રીઢા ગુનેગારનું ’સરઘસ’:જાહેરમાં માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું

જલારામ જયંતિની તૈયારી દરમિયાન યુવાન પર હુમલો કરનાર ઉમંગ ભૂતની ધરપકડ,આરોપી સામે 25 જેટલા ગુના શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા રાજકોટ પોલીસે અસામાજિક તત્વો…

જલારામ જયંતિની તૈયારી દરમિયાન યુવાન પર હુમલો કરનાર ઉમંગ ભૂતની ધરપકડ,આરોપી સામે 25 જેટલા ગુના

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા રાજકોટ પોલીસે અસામાજિક તત્વો સામે લાલ આંખ કરી છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી વીતરાગ સોસાયટીમાં જલારામ જયંતિની ઉજવણીની તૈયારી કરી રહેલા સ્થાનિક યુવાન અંકિતભાઈ શેઠ પર છરી વડે જીવલેણ હુમલો કરવાના ચકચારી બનાવમાં પોલીસે મુખ્ય આરોપી ઉમંગ ગોવિંદભાઈ ભૂત (ઉ.વ. 32, રહે. શિવશક્તિ કોલોની, યુનિવર્સિટી રોડ) ને દબોચી લીધો છે.

વીતરાગ સોસાયટીના સામેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં અંકિતભાઈ શેઠ સહિતના કાર્યકરો જલારામ જયંતિની તૈયારી કરી રહ્યા હતા. અંકિતભાઈ છોટાહાથી વાહનમાં શાકભાજી (બકાલું) ભરીને મંદિરે ઉતારવા આવ્યા હતા. તે સમયે સોસાયટીના ગેટ પાસે આરોપી ઉમંગ સ્કોર્પિયો કાર લઈને સામે આવ્યો હતો. વાહન પાછળ લેવા જેવી નજીવી બાબતે ઉમંગે ઉશ્કેરાઈ જઈ અંકિતભાઈને ગાળો ભાંડી મારકૂટ કરી હતી અને છરી ઝીંકી દીધી હતી. હુમલો કર્યા બાદ ભાગવાની લ્હાયમાં તેણે સ્કોર્પિયો પૂરપાટ ઝડપે હંકારતા પાર્ક કરેલા બે-ત્રણ વાહનોને પણ અડફેટે લીધા હતા.

ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ એચ.પી. ગઢવી અને તેમની ટીમે આરોપી ઉમંગ ભૂતની અટકાયત કરી હતી. પોલીસે આરોપીને ઘટનાસ્થળે એટલે કે સામેશ્વર મહાદેવ મંદિર ખાતે લઈ જઈ ઘટનાનું રિક્ધસ્ટ્રક્શન પંચનામું કર્યું હતું. પોલીસની કડક કાર્યવાહીના પગલે આરોપીએ એકઠા થયેલા સ્થાનિક લોકો સમક્ષ પોતાની ભૂલ સ્વીકારી હતી અને ભવિષ્યમાં આવું કૃત્ય નહીં કરે તેવી જાહેરમાં માફી માંગી હતી.

પીઆઈ એચ.પી. ગઢવીએ જણાવ્યું હતું કે, આરોપી ઉમંગ ભૂત રીઢો ગુનેગાર છે અને તેની વિરુદ્ધ અગાઉ પણ 25 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તેને જેલહવાલે કરવાની તજવીજ હાથ ધરાઈ હતી, પરંતુ આરોપીએ ગત 11મી તારીખની મારામારીમાં પોતાને પણ ઈજા થઈ હોવાનું જણાવતા તેને પોલીસ પહેરા હેઠળ પ્રિઝનર વોર્ડમાં સારવાર માટે ખસેડાયો છે.આ ઉપરાંત, અન્ય એક ઘટનામાં રૈયા ચોકડી પાસે બે ભાઈઓ પર હુમલો કરનાર આરોપી ’રાધે’ને પણ પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે તેને પણ ઘટનાસ્થળે લઈ જઈ કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસની આ કડક કાર્યવાહીથી શહેરના લુખ્ખા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.