ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ નર્મદા જિલ્લાના સાગબારા ખાતે યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં સવર્ણ સમાજ સામે અત્યંત આપત્તિજનક અને વિવાદાસ્પદ નિવેદન કરતાં સમગ્ર રાજ્યના સામાજિક અને રાજકીય વાતાવરણમાં મોટો ભડકો થયો છે. અનામતના મુદ્દે બોલતી વખતે બાપુએ પાટીદાર, વાણિયા અને બ્રાહ્મણ સમાજને લઈને કરેલી અપમાનજનક ટિપ્પણી સામે સમગ્ર ગુજરાતનો બ્રહ્મ સમાજ એકસૂરે મેદાને આવ્યો છે અને ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે અને બાપુ મેલુ ઉપાડે તો રૂા.1 લાખ આપવાની ઓફર કરી છે. શંકરસિંહ વાઘેલાના વિવાદિત નિવેદન સામે રાજકોટ સહિત ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો શરૂ થતાં આગામી દિવસોમાં આ વિવાદ વધુ તિવ્ર બનવાની શકયતા છે.
સાગબારા ખાતે આદિવાસી સમાજની સભાને સંબોધતાં પૂર્વ મુખ્યમંત્રીએ ઝેર ઓકતાં જણાવ્યું હતું કે, અનામત કોઈ આદિવાસીઓને મહેરબાની કરીને આપવામાં નથી આવ્યું. પટેલ, વાણિયા અને બ્રાહ્મણોને મેલું ઉપાડવાના મહિને 50 હજાર હું આપીશ. જે રીતે આદિવાસી રહે છે એવી રીતે તમે રહો તો ખરું! બાપુના આ નિવેદનનો વિડીયો વાયરલ થતાં જ પાટીદાર, બ્રાહ્મણ અને વૈષ્ણવ-વાણિયા સમાજમાં પ્રચંડ રોષની લાગણી ફેલાઈ ગઈ છે.
શંકરસિંહ વાઘેલાના આ બફાટ સામે રાજકોટ સહિત સમગ્ર રાજ્યના બ્રહ્મ સમાજ અને કર્મકાંડી ભૂદેવોએ સખત શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજે બાપુને સીધી ચેલેન્જ ફેંકતા કહ્યું છે કે, જો બાપુ પોતે મેલું ઉપાડે તો અમે તેમને રોજના ₹1 લાખ આપવા તૈયાર છીએ. બાપુએ આવા કોઈ કહેવાતા શુભ કામની શરૂૂઆત પોતાનાથી જ કરવી જોઈએ, અન્ય સુસંસ્કૃત સમાજને આવી વાહિયાત સલાહો આપવાનું બંધ કરે. અગ્રણીઓએ આક્ષેપ કર્યો કે આજના આધુનિક યુગમાં આવી કોઈ વર્ણ વ્યવસ્થા રહી નથી, તેમ છતાં ચૂંટણીઓ નજીક આવતાં જ બાપુ માત્ર લાઇમલાઇટમાં રહેવા અને સસ્તી નકારાત્મક પબ્લિસિટી મેળવવા આવા જ્ઞાતિવાદી ઝેર ઓકીને વર્ગવિગ્રહ કરાવવાનો હીન પ્રયાસ કરી રહ્યા છે.
રાજકોટ ખાતે એકઠા થયેલા બ્રહ્મ સમાજના આગેવાન હિરેન જોશીએ આકરા તેવર બતાવતા જણાવ્યું હતું કે, આ નિવેદન પૂર્વ મુખ્યમંત્રીની વિકૃત માનસિકતા છતી કરે છે. શંકરસિંહ વાઘેલાએ આ નિવેદન તાત્કાલિક બિનશરતી પરત ખેંચીને જાહેર માફી માંગવી પડશે. જો તેઓ માફી નહીં માંગે તો બ્રહ્મ સમાજ, પાટીદાર સમાજ અને વાણિયા સમાજના તમામ અગ્રણીઓ સાથે મળીને સંયુક્ત બેઠક યોજશે અને રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.
આવી ભાષા વાપરીને જ બાપુએ માન-સન્માન ગુમાવી દીધું : નિરવ શાહ
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દ્વારા સાગબારા ખાતે કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનનો મુદ્દો હવે વધુ ગરમાયો છે. બ્રહ્મ સમાજના ઉગ્ર વિરોધ બાદ હવે સુરત સ્થિત જૈન-વાણિયા સમાજમાં પણ શંકરસિંહ વાઘેલા સામે ભારે રોષની લાગણી ફેલાઈ છે. સુરતના અગ્રણી અને જૈન સમાજના નેતા નિરવ શાહે બાપુના આ નિવેદનને આકરા શબ્દોમાં વખોડી કાઢતાં જણાવ્યું છે કે, આ પ્રકારની હલકી કક્ષાની વાતોથી બાપુએ પોતાનું તમામ સામાજિક માન-સન્માન ગુમાવી દીધું છે. જૈન અગ્રણી નિરવ શાહે પોતાના નિવેદનમાં આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, શંકરસિંહ વાઘેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, આવા ઉચ્ચ અને બંધારણીય પદ પર રહી ચૂકેલી વ્યક્તિ આટલું હલકું નિવેદન આપે તે અત્યંત શરમજનક છે. બાપુ અત્યાર સુધી સમગ્ર ગુજરાત માટે સન્માનનીય હતા, પરંતુ જૈન, બ્રાહ્મણ અને પટેલ સમાજની લાગણી દુભાવીને તેમણે પોતાની પ્રતિષ્ઠા ધૂળધાણી કરી નાખી છે.
અમારા તીર-કામઠાં બુઠ્ઠા નથી: અનંત પટેલે ‘તીર’ છોડ્યું
જાહેરસભામાં વાંસદા ધારાસભ્ય અનંત પટેલે આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી આપી હતી. તેમણે પોતાના ભાષણ દરમિયાન, અમે અમારા તીર-કામઠાં બુઠાં નથી લીધાં એવું નિવેદન આપ્યું હતું અને ખેડૂતો જેલભરો આંદોલન માટે પણ તૈયાર હોવાનું જણાવ્યું હતું. આ પ્રકારના નિવેદનને આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની રાજકીય ચેતવણી તરીકે જોવામાં આવી રહી છે. જોકે, કાયદો હાથમાં લેવાની કે હિંસક કાર્યવાહી કરવાની કોઈ પણ બાબત કાયદાકીય પ્રક્રિયાની બહાર છે. જાહેરસભામાં આપવામાં આવેલા નિવેદનોનો ચોક્કસ અર્થ અને આગળની કાર્યવાહી અંગે સંબંધિત નેતાઓની સ્પષ્ટતા મહત્વપૂર્ણ રહેશે.
કોંગ્રેસના નેતાઓ સાથે સ્ટેજ શેર કરી વિવાદનો મધપુડો છેડ્યો
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ખાતે જંગલ જમીન અને વન અધિકારના મુદ્દે ફરી એકવાર રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. 2 ઓક્ટોબરે ખોપી ખાતે પુન: વન અધિકાર સત્યાગ્રહ અને જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાહેરસભામાં શંકરસિંહ વાઘેલા કોંગ્રેસના નેતાઓ સાથે એક મંચ ઉપર દેખાયા હતા. જાહેરસભામાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા તુષાર ચૌધરી, ધારાસભ્ય અનંત પટેલ, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, મહેશ વસાવા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. શંકરસિંહની કોંગ્રેસમાં ફરી એન્ટ્રીની ચર્ચા વચ્ચે બાપુએ કોંગ્રેસના નેતાઓ સાથે સ્ટેજ શેર કરી વિવાદનો મધપુડો છેડી દેતા તેમની કોંગ્રેસ એન્ટ્રીને પણ બ્રેક લાગે તેવી શક્યતા દર્શાવાય છે.
બળદગાડા સાથે ગાંધીનગર પહોંચવાની ચીમકી
ખેડૂત અને આદિવાસી આગેવાનોએ હવે આંદોલનને સાગબારા પૂરતું મર્યાદિત ન રાખી ગાંધીનગર સુધી લઈ જવાની જાહેરાત કરી છે. આગામી દિવસોમાં બળદગાડાં સાથે ગાંધીનગર પહોંચીને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપવામાં આવી છે. લીલાબેન વસાવાએ પણ ગાંધીનગરમાં બળદગાડાં સાથે આંદોલનની જાહેરાત કરી હોવાનું તાજેતરના અહેવાલોમાં જણાવાયું છે. સાગબારા જંગલ જમીન વિવાદ છેલ્લા કેટલાક મહિનાથી વારંવાર ચર્ચામાં આવી રહ્યો છે. ઓગસ્ટમાં આંદોલન, સરકાર સાથેની મંત્રણા, ત્યારબાદ ફરી ખેતીને લઈને ખેડૂતો અને વન વિભાગ વચ્ચે થયેલા ઘર્ષણ અને હવે 2 ઓક્ટોબરથી પુન: સત્યાગ્રહની જાહેરાતથી મુદ્દો ફરી રાજ્યસ્તરે ચર્ચામાં આવ્યો છે.
