ગુજરાત
પાલિકા-પંચાયતોની ચૂંટણીનો માર્ગ મોકળો
સ્થાનિક સત્તામંડળ કાયદા સુધારા બિલને રાજ્યપાલની મંજૂરી, 27 ટકા બેઠકો ઓબીસી અનામત રહેશે
વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી બાદ ગુજરાતમાં પંચાયત-પાલિકાની ચૂંટણીઓ યોજાય તેવી શક્યતા જોવાઈ રહી છે. સ્થાનિક સત્તા મંડળ કાયદા સુધારા વિધેયકને વિધાનસભામાં પસાર કરાયુ હતું. આ સુધારા વિધેયકને રાજ્યપાલે મંજૂરી આપી દીધી છે. આ જોતાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનો માર્ગ મોકળો બન્યો છે. એટલુ જ નહીં, પંચાયતની ચૂંટણીમાં જસ્ટિસ ઝવેરી કમિશનના રિપોર્ટ આધારે ઓબીસીને 27 ટકા અનામત બેઠકનો લાભ મળશે.
છેલ્લાં ઘણા વખતથી ગામડાઓમાં પંચાયતોમાં ચૂંટાયેલી પાંખ જ નથી. સમય અવધિ પૂર્ણ થતાં જ મોટાભાગની પંચાયતોમાં તલાટીઓએ વહીવટ સંભાળ્યો છે. તેમાંય ઓબીસી અનામતને લઈને વિવાદ થતાં સરકારે આખરે જસ્ટીસ ઝવેરી પંચની રચના કરવી પડી હતી. આ પંચે તમામ પાસાઓની વિચારણા અને સમુદાયના અભિપ્રાય મેળવી સરકારને રિપોર્ટ સુપરત કર્યો હતો. રાજ્ય સરકારે ચોમાસુ વિધાનસભા સત્રમાં સ્થાનિક સત્તા મંડળ કાયદા સુધારા વિધેયકને વિધાનસભામાં પસાર કર્યું હતું. જેને રાજ્યપાલે મંજૂરી આપી દીધી છે. આ જોતાં ગ્રામ પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણીઓનો માર્ગ મોકળો બન્યો છે.
રાજ્ય સરકાર બહાર પાડશે નોટિફિકેશનહવે ટૂંક જ સમયમાં રાજ્ય સરકારે નોટિફિકેશન બહાર પાડશે. ત્યાર બાદ પંચાયતોની બેઠકોમાં ફેરફાર થશે. ઓબીસીને 27 ટકા અનામત બેઠકોનો લાભ મળશે. પંચાયતોમાં ઓબોસી અનામતનો લાભ આપનાર ગુજરાત ચોથુ રાજ્ય બનશે. ઓબોસી અનામતમને કારણે અન્ય પછાત વર્ગ, એસસી-એસટીને એક પણ બેઠક ઘટશે નહીં. દિવાળી બાદ વાવ પેટાચૂંટણી જીતવા ભાજપ,કોંગ્રેસ મેદાને પડ્યાં છે.
વાવ બેઠક બંને રાજ્કીય પક્ષો માટે પ્રતિષ્ઠાનો સવાલ બન્યો છે. આ પેટાચૂંટણી પછી 2 જીલ્લા-તાલુકા પંચાયત, 70 નગરપાલિકા ઉપરાંત 7 હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ શકે છે. ચૂંટણી પંચ પણ પંચાયતોની ચૂંટણી યોજવા તૈયારી કરી રહ્યું છે. જો પંચાયતોની ચૂંટણીઓ યોજાશે તો ગામડાઓમાં વહીવટદારનું શાસન સમાપ્ત થશે અને ફરી એક વાર ચૂંટાયેલી પાંખ પંચાયતોમાં શાસન કરશે.