ઓપરેશન ડીપ મેનિફેસ્ટ: પાક.થી આયાત કરાયેલું 7311 ટન સિંધવ મીઠું ઝડપાયું

પાકિસ્તાની મૂળના માલની આયાત પર ભારત સરકારે મૂકેલા સખત પ્રતિબંધોને બાયપાસ કરીને ગેરકાયદે રીતે સિંધવ મીઠું આયાત કરવાના એક મોટા આંતરરાષ્ટ્રીય નેટવર્કનો ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ…

પાકિસ્તાની મૂળના માલની આયાત પર ભારત સરકારે મૂકેલા સખત પ્રતિબંધોને બાયપાસ કરીને ગેરકાયદે રીતે સિંધવ મીઠું આયાત કરવાના એક મોટા આંતરરાષ્ટ્રીય નેટવર્કનો ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. ‘ઓપરેશન ડીપ મેનિફેસ્ટ’ હેઠળ હાથ ધરાયેલી આ વ્યાપક કાર્યવાહીમાં પાકિસ્તાની મૂળના ઔદ્યોગિક અને હિમાલયન રોક સોલ્ટના કુલ 7,311 મેટ્રિક ટન જથ્થા સાથે સંકળાયેલા 295 ક્ધટેનરની આયાત પકડાઈ છે, જેનું અંદાજિત બજાર મૂલ્ય રૂૂ. 30 કરોડ હોવાનું આંકવામાં આવ્યું છે.

ચોક્કસ બાતમીના આધારે ડીઆરઆઈએ ગત 26 સપ્ટેમ્બરથી 11 ઓક્ટોબર, 2026 દરમિયાન પંદર દિવસ સુધી સંકલિત તપાસ અને દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંતર્ગત ગાંધીધામ, આદિપુર, વેરાવળ, પાણીપત, પુણે, પટિયાલા, દિલ્હી અને મુંબઈ ખાતે આવેલા સંબંધિત ઠેકાણાઓ પર તપાસ કરવામાં આવી હતી. તપાસમાં ખુલાસો થયો છે કે નવ જેટલા આયાતકારોએ માર્ચ 2026થી મુન્દ્રા અને કંડલા બંદરો મારફતે 295 ક્ધટેનર આયાત કરીને પ્રતિબંધનો ભંગ કર્યો છે. જપ્ત કરાયેલા જથ્થા પૈકી કંડલા બંદરેથી 140 મેટ્રિક ટન ઔદ્યોગિક તથા હિમાલયન રોક સોલ્ટ ધરાવતાં પાંચ ક્ધટેનર જપ્ત કરવામાં આવ્યાં છે, જેની કિંમત રૂૂ. 24.41 લાખ થાય છે. આ ઉપરાંત આયાતકારોના બેંક ખાતામાં રહેલી વેચાણની રૂૂ. 20.96 લાખની રકમ પણ જપ્ત કરવામાં આવી છે.

ડીઆરઆઈની પ્રાથમિક તપાસમાં પાકિસ્તાન, સંયુક્ત આરબ અમીરાત (ઞઅઊ), શ્રીલંકા અને ભારત વચ્ચે ફેલાયેલું આંતરરાષ્ટ્રીય નેટવર્ક બહાર આવ્યું છે. આ નેટવર્ક દ્વારા પાકિસ્તાનમાં ઉત્પાદિત મીઠું શ્રીલંકાના કોલંબો બંદર મારફતે ભારત મોકલવામાં આવતું હતું. માલનું મૂળ સ્થાન (Origin) છુપાવવા માટે યુએઈ સ્થિત કંપનીઓનાં નામે નકલી સર્ટિફિકેટ ઓફ ઓરિજિન અને ઇન્વોઇસ તૈયાર કરવામાં આવતાં હતાં. શ્રીલંકા કસ્ટમ્સ સમક્ષ રજૂ કરાયેલા ડિક્લેરેશનમાં મૂળ દેશ તરીકે પાકિસ્તાન અને અંતિમ ગંતવ્ય તરીકે ભારતનો સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં, ભારતીય આયાતકારો દ્વારા રજૂ કરાયેલાં સર્ટિફિકેટ્સ નકલી હોવાનું સામે આવ્યું છે.
આ પ્રકરણમાં કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં આયાતકાર પેઢીઓના બે માલિકો અથવા ભાગીદારો, એક કસ્ટમ્સ બ્રોકરના જી-કાર્ડધારક અને દુબઈ સ્થિત સપ્લાયરના માલિકનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત મહિને પણ ડીઆરઆઈએ નાસિકના ક્ધટેનર ફ્રેઇટ સ્ટેશન પર મુંબઈની પેઢી દ્વારા આયાત કરાયેલા 13 ક્ધટેનરમાંથી પાકિસ્તાની મૂળનો 3.62 લાખ કિલોથી વધુ સૂકો ખજૂર જપ્ત કર્યો હતો.
એપ્રિલ 2025માં પહેલગામ આતંકવાદી હુમલા બાદ રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર નીતિના હિતમાં ભારત સરકારના ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા પાકિસ્તાનમાં ઉત્પાદિત કે ત્યાંથી નિકાસ થતા તમામ માલની સીધી કે આડકતરી આયાત તથા ટ્રાન્ઝિટ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેને આ રેકેટ દ્વારા ધોરણસર બાયપાસ કરવામાં આવી રહ્યું હતું. ડીઆરઆઈ દ્વારા આ મામલે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.