બેકાબુ કાર ગુલાટી મારી વીજ ટ્રાન્સફોર્મર સાથે અથડાઇ, બેનાં મોત

રાજકોટથી મોરબી તરફ પૂરઝડપે જઈ રહેલી સ્વિફ્ટ કાર ટંકારા નજીક 8થી વધુ વખત પલટી ગઈ હતી. જે બાદ ઈલેક્ટ્રિક થાંભલા સાથે અથડાઈ હતી. કારમાં સવાર…

રાજકોટથી મોરબી તરફ પૂરઝડપે જઈ રહેલી સ્વિફ્ટ કાર ટંકારા નજીક 8થી વધુ વખત પલટી ગઈ હતી. જે બાદ ઈલેક્ટ્રિક થાંભલા સાથે અથડાઈ હતી. કારમાં સવાર બે યુવકો 15 ફૂટ ઉછળી રોડ પર પટકાયા હતા. જેથી બન્નેના મોત થયા છે. જ્યારે એક યુવક ઈજાગ્રસ્ત છે. શનિવારે સવારે 8:30 વાગ્યાની આસપાસ ખજૂરા હોટલ પાસે આ અકસ્માત થયો હતો. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

ગત શનિવારે સવારે રાજકોટમાં રહેતા જીવણ સવજી ડાભી, અમન ગણેશ બાબરીયા તેમજ પ્રભાત લામકા ત્રણેય સ્વિફ્ટ કાર લઈને રાજકોટથી મોરબી જવા નીકળ્યા હતા. આ ત્રણેય યુવાન ફ્લાવર ડેકોરેશનનું કામ કરતા હતા. જે કામ અર્થે જ મોરબી આવી રહ્યા હતા. આ દરમિયાન મોરબી-રાજકોટ હાઇવે પર ટંકારા નજીક ઓવરસ્પિડ હોવાથી ગોળાઈમાં કારનો ટર્ન લાગ્યો ન હતો. જેથી ચાલક અમને સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર એક બાદ એક 8થી વધુ ગુલાટી ખાઈ ગઈ હતી. જે બાદ ટીસી સાથે અથડાઈ હતી.

આ અકસ્માત એટલો ગંભીર હતો કે, કાર જ્યારે પલટી ખાઈ ત્યારે તેમાં બેઠેલા ત્રણ યુવાન પૈકીના કાર ચાલક અમન અને આગળ બેઠેલો યુવક પ્રભાત બન્ને કારમાંથી બહાર ફંગોળાઈ 15 ફૂટ ઊંચા ઉડીને રોડ પર પટકાયા હતા. જેથી તેઓને માથામાં તેમજ શરીરના અન્યભાગમાં ગંભીરઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે કારની પાછળની સીટ પર સવાર જીવણભાઈને ઇજાઓ થઈ હતી. જેથી તેને રાજકોટની મધુરમ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

ઈજાગ્રસ્ત જીવણ ડાભીએ જણાવ્યું કે, મોરબીથી ટંકારા પહોંચ્યા ત્યાં ગાડી પલટી મારી ગઈ. ત્યારબાદ શું થયું એનો મને વધું ખ્યાલ ન રહ્યો. અકસ્માત કેવી રીતે થયો તે ખબર નથી, પરંતુ પ્રભાત અને અમન આગળ બેઠા હતા અને હું પાછળ બેઠો હતો. ગાડી કોઈ વાહન સાથે ભટકાઈ ન હતી. મને હોઠ અને કમરના ભાગે ઈજા થઈ છે. ગાડી ઊભી રહી ત્યારબાદ હું રહી-રહીને ગાડીમાંથી બહાર નીકળ્યો હતો. હું બેભાન તો થયો ન હતો, પરંતુ ગાડીએ એટલા ગોથા માર્યા કે મને કંઈ મગજમાં રહ્યું નથી.

હાલમાં પોલીસે અકસ્માતના બનાવ સંદર્ભે રાજકોટની ક્રાઈસ્ટ હોસ્પિટલની સામે રહેતા જીવણ સવજી ડાભીની ફરિયાદ લઈને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સ્વિફ્ટ ગાડી નંબર ૠઉં 3 ઙછ 5938 ના ચાલક મૃતક અમન ગણેશ બાબરીયા સામે ગુનો નોંધ્યો છે.