Site icon Gujarat Mirror

બે લાખ ભરો પછી જ ઓપરેશન

oplus_32

સવારે પૈસા ભરી દેવાનું કહેતા ડોક્ટરે જણાવી દીધું કે, તો સિવિલ હોસ્પિટલમાં જાવ તબીબી બેદરકારીના આરોપ સાથે લાશ સ્વીકારવાનો ઈનકાર

ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને મન ફાવે તેમ ધુતવામાં આવી રહ્યા છે. અવાર નવાર પૈસાના અભાવે ગરીબ દર્દીઓ મોતને ભેટતા હોવાના બનાવો સામે આવતા રહે છે. ત્યારે આવા જ એક વધુ બનાવમાં બેકબોન હોસ્પિટલમાં દાખલ યુવાનને ઓપરેશનની જરૂર હોય અડધી રાત્રે હોસ્પિટલ દ્વારા બે લાખ ભરો પછી જ ઓપરેશન થશે તેવુ કહેતા પરિવાર જનો દ્વારા સવારે પૈસા ભરી દેશું તેમ જણાવવા છતાં તબીબે ઓપરેશન ન કરી સિવિલ હોસ્પિટલમાં જતા રહેવાનું કહેતા પરિવારજનો દર્દીને લઈ સિવિલમાં પહોંચ્યા હતાં પરંતુ ત્યાં દર્દીનું મોત નિપજ્યું હતું. જેથી પરિવારજનોએ બેકબોન હોસ્પિટલના તબીબની બેદરકારીના કારણે મોત થયાના આક્ષેપ સાથે લાશ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ એરપોર્ટ રોડ ઉપર અરજીતનગર શેરી નં. 3 માં રહેતો કલ્પેશ નાથાભાઈ રાઠોડ ઉ.વ. 40 નામનો યુવાન આરએમસીમાં કોન્ટ્રાક્ટબેઝ પર સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે અને સાથે કેટ્રસનું કામ કરતો હોય ગત તા. 10 ના રોજ ગોંડલના મોવિયા ગામે હેરીટેઝ પાર્ટીપ્લોટમાં કેટરસનું કામ રાખેલ હોય જ્યાં હતો ત્યારે વાયરીંગમાંથી ઈલેક્ટ્રીક શોટ લાગતા પડી જવાથી તેને માથાના ભાગે ઈજા થઈ હતી. જેથી તેને સારવાર માટે ગોંડલ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

જ્યાં તબીબો દ્વારા હેમરેજ થયાનું જણાવવામાં આવતા તેને વધુ સારવાર માટે રાજકોટમાં નાનામૌવા સર્કલ પાસે આવેલ બેકબોન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સીટીસ્કેનના રૂા. 19 હજાર અને અન્ય 63 હજાર ભર્યા હતાં બાદમાં ગત રાત્રે બે વાગ્યાના અરસામાં તબીબો દ્વારા કલ્પેશને એટેકના કારણે મગજમાં અસર થઈ હોવાથી ઓપરેશન કરવું પડશે જેના રૂપિયા 2 લાખ ભરી આપો તેમ જણાવતા પરિવારજનોએ જણાવ્યું હતું કે, અત્યારે રાત્રે પૈસા ક્યાં લેવા જઈએ સવારે ભરી આપશું. તેમ કહેતા તબીબોએ બે લાખ ભરો પછી જ ઓપરેશન થશે નહીંતર સિવિલમાં લઈ જાવ તેમ જણાવી દીધું હતું.

બાદમાં પરિવારજનો કલ્પેશને લઈ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતાં. પરંતુ અહીં તેનું ટુંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પરિવારજનો દ્વારા બેકબોન હોસ્પિટલના તબીબો દ્વારા તાત્કાલીક પૈસા ન ભરતા ઓપરેશન ન કર્યુ હોવાથી કલ્પેશનું મોત થયું હોય જેથી તબીબી બેદરકારીનો આક્ષેપ કરી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. અને બેકબોન હોસ્પિટલના તબીબ આવશે પછી જ લાશ સ્વીકારશું તેવું જણાવ્યું હતું. આ અંગે ગોંડલ તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક કલ્પેશ બે ભાઈમાં મોટો અને તેને સંતાનમાં બે પુત્ર હોવનું જાણવા મળ્યું છે.

Exit mobile version