ખેતરોમાં ઉભેલા વીજપોલ કાપી નાખવાની ઉચ્ચારેલી ચીમકી, અશ્ર્વ પાલકોનું પણ આંદોલનને સમર્થન
મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનને સમર્થન આપવા માટે લોકો આવી રહ્યા છે તેવામાં મંગળવારે સાંજે મોરબી અને માળીયા તાલુકાના જુદાજુદા ગામમાંથી અશ્વ પાલકો તેના અશ્વોને લઈને ઉપવાસી છાવણી ખાતે આવ્યા હતા અને ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન આપ્યું હતું અને ખેડૂત આંદોલનનો વહેલી તકે સુખદ અંત ન આવે તેના માટે સરકારને અશ્વ પાલકોએ વિનંતી કરી હતી. તેમજ ઉપવાસી છાવણીએ આવેલ ખેડૂતો અને મહિલાઓ દ્વારા ખેડૂત આંદોલનનો વહેલી તકે સુખદ અંત ન આવે તો આગામી સમયમાં આંદોલન પાર્ટ 3 શરૂૂ થશે અને ખેડૂતના ખેતરની અંદર ઊભા થયેલા વીજપોલને કાપી નાખવા સુધીની તૈયારી હોવાની ચીમકી ઉચ્ચારી છે.
મોરબીના જેતપર ગામે ખેડૂતોનું છેલ્લા 13 દિવસથી આમરણાંત ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે તેવામાં આ આમરણાંત ઉપવાસ આંદોલનને સમર્થન આપવા માટે બાઈક, સ્કૂટર, ટ્રેક્ટર અને કાર રેલી યોજવામાં આવી હતી તેમજ જુદાજુદા સમાજ અને સંગઠનો ઉપવાસીઓને સમર્થન આપવામાં આવી રહ્યું છે. તેવામાં મંગળવારે સાંજે મોરબી અને માળિયા તાલુકાના જુદજુદ ગ્રામ્ય વિસ્તારમાંથી અશ્વ પાલકો પોતાના અશ્વ સાથે આવ્યા હતા અને ઉપવાસી છાવણી ખાતે અશ્વોને દોડાવ્યા હતા અને ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન આપ્યું હતું અને ખેડૂતો દ્વારા 13 દિવસથી વીજપોલના વળતર માટે જે આંદોલન કરવામાં આવી રહ્યું છે આ આંદોલનનો વહેલી તકે સુખદ આવે તેવો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવે તેવી અશ્વ પાલકોએ વિનંતી કરી હતી.
આજે ઉપવાસી છાવણી ખાતે આવેલા લોકોએ સરકારને સીધો પડકાર ફેંકતા કહ્યું છે કે હાલમાં ખેડૂતો દ્વારા 13 દિવસથી પોતાના હક મેળવવા માટે આંદોલન કરવામાં આવે છે તેમ છતાં તેઓને પૂરતું વળતર આપવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો નથી. જો સરકાર દ્વારા આ આંદોલનનો વહેલી તકે સુખદ અંત નહિ આવે તો આગામી સમયમાં આંદોલન પાર્ટ 3 શરૂૂ થશે અને ખાનગી વીજ કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં ઊભા કરવામાં આવેલા વીજ પોલ કાપી નાખવા પડે તો તેના માટેની ખેડૂતોની તૈયારીઓ છે આટલું જ નહીં પરંતુ આગામી વર્ષમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે અગાઉ જે રીતે ખેડૂતોના કિંમતી અને પવિત્ર મત માગવા માટે થઈને સરકાર આવી હતી તેવી રીતે હવે આવશે તો જેમ અત્યારે ખેડૂતોને સરકાર તરફથી સહકાર નથી મળતો તેવી જ રીતે આગામી સમયમાં ખેડૂતો તરફથી સરકારને સહકાર નહિ મળે તેવી ખુલ્લી ચીમકી ઉચ્ચારી આવી છે.
હળવદમાં પણ ખેડૂતોનો મોરચો, ભાજપના નેતાઓને મોઢે ચોપડાવ્યુ
મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપની સામે પૂરતા વળતરની માંગ સાથે છેલ્લા 13 દિવસથી ચાલી રહેલા ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનના પડઘા હવે સમગ્ર પંથકમાં પડી રહ્યા છે. મંગળવારે હળવદ તાલુકાના 22 જેટલા ગામના સરપંચો અને ખેડૂત આગેવાનો આંદોલનના સમર્થનમાં હળવદ મામલતદાર કચેરીએ રજૂઆત કરી હતી. ખેડૂતોએ માંગ કરી હતી કે વળતર બાબતના આ વિવાદનો તાકીદે અંત લાવી ઉપવાસી ખેડૂતોના પારણા કરાવવામાં આવે. જ્યારે ભાજપના નેતાઓ સમજાવટ માટે ગયા ત્યારે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. જ્યારે હળવદ યાર્ડ આજે બંધ રખાયું હતું અને આજે કાર-બાઈક રેલીનું આયોજન કરાયું છે. મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરવા આવેલા ખેડૂતોને સમજાવવા માટે મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી તપન દવે, હળવદ માર્કેટ યાર્ડના ચેરમેન રજની સંઘાણી અને જિલ્લા પંચાયતના ચેરમેન ધર્મેન્દ્ર એરવાડીયા સહિતના નેતાઓ પહોંચ્યા હતા. આગેવાનોએ ’સરકાર ખેડૂતોની સાથે છે’ તેવું આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આક્રોશિત ખેડૂતો તેમની વાત સાંભળવા તૈયાર ન હતા. ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યું કે, એક તરફ જેતપર ગામે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, તો બીજી તરફ પોલીસને આગળ રાખીને ખેતરોમાં બળજબરીથી કામ કરાવવામાં આવી રહ્યું છે. તેમજ ખેડૂતો પાસે 7/12 માંગવામાં આવી રહ્યા છે. તંત્રની આ નીતિને પગલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
વધુ એક ઉપવાસીની તબીયત લથડી
મોરબીના જેતપર ગામે ચાલી રહેલા ઉપવાસ આંદોલનના 13 માં દિવસે મંગળવારે રાત્રીના વધુ એક ઉપવાસીની તબિયત લથડી હતી જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મોરબીના જેતપર ગામે વીજલાઇન વળતર મુદે ખેડૂતો દ્વારા 13 દિવસથી ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યા છે આજે ઉપવાસ આંદોલનનો 14 મો દિવસ છે દરમિયાન 13 માં દિવસે મોડી સાંજના સમયે ઉપવાસ પર બેસેલા વાંકિયા ગામના મહેશભાઈ ચતુરભાઈ મારવાણીયાની તબિયત લથડી હતી સવારથી ઉપવાસ કરી રહેલા મહેશભાઈની તબિયત રાત્રીના બગડી હતી જેથી સારવાર માટે જેતપર હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.
