Site icon Gujarat Mirror

સ્પોટ્ર્સ હબનો માર્ગ મોકળો, આસારામ આશ્રમને તોડવા હાઈકોર્ટની લીલીઝંડી

ટ્રસ્ટની તમામ અપીલો ફગાવાઇ, 45,000 ચો.મીટર જમીન ખુલ્લી થશે

ગુજરાત હાઈકોર્ટે અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલી વિવાદિત જમીન મામલે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગરવાલ અને ન્યાયાધીશ ડી. એન. રેની ડિવિઝન બેન્ચે આસારામ આશ્રમ ટ્રસ્ટની તમામ અપીલો ફગાવી દેતા હવે 45,000 ચોરસ મીટરથી વધુ કિંમતી જમીન રાજ્ય સરકારના હસ્તક પરત આવશે.

આ જમીન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની બિલકુલ નજીક આવેલી છે. હાઈકોર્ટના આ નિર્ણય બાદ હવે આ વિસ્તારને શહેરના ભવિષ્યના ’સ્પોર્ટ્સ હબ’ તરીકે વિકસાવવામાં આવશે. રાજ્ય સરકાર માટે આ જમીનનો કબજો કોમનવેલ્થ ગેમ્સ 2030 અને ભવિષ્યના ઓલિમ્પિક આયોજન માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં મહત્ત્વની કડી સાબિત થશે.

કેસની વિગતો મુજબ, દાયકાઓ પહેલા ધાર્મિક હેતુ માટે આશ્રમને આશરે 33,980 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી હતી. જોકે, સરકારે કોર્ટમાં પુરાવા રજૂ કર્યા કે આશ્રમે શરતોનો ભંગ કરીને વાસ્તવિક કબજો 50,000 ચોરસ મીટર સુધી વધારી દીધો હતો. સરકારે GPS અને સેટેલાઇટ મેપિંગ દ્વારા સાબિત કર્યું કે આશ્રમે મોટા પાયે સરકારી અને નદીની જમીન દબાવી દીધી છે.

આ ચુકાદા સાથે જ હવે આશ્રમ પર બુલડોઝર ફરવાનો અને જમીન ખાલી કરાવવાનો માર્ગ સાફ થઈ ગયો છે. સરકાર આ જમીનનો કબજો મેળવીને ત્યાં આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પોર્ટ્સ સુવિધાઓ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ શરૂૂ કરવાની તૈયારીમાં છે.

Exit mobile version