રાજકોટ શહેરની ભાગોળે કાલાવડ પર આવેલ 80 ફુટ રોડ નજીક બેકાબુ બનેલા ટ્રકના ચાલકે અનેક વાહનોને ઠોકરે લીધા હતા.ત્યારબાદ સ્થાનીક લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.ગઈકાલ રાત્રીના 80 ફુટ રોડ પર શ્યામલ ઉપવન પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલા ટ્રકે એકટિવા અને ત્રણ કારને હડફેટે લઈ અકસ્માતની હારમાળા સર્જી દીધી હતી.જેને લઇ લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું.બીજી તરફ અકસ્માતની આ ઘટના બાદ રોષે ભરાયેલા લોકોએ રોડ પર ઉતરી ચકાજામ કર્યો હતો.બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચની ટીમ અહીં દોડી આવી હતી અને મામલો થાડે પાડ્યો હતો.બનાવ અંગે મોપેડ ચાલકની ફરિયાદ પરથી પોલીસે લોધિકાના ખીરસરામાં રહેતા ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લઇ જરૂૂરી કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે ગઈકાલ રાત્રીના 80 ફૂટ રોડ પર શ્યામલ ઉપવન પાસે હાઈ સ્ટ્રીટ એપાર્ટમેન્ટ નજીક ધસી આવેલા ટ્રક નંબર જીજે 3 સીયુ 9753 ના ચાલકે એકટિવા અને ત્રણ કારને હડફેટે લઇ અકસ્માતની હારમાળા સર્જી દીધી હતી જેને લઇ અહીં નાસભાગ મચી જવા પામી હતી.ઘટના અંગે મૂળ ગીર સોમનાથ પંથકના સુત્રાપાડા તાલુકાના થરેલી ગામના વતની અને હાલ 80 ફુટ રોડ પર મધુવન સોસાયટી શેરી નંબર.7માં રહેતા રાજેશભાઈ બાલુભાઈ બાંભણીયા (ઉ.વ.27) ની ફરિયાદ પરથી તાલુકા પોલીસે લોધિકા તાલુકાના ખીરસરા ગામમાં રહેતા ટ્રક ચાલક શૈલેષ હરિભાઈ ચૌહાણ (ઉ.વ. 46) વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ભુણાવા પાસે કંપનીમાં નોકરી કરે છે છેલ્લા બે દિવસથી તેની સાળી કિરણબેન અહીં ઘરે આવી હોય જેથી ગઈકાલ રાત્રિના તેઓ એકટિવા લઈ તે તેમના પત્ની નમ્રતાબેન અને સાળી કિરણબેન ત્રણેય ફરવા માટે ગયા હતા. રાત્રીના 9:30 વાગ્યા આસપાસ હાઇ સ્ટ્રીટ એપાર્ટમેન્ટની સામેની બાજુએ આવેલ પરસાણા ચોકથી મટુકી ચોક જતા 80 ફુટ રોડ પર એકટીવા રોડની સાઈડમાં ઊભું રાખી દુકાનમાં તેઓ આઈસ્ક્રીમ લેવા માટે ગયા હતા પત્ની અને સાળી અહીં એકટીવા પાસે ઊભા હતા.
દરમિયાન પૂરપાટ ઝડપે જશે આવેલા ટ્રકે તેમના એકટીવાને હડફેટે લઈ તેનો કચ્ચરધાણ બોલાવી દીધો હતો. બાદમાં આ ટ્રકે આગળ ઊભેલી ઇનોવા કાર નંબર જીજે 3 એચએ 4347 ત્યારબાદ ફોર્ડ ફીગો કાર નંબર જીજે 3 જેએલ 7579 અને તેની આગળ ઇકો કાર નંબર જીજે 3 જેએલ 5496 ને હડફેટે લીધી હતી. અકસ્માતની આ ઘટના બાદ અહીં નાસભાગ મચી જવા પામી હતી. અકસ્માત સમયે યુવાનના પત્ની અને સાળી તુરંત અહીંથી દૂર થઈ જતા તેઓને ઈજા પહોંચી ન હતી.
અકસ્માતની ઘટના બાદ અહીં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા અને રોષભેર રોડ પર ચક્કજામ કરી દીધો હતો. જે અંગેની જાણ થતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તથા ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ અહીં દોડી આવી હતી અને રોષે ભરાયેલા લોકોને સમજાવી મામલો થાડે પાડ્યો હતો. બાદમાં આ મામલે રાજેશભાઈ બાંભણિયાની ફરિયાદ પરથી તાલુકા પોલીસે ટ્રક ચાલક શૈલેષ હરિભાઈ ચૌહાણ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

