20 લાખની વસતીમાં મચ્છરજન્ય મેલેરિયાનો માત્ર એક કેસ નોંધાયો!

રાજકોટ ચોમાસામાં પણ શહેર મચ્છરમુક્ત! સરકારમાં મોકલાતા રોગચાળાના અઠવાડિક રિપોર્ટમાં કેસના આંકડાની માયાજાળ રોગચાળો છુપાવવો કઇ રીતે એ કોઇ રાજકોટ મહાનગરપાલિકા પાસે શીખે. કોરોના કાળમાં…

રાજકોટ ચોમાસામાં પણ શહેર મચ્છરમુક્ત! સરકારમાં મોકલાતા રોગચાળાના અઠવાડિક રિપોર્ટમાં કેસના આંકડાની માયાજાળ રોગચાળો છુપાવવો કઇ રીતે એ કોઇ રાજકોટ મહાનગરપાલિકા પાસે શીખે. કોરોના કાળમાં પોઝિટિવ કેસની સંખ્યા અને કોરોનાથી થયેલા મોત ઓછા દેખાડવાની મનપાની કરામત સૌ કોઇ જાણે જ છે. પણ હવે તો સામાન્ય રોગચાળામાં પણ કાગળ પર આવી કરામત દેખાડવમાં મનપા માહિર બની ગઇ છે. શહેરમાં છેલ્લાં એેક અઠવાડિયામાં મચ્છરજન્ય કેસમાં મેલેરિયાનો અને એ પણ માત્ર એક જ કેસ ચોપડે નોંધાયો છે. એ સિવાય ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાનો એકપણ કેસ ન હોવાનો દાવો મનપાનો જે. શહેરની 20 લાખની વસતી વચ્ચે મચ્છરજન્ય રોગચાળાનો માત્ર એક જ કેસ હોય એ માનવામા આવે ખરા?

રાજકોટમાં જાણે મચ્છરોનો ઉપદ્રવ નીલ થઇ ગયો હોય તેવો ઉઠ્ઠા ભણાવતો રીપોર્ટ મનપાની આરોગ્ય શાખાએ તૈયાર કર્યો છે. જાહેર કરેલા રોગચાળાનો અઠવાડિક રિપોર્ટમાં તા.20 ઓગસ્ટથી તા.16 ઓગસ્ટ દરમિયાન મચ્છરજન્ય રોગચાળામાં મેલેરિયાનો એક જ કેસ નોંધાયેલો છે. જો કે બીજીબાજુ વાયરલ રોગચાળો વકરતો જાય છે. છેલ્લાં એક જ અઠવાડિયામાં શરદી, ઉધરસ, તાવ અને ખાદ્ય-પાણીજન્ય ઝાડા-ઉલ્ટી કુલ 1883 કેસ નોંધાયા છે અને આ આકડાં માત્ર સરકારી હોસ્પિટલ અને મનપાના આરોગ્ય કેન્દ્રમાં આવેલા કેસ છે. ખાનગી હોસ્પિટલનો સર્વે કરવામા આવે તો રોગચાળાના કેસની ચિંતાજનક સ્થિતિ સામે આવી શકે છે.

207 આસામીને નોટિસ
મનપાની મેલેરિયા શાખાએ વિવિધ બાંધકામ સાઇટ, ઓફિસ, કોમ્પ્લેક્સ, સ્કુલ, હોસ્પિટલ, ભંગારના ડેલા, સેલર, વાડી-હોલ સહિતની જગ્યાએ મચ્છરોના બ્રીડીંગ સબબ ચેકીંગ કર્યુ હતુ. આ દરમિયાન બેદરકારી દાખવનાર 207 આસામીને નોટિસ ફટકારવામા આવી હતી.