કોર્ટ સાથે રમત કરનાર DYSP, PI, કોન્સ્ટેબલ સામે ગુનો નોંધવા આદેશ

ભરણપોષણના કેસમાં આરોપીને બચાવવા કુતિયાણા પોલીસે બે ખોટા સોગંદનામા રજૂ કર્યા, કેશોદ કોર્ટ આકરા પાણીએ ભરણપોષણની રકમ ન ચૂકવી કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરનારા એક કસૂરવાર…

ભરણપોષણના કેસમાં આરોપીને બચાવવા કુતિયાણા પોલીસે બે ખોટા સોગંદનામા રજૂ કર્યા, કેશોદ કોર્ટ આકરા પાણીએ

ભરણપોષણની રકમ ન ચૂકવી કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરનારા એક કસૂરવાર પતિને જેલના સજા વોરંટમાંથી બચાવવા માટે ખાખી વર્દીને દાગ લગાવનારો સળગતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જૂનાગઢની ફેમિલી કોર્ટ (કેમ્પ કેશોદ)ના પ્રિન્સિપાલ જજ પી. એચ. સિંહે એક ઐતિહાસિક અને કડક ચુકાદો આપતા કુતિયાણા પોલીસ સ્ટેશનના પી.આઈ. (PI) એમ.ડી. વાળા, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ (AHC) ડી.એચ. જાડેજા અને પોરબંદર મુખ્ય મથકના નાયબ પોલીસ અધીક્ષક (DYSP) વિરૂૂદ્ધ ગુનાહિત ષડયંત્ર રચવા અને કોર્ટને ગેરમાર્ગે દોરવા બદલ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફોજદારી ગુનો (FIR) નોંધાવવા કડક આદેશ કર્યો છે. અદાલતે પોરબંદર પોલીસ સુપ્રિટેન્ડેન્ટ (SP) દ્વારા રજૂ કરાયેલા અહેવાલને કાયદાની વિરૂૂદ્ધ ગણાવી ફગાવી દીધો છે.

સમગ્ર વિગત એવી છે કે, અરજદાર માયાબેન કાનજીભાઈ મકવાણાએ તેમના પતિ રણછોડભાઈ રાયમલભાઈ વિરમગામા (રહે. ખૂનપુર, તા. કુતિયાણા) વિરૂૂદ્ધ ભરણપોષણ મેળવવા કોર્ટમાં અરજી કરી હતી. માળિયા હાટીના કોર્ટે 26 ડિસેમ્બર 2022ના રોજ પતિને દર મહિને રૂૂા. 2,000 ચૂકવવાનો આદેશ કર્યો હતો. જોકે, પતિ રણછોડભાઈએ એકપણ રૂૂપિયો ન ચૂકવતા, પત્નીએ બાકી નીકળતી લેણી રકમ રૂૂા. 25,000 વસૂલવા કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ત્યારબાદ આ કેસ કેશોદ ફેમિલી કોર્ટમાં ટ્રાન્સફર થયો હતો. કોર્ટે કસૂરવાર પતિ સામે 158 દિવસ અને અન્ય કેસમાં 165 દિવસની સાદી કેદની સજા ફટકારી અસલ જેલ વોરંટ જુલાઈ 2024માં પોરબંદર પોલીસને બજવણી માટે મોકલી આપ્યા હતા.

આશરે બે વર્ષનો સમય વીતી જવા છતાં કુતિયાણા પોલીસે સજા પામેલા રણછોડભાઈને જેલ હવાલે કર્યા ન હતા કે કોઈ ખુલાસો કર્યો ન હતો, જેથી કોર્ટે પોરબંદર એસપીને કારણદર્શક નોટિસ ફટકારી હતી. આ દરમિયાન 30 જૂન 2026ના રોજ અ.હે.કો. ડી.એચ. જાડેજાએ કોર્ટમાં એવો ખોટો રિપોર્ટ આપ્યો કે કસૂરવાર ખૂનપુર ગામમાં મળતો નથી અને વોરંટ 31 ડિસેમ્બર 2024ના રોજ જ કોર્ટને પરત મોકલી અપાયું છે. તેની સામે 1 જુલાઈ 2026ના રોજ પી.આઈ. એમ.ડી. વાળાએ કોર્ટમાં હાજર થઈ નવો વિરોધાભાસી દાવો કર્યો કે અસલ વોરંટ ક્યાંક ગુમ થઈ ગયું છે અથવા મુકાઈ ગયું છે. જોકે, આ જ દિવસે કસૂરવાર પતિ કોર્ટમાં હાજર થતાં સાચી હકીકત સામે આવી હતી અને તેનું સોગંદનામું લેવાયું હતું. તેણે પોલ ખોલતા જણાવ્યું કે, 30 જૂનની રાત્રે જ કુતિયાણા પોલીસના બે કર્મચારીઓ તેને લીંબુડા ગામેથી મોટરસાયકલ પર બેસાડી પોલીસ સ્ટેશને લાવ્યા હતા અને રાત્રે રાખી સવારે કોર્ટમાં આવવાનું કહી છોડી દીધો હતો.

કોર્ટે મંગાવેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરતા જાણવા મળ્યું કે, કસૂરવાર રણછોડભાઈ પીળા કલરનું ટી-શર્ટ પહેરીને પોલીસ કર્મચારીઓ સાથે મોટરસાયકલ પર કુતિયાણા પોલીસ સ્ટેશન આવ્યો હતો અને અ.હે.કો. ડી.એચ. જાડેજા સાથે લાંબી ચર્ચા કર્યા બાદ પોલીસ સ્ટેશનની અંદર ગયો હતો. બીજા દિવસે સવારે તે પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળી સરકારી વાહનની પાછળની સીટ પર બેસતો જોવા મળ્યો હતો. આમ, પોલીસે કસૂરવારને સજામાંથી બચાવવા કોર્ટ સમક્ષ વોરંટ ગુમ થવાના અને ટપાલથી મોકલી આપ્યાના ખોટા સરકારી દસ્તાવેજો ઊભા કર્યા હોવાનું સાબિત થયું હતું. આ બાબતે કોર્ટે લાલ આંખ કરતા નોંધ્યું કે પોલીસ સ્ટેશન કોઈ હોટેલ, ધર્મશાળા કે આશ્રયસ્થાન નથી કે જ્યાં કોઈ સામાન્ય નાગરિક પોતાની મરજીથી રાત્રિ રોકાણ કરી શકે. સજા પામેલા ગુનેગારને પકડવા છતાં તેને જેલ ભેગો કરવાના બદલે કાયદાની વિરૂૂદ્ધ જઈ આશ્રય આપવો એ ગુનો છે.

અદાલતે વધુમાં નોંધ્યું કે પોતાના તાબાના કર્મચારીઓના પાપ પર પડદો પાડવા માટે ડીવાયએસપી મુખ્ય મથકે પણ ખોટો તપાસ અહેવાલ તૈયાર કર્યો હતો. આથી કોર્ટે આ ત્રણેય ઉચ્ચ અધિકારીઓ વિરૂૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023ની કલમ 198, 199, 201, 202, 210, 211, 212, 21ત્ક, 223, 227, 228, 229, 233, 238, 240, 249, 255, 256, 259, 260, 335, 336, 33ત્ક, 338, 339, 340 તથા 54 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 145(3) મુજબ ગુનો નોંધવા હુકમ કર્યો છે. ફેમિલી કોર્ટના સિનિયર ક્લાર્ક અફરોઝખાન એસ. તુર્કને આદેશ કરવામાં આવ્યો છે કે તેઓ તાત્કાલિક કેશોદ પોલીસ સ્ટેશનમાં પી.આઈ. એમ.ડી. વાળા, અ.હે.કો. ડી.એચ. જાડેજા અને ડીવાયએસપી (મુખ્ય મથક, પોરબંદર) વિરૂૂદ્ધ ફરિયાદ નોંધાવે અને 5 દિવસમાં તેનો અહેવાલ કોર્ટમાં સબમિટ કરે. આ હુકમની નકલ રાજ્યના પોલીસ વડા (DGP) ગાંધીનગર અને ડીઆઈજી (DIG) જૂનાગઢને પણ જાણ માટે મોકલવામાં આવી છે.