રાજકોટ શહેરમાં માદક પદાર્થોના વેચાણ અને હેરફેર પર અંકુશ મેળવવા માટે પોલીસ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત બી-ડીવીઝન પોલીસ સ્ટેશનની ટીમે ચોક્કસ બાતમીના આધારે ભગવતીપરા વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.
ઘટનાની વિગત મુજબ,ગઈકાલે બી-ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ સુખદેવભાઈ રામભાઈ દાંતીને ખાનગી રાહે ચોક્કસ હકીકત મળી હતી કે, ભગવતીપરા કોપરગ્રીન વાળા રોડની ગોળાઈમાં જાહેર રોડ પર કાળા રંગનું ટી-શર્ટ પહેરેલ અકીલભાઈ ચૌહાણ નામનો શખ્સ ગાંજાના જથ્થા સાથે આવવાનો છે.
આ બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર જી.આર. ચૌહાણ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર નિખિલભાઈ ડોબરીયા સહિતના સ્ટાફે બે સરકારી પંચોને સાથે રાખીને ઉક્ત સ્થળે વોચ ગોઠવી હતી.
સાંજે બાતમી મુજબનો શખ્સ ત્યાંથી પસાર થતા પોલીસે તેને અટકાવ્યો હતો. પૂછપરછમાં તેણે પોતાનું નામ અકીલભાઈ રફીકભાઈ ચૌહાણ (ઉં.વ. 28, મૂળ રહે. જસદણ, હાલ રહે. વેલનાથપરા શેરી નં. 26, મોરબી રોડ, રાજકોટ) હોવાનું જણાવ્યું હતું.તેના પેન્ટના ખિસ્સામાંથી ત્રણ કોથળીઓ મળી આવી હતી.
જેમાં લીલા પાંદડા અને ડાળખા સહિતનો માદક પદાર્થ (ગાંજો) ભરેલો હતો.પોલીસે તાત્કાલિક એફ.એસ.એલ. અધિકારીને બોલાવી પ્રાથમિક પરીક્ષણ કરાવતા આ પદાર્થ ગાંજો હોવાની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ ઇલેક્ટ્રિક વજનકાંટાથી વજન કરતા કુલ 34.69 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂૂપિયા 1,734.5/- આંકવામાં આવી છે.
