રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા છે. જેમાં રાજકોટમાં રહેતાં પીજીવીસીએલના કર્મચારી કોટડાસાંગાણીના રાજપીપળા ગામે તાવાની પ્રસાદી લઈ પરત ફરી રહ્યા હતાં ત્યારે કારમાં આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડયો હતો. જ્યારે થોરાળા અને ભગવાનીનગરમાં બે વૃધ્ધાનું હાર્ટ બેસી જતાં મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં રૈયા રોડ પર તિરૂપતિનગરમાં રહેતાં અને પીજીવીસીએલમાં ફરજ બજાવતાં દિપકભાઈ ચંદુભાઈ લેહરૂ (ઉ.58) કોટડાસાંગાણીના રાજપીપળા ગામે મેલડી માતાજીના મંદિરે સ્ટાફનું તાવાનું આયોજન કર્યુ હતું. જેમાં પરસાદી લેવા ગયા હતાં. જ્યાંથી પરત ફરતી વખતે દિપકભાઈ લેહરૂને ચાલુ કારે હૃદયરોગનો હુમલો આવતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. મૃતક આધેડ એકની એક બહેનના એકના એક ભાઈ હતાં અને તેમને સંતાનમાં એક પુત્રી છે. દિપકભાઈ અન્ય સહકર્મચારી સાથે પરત ફરતાં હતાં ત્યારે આવેલો હાર્ટએેટેક જીવલેણ નિવડયો હતો.
આ ઉપરાંત બીજા બનાવમાં નવા થોરાળામાં આવેલા અવધ પાર્કમાં રહેતા મણીબેન મગનભાઈ પરમાર (ઉ.63) અને 150 ફુટ રીંગ રોડ પર ભગવાનીનગરમાં રહેતાં લીલાબેન અમરશીભાઈ મીઠાપરા (ઉ.59) પોત પોતાના ઘરે હતાં ત્યારે સાંજના સમયે બેભાન હાલતમાં ઢળી પડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. જ્યાં ફરજ પરના તબીબે બન્ને વૃધ્ધાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં બન્ને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
