12 દિવસે ‘બાવો’ બોલ્યો: ડિમોલિશન સુરત મનપાએ જ કર્યુ છે !

સુરતના કથિત ભૂતિયા ડિમોલિશન કાર્યવાહીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલી ડિમોલિશન કાર્યવાહીને લઈને છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા…

સુરતના કથિત ભૂતિયા ડિમોલિશન કાર્યવાહીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલી ડિમોલિશન કાર્યવાહીને લઈને છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા વિવાદમાં હવે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. ઘટનાના લગભગ 12 દિવસ બાદ સુરત મહાનગરપાલિકાએ સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે, સ્થળ પર થયેલી કાર્યવાહી મનપા દ્વારા જ હાથ ધરવામાં આવી હતી. આ સ્વીકાર સાથે અત્યાર સુધી ચાલતી અનેક અટકળો અને પ્રશ્નો વચ્ચે નવી ચર્ચાઓ શરૂૂ થઈ છે.

મીડિયા અહેવાલો મુજબ સુરત મનપાના સેન્ટ્રલ ઝોનના ઉચ્ચ અધિકારી આશિષ નાયકે જણાવ્યું કે, નાસીરનગર વિસ્તારમાં પાલિકાની ટીમ રોડ ખુલ્લો કરવાની અને ડિમાર્કેશનની કામગીરી માટે પહોંચી હતી. આ કામગીરી કાયદાકીય જોગવાઈઓ અને નક્કી કરાયેલા નિયમો અનુસાર કરવામાં આવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે, સમગ્ર પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અગાઉથી પોલીસ તંત્રને પણ જાણ કરવામાં આવી હતી.

આ સમગ્ર ઘટનાને કેટલાક વર્તુળો દ્વારા ભૂતિયા ડિમોલિશન તરીકે રજૂ કરવામાં આવી રહી હતી, પરંતુ મનપાએ હવે તેનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, કામગીરી દસ્તાવેજી પુરાવા અને સ્થળ પરની વાસ્તવિક સ્થિતિના આધારે હાથ ધરવામાં આવી હતી અને તેમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસરતા સામેલ નહોતી.

ઉલ્લેખનિય છે કે, વિવાદ વધુ ગાઢ બન્યો કારણ કે શરૂૂઆતના દિવસોમાં વિવિધ સ્તરે કાર્યવાહી અંગે સ્પષ્ટતા જોવા મળી નહોતી. જેના કારણે સ્થાનિક લોકો, સામાજિક આગેવાનો અને મીડિયા દ્વારા અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. હવે મનપાના સત્તાવાર નિવેદન બાદ ચર્ચાનો કેન્દ્રબિંદુ એ બની ગયો છે કે, જો કાર્યવાહી નિયમસર હતી તો તેની સ્પષ્ટતા કરવામાં 12 દિવસનો સમય શા માટે લાગ્યો?

મનપાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, કેટલાક વ્યક્તિઓ અને જૂથોએ આ મુદ્દાનો ઉપયોગ રાજકીય અને વ્યક્તિગત લાભ માટે કરવાનો પ્રયાસ કર્યો છે. સાથે જ સોશિયલ મીડિયા અને કેટલાક બિનઅધિકૃત માધ્યમો દ્વારા અધૂરી તથા ભ્રામક માહિતી પ્રસારિત થવાથી અધિકારીઓ પર અનાવશ્યક દબાણ ઊભું થયું હોવાનું જણાવ્યું છે.