17 હજારથી વધુ ખાનગી શાળા સંચાલકોની આંદોલનની ચીમકી

ગુજરાતની 17 હજારથી વધુ સ્વનિર્ભર શાળાઓને લાંબા સમયથી સ્પર્શતા વિવિધ પ્રશ્નોના વ્યવહારુ અને સમયસર નિરાકરણની માંગ સાથે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા રાજકોટ જિલ્લા…

ગુજરાતની 17 હજારથી વધુ સ્વનિર્ભર શાળાઓને લાંબા સમયથી સ્પર્શતા વિવિધ પ્રશ્નોના વ્યવહારુ અને સમયસર નિરાકરણની માંગ સાથે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મંડળના અધ્યક્ષ ડી. વી. મહેતા અને પ્રમુખ શ્રી અવધેશ કાનગડની આગેવાનીમાં મંડળના તમામ હોદ્દેદારો, કોર કમિટી સભ્યો, ઝોન પ્રમુખોએ આવેદનપત્ર રજુ કર્યું હતું. આ રજુઆતમાં અવધેશભાઈ કાનગડે જણાવ્યું હતું કે ગુજરાતમાં 17 હજારથી વધુ સ્વનિર્ભર શાળાઓ કાર્યરત છે, જેમાં 50 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને 07 લાખથી વધુ શિક્ષકો તથા કર્મચારીઓ સેવાઓ આપે છે. રાજ્યના શિક્ષણ ક્ષેત્રે સ્વનિર્ભર શાળાઓનું મહત્વપૂર્ણ યોગદાન હોવા છતાં કેટલાક પ્રશ્નો લાંબા સમયથી પડતર છે.

આ આવેદનપત્રમાં મુખ્યત્વે ચાર મુદ્દાઓ સરકાર સમક્ષ મૂકવામાં આવ્યા છે. જેમાં પ્રથમ FRC ની પ્રક્રિયા વધુ સરળ અને વ્યવહારુ બનાવવા મંડળે માંગ કરી છે કે જે શાળાઓ અગાઉ મંજૂર થયેલી ફીમાં મર્યાદિત, એટલે કે 10% સુધીનો વધારો માંગતી હોય, તેમને વારંવાર લાંબી પ્રપોઝલ અને એફિડેવિટ પ્રક્રિયામાંથી પસાર થવું ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવે. મંડળના મતે આ પ્રકારની સરળતાથી મોટી સંખ્યામાં શાળાઓને રાહત મળશે અને FRC કચેરીઓ પરનું વહીવટી ભારણ પણ ઘટશે.

RTE હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની ફીનું યોગ્ય વળતર પણ બીજો મહત્વનો મુદ્દો છે. મંડળે રજૂઆત કરી છે કે RTE હેઠળ ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા આપવામાં આવતું વળતર વાસ્તવિક શૈક્ષણિક ખર્ચ અને લાગુ નિયમોને અનુરૂૂપ હોવું જોઈએ. ત્રીજા મુદ્દે, તાજેતરના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ (સુધારા) વિધેયક, 2026 માં સ્વનિર્ભર શાળાઓના કર્મચારીઓની નિમણૂક અને છૂટા કરવા અંગેની જોગવાઈ બાબતે મંડળે સરકારનું ધ્યાન દોર્યું છે. સ્વનિર્ભર શાળાઓ ગ્રાન્ટ વિના પોતાનું સંચાલન કરતી હોવાથી તેમની વહીવટી સ્વાયત્તતા જળવાઈ રહે અને કર્મચારી વ્યવસ્થાપનમાં બિનજરૂૂરી જટિલતા ન ઊભી થાય તે દિશામાં જોગવાઈનો પુનર્વિચાર કરવાની રજૂઆત કરવામાં આવી છે. ચોથા મુદ્દે, શાળાઓ પાસેથી વારંવાર એક જ પ્રકારની માહિતી અલગ-અલગ પરિપત્રો અને સરકારી પ્રક્રિયાઓ દ્વારા માંગવામાં આવે છે, જેના કારણે શિક્ષણ સંસ્થાઓનો સમય અને માનવબળ વહીવટી કામગીરીમાં વધુ ખર્ચાય છે.

આ સમસ્યાના ઉકેલ તરીકે તમામ જરૂૂરી માહિતી માટે એક ‘કોમન પોર્ટલ’ તૈયાર કરવાની મંડળે માંગ કરી છે. આવેદનપત્ર એનાયત કાર્યક્રમમાં મંડળના અધ્યક્ષ ડી. વી. મહેતા અને પ્રમુખ અવધેશ કાનગડ, ગુજરાત મહામંડળ સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ અજયભાઈ પટેલ, વિપુલભાઈ પાનેલીયા, ઉવેશભાઈ પટેલ, ઉપપ્રમુખો પુષ્કરભાઈ રાવલ, પરીમલભાઈ પરડવા, સુદિપભાઈ મહેતા અને હીરેનભાઈ ખુંટ તથા વિનયભાઈ લોખીલ, રામભાઈ ગરૈયા, પ્રવીણભાઈ ગોંડલીયા, રાજેશ મહેતા, ડો. ડી. કે. વડોદરિયા, જીમીલભાઈ પરીખ, શ્રીકાંત તન્ના, ધવલભાઈ મોદી, વિશાલભાઈ હિરાણી, વિશાલભાઈ વારીયા, હસમુખભાઈ માયાણી, રાજકુમાર ઉપાધ્યાય, જીતેશભાઈ મકવાણા, રાણાભાઈ ગોજીયા, કેતનભાઈ પ્રજાપતિ, કુલદીપભાઈ માકાણી, હિતેશભાઈ રામાણી, અખિલેશભાઈ ત્રિવેદી, કૃષ્ણકાંતભાઈ ધોળકિયા, જગદિશભાઈ દોંગા, રાણાભાઈ ગોજીયા અને પ્રજ્ઞેશભાઈ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.