રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ બનાવવા અને ગેરકાયદેસર ઘૂસણખોરી કરતા તત્વોને ઝડપી પાડવા માટે શરૂૂ કરાયેલા ખાસ અભિયાન ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ અંતર્ગત ભાવનગર શહેર અને જિલ્લા પોલીસ હરકતમાં આવી ગઈ છે. ભાવનગર સ્થાનિક ગુન્હા શોધક શાખા (LCB) તથા સ્થાનિક પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા શહેરના વ્યસ્ત વિસ્તારો, પ્રવેશદ્વારો અને એસ.ટી. બસ ડેપો પર આકસ્મિક અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભાવનગર સેન્ટ્રલ બસ ડેપો ખાતે LCB અને પોલીસ કાફલાએ ઓચિંતો દરોડો પાડી ચેકિંગ હાથ ધર્યું હતું. બસ સ્ટેશન પરિસરમાં શંકાસ્પદ રીતે આંટાફેરા મારતા ઈસમોની કડક પૂછપરછ કરવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન જિલ્લાભરમાંથી અત્યાર સુધીમાં કુલ 25 જેટલા શંકાસ્પદ લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. પોલીસે તમામના આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ સહિતના આઈ.ડી. પ્રૂફ અને અન્ય દસ્તાવેજોની બારીકાઈથી ચકાસણી કરી હતી. જો કે, પ્રાથમિક તપાસના અંતે આ 25 પૈકી કોઈ પણ વ્યક્તિ બાંગ્લાદેશી ઘૂસણખોર ન હોવાનું માલૂમ પડતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.
આખલોલ જકાતનાકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત શહેરમાં પ્રવેશતા શંકાસ્પદ તત્વો અને વાહનોને રોકવા માટે ભાવનગરના મુખ્ય એન્ટ્રી પોઈન્ટ એવા આખલોલ જકાતનાકા પાસે વહેલી સવારથી જ પોલીસ દ્વારા લોખંડી નાકાબંધી ગોઠવી દેવામાં આવી હતી. હાઈવે પરથી આવતા તમામ વાહનોને રોકીને તેમની તપાસ કરવામાં આવી રહી છે, જેના કારણે ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ ડ્રાઈવ દરમિયાન પોલીસ ટીમ દ્વારા ખાસ કરીને ફોર વ્હીલર (ચાર પૈડાવાળા વાહનો) પર વિશેષ વોચ રાખવામાં આવી રહી છે. શંકાસ્પદ કાર ચાલકોને રોકી, તેમના ડ્રાઇવિંગ લાયસન્સ અને ગાડીના આર.સી. બુક સહિતના કાગળો તપાસવામાં આવ્યા હતા. એટલું જ નહીં, કોઈપણ પ્રકારની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા માટે વાહનોની ડિકી ખોલાવીને પણ સઘન તલાશી લેવામાં આવી રહી છે. ભાવનગર પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ આ ઓપરેશન અંતર્ગત ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે તેમ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.
