ટાઇગર શ્રોફ પર ગોળીબાર પાછળ વિદેશમાં બેઠેલા ઓપરેટરોનો હાથ: ફડણવિશ

મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈના જુહુ વિસ્તારમાં બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર અજાણ્યા હુમલાખોરો દ્વારા ભીષણ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી.…

મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈના જુહુ વિસ્તારમાં બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર અજાણ્યા હુમલાખોરો દ્વારા ભીષણ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અભિનેતાની વૈભવી કાર પર કુલ 5 રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ટાઈગર શ્રોફના જમણા હાથ ગનપાઉડનરથી દાઝવાના નિશાન સામે આવ્યા છે, જો કે સદભાગ્યે તેને સીધી ગોળી વાગી નથી. આ ફાયરિંગની ઘટનામાં ટાઈગરના ડ્રાઈવર ફિરદૌસ અને એક ઓટોચાલક ઇજાગ્રસ્ત થયા છે. પોલીસે આ ઘટનામાં 3 અજાણી વ્યક્તિ વિરૂધ્ધ એફઆઇઆર નોંધી છે. અહેવાલો મુજબ બનાવની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાઇ છે. ઘટના બાદ મુખ્યમંત્રીએ દેવેન્દ્ર ફડણવીસ અભિનેતાને ફોન કરી બનાવની માહિતી મેળવી તેના સ્વાસ્થ્યની જાાણકારી મેળવી તેમણે સ્વીકાર કર્યો હતો કે ટાઇગરે સુરક્ષા માગી હતી પણ ઘટના સમયે સુરક્ષા કર્મીઓ નહોતા.

પ્રત્યક્ષદર્શીઓ અને વાયરલ વીડિયોના આધારે મળેલી માહિતી મુજબ, ફાયરિંગ સમયે ટાઈગર શ્રોફ ડ્રાઈવરની બાજુની આગળની સીટ પર બેઠા હતા. ડ્રાઈવરને ઈજા થતાં ટાઈગરે પોતે ગાડીનું સ્ટિયરિંગ સંભાળ્યું હતું અને તેમને હોસ્પિટલ લઈ ગયા હતા. આ હુમલામાં ટાઈગરના ડ્રાઈવર અને એક ઓટોચાલકને ઈજા પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ મુંબઈ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી અને મામલાની ગંભીરતાથી તપાસ શરૂૂ કરી દીધી છે. પોલીસે આ કેસમાં પૂછપરછ માટે એક વ્યક્તિને કસ્ટડીમાં પણ લીધો છે.

ઘટનાની ગંભીરતા જોતા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે મોડી રાત્રે ટાઈગર શ્રોફના ઘરે પહોંચ્યા હતા અને તેમની તથા તેમના પરિવાર સાથે મુલાકાત કરી હતી. અભિનેતા સાથેની મુલાકાત બાદ શિંદેએ મીડિયાને જણાવ્યું કે ટાઈગરના જમણા હાથ પર ગનપાઉડરથી દાઝી જવાના નિશાન છે. અભિનેતા અને તેમનો પરિવાર આ ઘટનાથી ચિંતિત છે, કારણ કે તેમની કોઈની સાથે કોઈ દુશ્મનાવટ કે વિવાદ નથી.

એકનાથ શિંદેએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, મુંબઈમાં 1990ના દાયકાના ગેંગવોરને ફરીથી પાછું નહીં આવવા દઈએ. મુંબઈમાં કોઈને પણ ડરાવવા, ધમકાવવા કે ગુંડાગીરી કરવાની છૂટ આપવામાં આવશે નહીં અને દોષિતોને કોઈપણ ભોગે બક્ષવામાં નહીં આવે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ પોલીસ કમિશનર દેવેન ભારતી સાથે વાતચીત કરીને તપાસ ઝડપી બનાવવાનો આદેશ આપ્યો છે. આજે સવારે ફડણવીસે એક નિવેદનમાં દાવો કર્યો હતો કે ટાઇગર પર ગોળીબારની ઘટનાના સુગાર મળ્યા છે. તેમણે જણાવ્યું હતું કે હુમલામાં વિદેશમાં બેઠેલા ઓપરેટરોનો હાથ છે. તેમના આકાઓને પણ છોડવામાં નહીં આવે. તેમણે કહ્યું હતું કે હુમલાખોરોની ઓળખ થઇ ચુકી છે અને તેમની ટુંક સમયમાં ધરપકડ થશે. અહેવાલો મુજબ અંધેરી સ્ટેશન બહાર હુમલામાં ઉપયોગમાં લેવાયેલી મનાતી બાઇક કબજે કરવામાં આવી છે.

સગીર સહિત 4 શકમંદો સકંજામાં, 3 રાજસ્થાનથી, 1 ગુજરાત બોડર્રે પકડાયો, નેપાળ ભાગવાનો પ્લાન હતો

મુંબઈના જુહુ વિસ્તારમાં બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ પર થયેલા જીવલેણ હુમલાની ઘટના બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. હુમલાના ગણતરીના કલાકોમાં તપાસનો ધમધમાટ શરૂૂ કરીને પોલીસે માત્ર 16 કલાકના ગાળામાં સગીર સહીત 4 શંકાસ્પદ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તેઓ નેપાળ ભાગવાના ફીરકામાં હતા એમ કોટા પોલીસે જણાવ્યું હતું. આ સિવાય એક અન્ય આરોપીને મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર પરથી ઝડપી લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, કોટાથી પકડાયેલા ત્રણેય આરોપીઓ મુંબઈથી ટ્રેન પકડીને ભાગ્યા હતા. પૂણે-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં તેઓ હોવાની ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે કોટા રેલવે કોલોનીમાંથી તેમને દબોચી લેવાયા હતા. આ પકડાયેલા શખ્સો પૈકી બે હરિયાણાના અને એક બિહારનો રહેવાસી છે. પોલીસના જણાવ્યા મુજબ હુમલામાં રેહાન નામના આરોપીને મુખ્ય ભુમીકા હતી. તેના કહેવાથી ઋત્વિક નામનો સગીર હુમલામાં સામેલ થયો હતો. પોલીસે પકડાયેલા આરોપીઓના નામ આપ્યા તે મુજબ હરિયાણા-સોનેપતનો ફુલસિંહ, રેહાન ઉર્ફે સુક્કા, બિહારના બેગુસરાયનો ઋત્વિક કુર્મી રોશન છે.

સલમાન, ધ્યાનથી સાંભળ…. બિશ્ર્નોઇ સમુદાયની માફી નહીં માગ તો તારા પરિવારને છોડીશું નહીં

અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર થયેલા ગોળીબારની જવાબદારી લેનાર અનિલ પંડિતનો હોવાનો દાવો કરતો એક ભયાનક ઓડિયો સામે આવ્યો છે. આ ઓડિયોમાં બોલનાર વ્યક્તિ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને ધમકી આપી રહી છે અને જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તથા બિશ્નોઈ સમુદાયની માફી માંગવાની માંગ કરી રહી છે. આ ધમકીના પગલે સલમાનખાનના નિવાસ્થાન બહાર સુરક્ષા બંદોબસ્ત મજબુત કરવામાં આવ્યો છે.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શેર કરવામાં આવેલા આ ઓડિયોમાં, અનિલે સલમાન ખાનને તેની સુરક્ષા વ્યવસ્થા પર ભરોસો ન રાખવાની ચેતવણી આપી છે અને જો તે માફી નહીં માંગે તો તેના પરિવારને ખતમ કરી નાખવાની ધમકી આપી છે.
અનિલ પંડિતે કહ્યું, “સલમાન ખાન, મારી વાત ધ્યાનથી સાંભળ. જો તું મારા મોટા ભાઈ લોરેન્સ બિશ્નોઈ અથવા બિશ્નોઈ સમુદાયની માફી નહીં માંગે, તો અમે તારા ઘરમાં એક કૂતરાને પણ જીવતો નહીં છોડીએ. અમે તારા આખા પરિવારનો નાશ કરી નાખીશું. આ વાત યાદ રાખજે. એવું ન વિચારતો કે તું સુરક્ષા હેઠળ છે અને તારું કંઈ બગડશે નહીં.” ધમકીના પગલે સલમાન આવતા સપ્તાહે બિગ બોસ હોસ્ટ નહીં કરે.