સરકારમાં યુવા પ્રતિભાઓની ભાગીદારી વધશે, CM ફેલોશિપની સંખ્યા વધારાઇ

ફેલોની સંખ્યા 41થી વધારી 47, પ્રોજેક્ટ્સ 20થી વધારી 45, શિક્ષણ, આરોગ્ય, કૃષિ, સામાજિક વિકાસ સહિતના ક્ષેત્રોનો સમાવેશ કરાયો ગાંધીનગરમાં ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રમાં યુવા…

ફેલોની સંખ્યા 41થી વધારી 47, પ્રોજેક્ટ્સ 20થી વધારી 45, શિક્ષણ, આરોગ્ય, કૃષિ, સામાજિક વિકાસ સહિતના ક્ષેત્રોનો સમાવેશ કરાયો

ગાંધીનગરમાં ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રમાં યુવા પ્રતિભાઓની ભાગીદારી વધારવા માટે સરદાર પટેલ ગુડ ગવર્નન્સ ઈખ ફેલોશિપ કાર્યક્રમનો વ્યાપ વિસ્તારવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ લેવાયેલા આ નિર્ણય અનુસાર, ફેલોની સંખ્યા 41થી વધારીને 47 અને પ્રોજેક્ટ્સની સંખ્યા 20થી વધારીને 45 કરવામાં આવી છે. આ પહેલ દ્વારા સરકારી યોજનાઓના અમલીકરણમાં સુધારો, નીતિગત સંશોધન અને વહીવટી કાર્યક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

ફેલોશિપના વિસ્તૃત કાર્યક્ષેત્રમાં શિક્ષણ, આરોગ્ય, પોષણ, કૃષિ, સામાજિક વિકાસ, શહેરી વહીવટ અને પર્યાવરણ જેવા ક્ષેત્રોનો સમાવેશ કરાયો છે. બાળકોના વિકાસને ધ્યાનમાં રાખીને આંગણવાડી સેવાઓ, પોષણ, એનિમિયા ઘટાડવા, બાળશિક્ષણ અને PM POSHAN તથા ICDS જેવી યોજનાઓના અમલીકરણ પર અભ્યાસ કરવામાં આવશે. સેન્ટ્રલાઇઝ્ડ કિચન સુવિધાઓના વિસ્તરણ અંગે પણ પ્રોજેક્ટ સામેલ કરાયો છે. આરોગ્ય ક્ષેત્રે PMJAY-MA હેઠળના ક્લેમ અને સરકારી આરોગ્ય સેવાઓના ઉપયોગમાં આવતા પડકારોનું વિશ્ર્લેષણ થશે, જ્યારે કૃષિ ક્ષેત્રે કુદરતી ખેતીના અમલીકરણમાં આવતી મુશ્કેલીઓનો અભ્યાસ કરવામાં આવશે.

શહેરી વિકાસ ક્ષેત્રે રાજકોટ મહાનગરપાલિકાની નાગરિક સેવાઓ સુધારવા, વારંવાર થતી ફરિયાદોના કારણો ઓળખવા અને ડેટા વિશ્ર્લેષણ દ્વારા સમસ્યાઓનું આગોતરું નિરાકરણ લાવવા સંબંધિત પ્રોજેક્ટ્સનો સમાવેશ થયો છે. ભાવનગરમાં ઘન અને ભીના કચરાના રિસાયક્લિંગ તથા સંસાધનોના પુન:ઉપયોગ અંગે પણ અભ્યાસ કરવામાં આવશે. ફેલોની સંખ્યા અને પ્રોજેક્ટ્સમાં થયેલો વધારો યુવાનોને સરકારી કામગીરીનો અનુભવ મેળવવાની વધુ તકો આપશે. સાથે જ, વિવિધ વિભાગોમાં યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરીને વહીવટી પ્રક્રિયાઓમાં સુધારા માટે ઉપયોગી ભલામણો તૈયાર કરવાનો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે.

IIM અમદાવાદ બનશે નોલેજ પાર્ટનર
રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા કરવામાં આવેલા નવા ઠરાવ મુજબ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદ (IIM Ahmedabad) આ કાર્યક્રમમાં નોલેજ પાર્ટનર તરીકે કાર્ય કરશે. આ ફેલોશિપનો હેતુ સંશોધન, ડેટા વિશ્ર્લેષણ અને નીતિ ઘડતરની સમજ ધરાવતા યુવાનોને 1થી 2 વર્ષ માટે સરકારી વહીવટી તંત્ર સાથે જોડવાનો છે. ફેલો વિવિધ વિભાગો સાથે કામ કરીને સરકારી યોજનાઓની કામગીરીનું મૂલ્યાંકન કરશે અને વ્યવહારુ સુધારા માટે સૂચનો આપશે.