાબેન નંદાણીયા ને પોલીસ જીપમાં બેસાડીને સિટી બી. ડિવિઝન પોલીસ મથકે લઈ જવાયા હતા અને તેઓ મોડો સાંજ સુધી ત્યાં જ બેઠા રહ્યા હતા.


પીજીવીસીએલ માં આ બનાવના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા, અને બીજ કચેરીના તમામ અધિકારીઓ અને સ્ટાફ વગેરે મોટી સંખ્યામાં સિટી બી. ડિવિઝન પોલીસ મથકે પહોંચી જઈ સમગ્ર બનાવ બાબતે પોલીસ ફરિયાદ નોંધવા કવાયત કરી હતી, અને સેન્ટ્રલ ઝોન સબ ડીવીઝન ના નાયબ ઇજનેર અજય પરમાર ની ફરિયાદ ના આધારે કોર્પોરેટર રચનાબેન નંદાણીયા સામે ફરજમાં રૂૂકાવટ સહિતની જુદી જુદી કલમમાં હેઠળ ગુનો નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


આ બનાવ ના કેટલાક વિડીયો બન્યા હતા, અને વીજ કચેરીમાં રચનાબેન નંદાણીયા દ્વારા કરાયેલું વર્તન અને ઉગ્ર રજૂઆત સહિતના વિડીયો આજે સમગ્ર દિવસ દરમિયાન વાયરલ થયા હતા. ત્યારે સીટી બી ડિવિઝન પોલીસ મથકે પહોંચેલા અધિકારીઓ ની મોટી ટીમ અને સ્ટાફનો પણ વિડીયો બન્યો હતો, અને તે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.


આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. પીજીવીસીએલના અધિક્ષક અધિકારી એનએન અમીને આ ઘટનાની નિંદા કરતાં જણાવ્યું હતું કે, કોઈપણ પ્રકારની ફરિયાદ હોય તો યોગ્ય રીતે રજૂઆત કરવી જોઈએ, ધોકો લઈને કચેરીમાં પ્રવેશ કરવો અને અધિકારીઓને ધમકાવવું એ ગેરકાયદેસર છે. આવી ઘટનાઓથી સરકારી કાર્યવાહીમાં વિક્ષેપ પડે છે અને લોકોને મુશ્કેલી પડે છે. પીજીવીસીએલે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version