ક્રાઇમ
માળિયા મિયાણામાં ફાયરિંગ: એકની હત્યા, સાત ઘવાયા
યુવાનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવા રાજકોટ ખસેડાયો, બાળકોના ઝઘડામાં બઘડાટી બોલી; એકની હાલત ગંભીર, ઘવાયેલાઓ રાજકોટ અને મોરબી ખસેડાયા
માળિયા મિયાણા શહેરમાં આવેલા વાગડીયા ઝાપા પાસે છોકરાઓની માથાકૂટ થઇ હતી અને તે માથાકૂટમાં બે પરિવાર સામસામે આવી ગયા હતા.
ત્યાર બાદ બંને પક્ષેથી ફાયરિંગ કરવામાં આવ્યા હોવાની ચર્ચાઓ થઈ રહી છે. આ ઘટના બન્યા બાદ સમગ્ર માર્કેટ બંધ થઈ ગઈ છે અને પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જોકે ફાયરિંગની ઘટનામાં એક બાળક સહિત 7 વ્યક્તિઓને ઈજા થઇ હોવાથી ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે ઘટનામાં હૈદર જેડા નામના એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.
બે પક્ષો વચ્ચે સામસામે ફાયરિંગ થયું માળિયા મિયાણા શહેરમાં આવેલા વાગડીયા ઝાપા પાસે સાંજના સમયે ફાયરિંગની ઘટના બની હતી અને આ ઘટનામાં નૂરમામદ ફારુક જામ (15) અને અલી ઉમર જેડા (30) નામના બે વ્યક્તિઓને ઈજા થતા બંનેને સારવાર માટે પ્રથમ માળિયા લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે માળીયાના વાગડીયા ઝાપા પાસે જેડા અને જામ પરિવારના છોકરાઓ વચ્ચે બોલાચાલી અને માથાકૂટ થઈ હતી. ત્યાર બાદ બંને પક્ષેથી લાકડાના ધોકા વડે મારામારી કરવામાં આવી હતી અને બંને પક્ષોએ ઘરમાંથી બંદૂક લઈ આવી ફાયરિંગ કર્યું હતું.
ફાયરિંગમાં એકનું મોત, સાત ઈજાગ્રસ્ત ઘટનામાં હૈદર અલીમહમદ જેડા(ઉ.વ.36) નામના એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે કુલ 7 લોકોને ઈજા પહોંચી છે. જે તમામ ઈજાગ્રસ્તોને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને અન્ય કોઈ ઘટના કે દુર્ઘટના માળિયા શહેરમાં ન બને તે માટે થઈને મુખ્ય બજાર બંધ કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા માળિયા શહેરની અંદર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ મામલે પોલીસ સુત્રોમાાંથી જાણવા મળ્યુ હતુ કે, હબીબ નુરમહમદ, તેનો દિકરો ફારૂક, કાદર હબીબ, કાસમ હબીબ સહિત 10થી 12 લોકોએ હુમલો કર્યો હતો. જૂની અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે હત્યા, રીપોર્ટ, મારામારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધવા તજવીજ શરૂ કરી છે. મૃતક હૈદરને ત્રણ દિકરા બે દીકરી છે. પોતે પાંચ ભાઇ છે. બહેનમાં બીજા નંબરના હતા તેમના મૃત્યુથી પરિવારમાં માતમ છવાયો છે.