OMG! શહેરમાં 6 માસમાં દૂષિત પાણીની 5293 ફરિયાદ

સ્માર્ટ સિટીના બોર્ડ ઝૂલાવતા રાજકોટ મહાનગરપાલિકાના શાસકો અને તંત્રવાહકોની નાકામી હવે સીધી નાગરિકોના આરોગ્ય અને જિંદગી સાથે ખેલ કરી રહી છે. આમતો ઉનાળાના આખરી દિવસોથી…

સ્માર્ટ સિટીના બોર્ડ ઝૂલાવતા રાજકોટ મહાનગરપાલિકાના શાસકો અને તંત્રવાહકોની નાકામી હવે સીધી નાગરિકોના આરોગ્ય અને જિંદગી સાથે ખેલ કરી રહી છે. આમતો ઉનાળાના આખરી દિવસોથી જ નગરજનો જે ભયંકર દૂષિત અને વાસ મારતા પાણીની ફરિયાદો કરી રહ્યા હતા, તે ચોમાસાના આરંભ સાથે જ અત્યંત ગંભીર અને જીવલેણ સ્વરૂૂપ ધારણ કરી ચૂકી છે. ગઇકાલે મળેલા જનરલ બોર્ડમાં દુષિત પાણીને લગતા સંખ્યાબંધ સવાલો મુકવામા આવ્યા હતા.

ચર્ચા દરમિયાન ઓનપેપર મુકાયેલા રેકર્ડ મુજબ ચોંકાવનારી માહિતી સામે આવી છે. છેલ્લા છ મહિનામાં શહેરમાં દુષિત પાણી આવતુ હોવાની 5293 ફરિયાદ નોંધાઇ છે.
થોડા દિવસો પહેલા મોરબી રોડ સહિતના અનેક વિસ્તારોમાં જ્યારે જનતા રોડ પર ઉતરી આવી હતી, પ્રદર્શનો કર્યા હતા અને તંત્રના બહેરા કાન સુધી અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે આળસુ વહીવટી તંત્ર ઊંઘતું રહ્યું હતું. હવે જ્યારે સ્થિતિ હાથબહાર નીકળી ગઈ છે.

પાણીજન્ય રોગચાળાનો ગંભીર રીતે ભરડો આવ્યો છે. પાછલા કેટલાક દિવસો દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી મનપાના જ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા પીવાના પાણીના સેમ્પલો મોટા પ્રમાણમાં ફેલ આવ્યા છે. આ આંકડા પુરવાર કરે છે કે રાજકોટવાસીઓના ઘરોમાં નળ વાટે પાણી નહીં પરંતુ ધીમું ઝેર સપ્લાય થઈ રહ્યું છે. જનતા પોતાના લોહી-પરસેવાની કમાણીમાંથી કરવેરા ભરે છે, પરંતુ બદલામાં મનપા તંત્ર તેમને માત્ર ગંદુ, દુર્ગંધયુક્ત અને જીવાણુઓથી ભરેલું પાણી પિરસાઈ રહ્યું છે. હોસ્પિટલોમાં ઝાડા-ઊલટી, કમળો અને ટાઈફોઈડના દર્દીઓની સંખ્યા વધી રહી છે. આમછતા દર આઠવાડિયે સરકારમાં મોકલવામા આવતા રિપોર્ટમાં મનપાનું આરોગ્ય તંત્ર ઉઠ્ઠા ભણાવતા કેસ ચિતરીને મોકલી આપે છે.

જો કે જુઠાણા ઉપર ગમે તેટલુ થીગડુ મારવા છતા બહાર તો આવી જ જાય છે. દુષિત પાણીની હકિકત ઓનપેપર સામે આવી છે. ગઇકાલે મળેલા જનરલ બોર્ડમાં નગરસેવકે પુછેલા સવાલનો નછૂટકે સતાવાર જવાબ તંત્રને આપવાની ફરજ પડી છે અને તેમા ગંભીર વાસ્તવિકતા એ સામે આવી છે કે, છેલ્લા છ મહિનામાં દુષિત પાણીને લગતી 5293 ફરિયાદ કોલ સેન્ટરમાં નોંધાઇ છે. ફરિયાદ કરવાથી કંઇ ફાયદો થવાનો નથી! મનપાના વહીવટ ઉપરથી જેમનો ભરોસો ઉઠી ગયો છે તેવા એવા અનેક આસામીઓ હશે કે જે કોલ સેન્ટરમાં ફરિયાદ કરવાની કળાકુટમાં પડ્યા ન હોય એવી દુષિત પાણીની સમસ્યાઓ પણ અનેકગણી હશે તેવી સંભાવનાને પણ નકારી શકાય તેમ નથી.

ખાનગી હોસ્પિટલમાં આવતા દર 10 કેસમાંથી 4 કેસ મરડો, ઝાડા-ઉલ્ટીના
શહેરમાં એકબાજુ શરદી-ઉધરસ અને તાવનો વાયરલ રોગચાળો ફાટી નીકળ્યો છે. બીજીબાજુ પાણીજન્ય રોગચાળો પણ વકરી રહ્યો છે. મનપા દ્વારા રોગચાળાના જે આંકડા જાહેર કરવામા આવે છે તે માત્ર સરકારી હોસ્પિટલ અને મનપાના આરોગ્ય કેન્દ્રના જ હોય છે. ખાનગી હોસ્પિટલોનો સર્વે કરવામા આવતા દર 10 કેસમાંથી 4 કેસ ઝાડા-ઉલ્ટીના આવી રહ્યા છે. એ વાત સાબિત કરે છે કે, શહેરમાં પાણીજન્ય રોગચાળો ગંભીર બની રહ્યો છે.

37 સોસાયટી ડેન્જર ઝોન, બેકટરિયાવાળુ પાણી આવતુ હોવાનો સતાવાર લેબોરેટરી રિપોર્ટ
છેલ્લા છ મહિનામાં જે વિસ્તારોમાંથી દુષિત પાણીની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. એ તમામ વિસ્તારોમાંથી મનપાએ રેન્ડમલી પાણીના સેમ્પલ લીધા હતા. એ પૈકી 37 સોસાયટીમાંથી લેવાયેલા નમુના લેબોરેટરીમાં ફેઇલ થયા છે. સૌથી વધુ વેસ્ટ ઝોનના વિસ્તારો છે. ફેઇલ થયેલા રિપોર્ટમાં પાણીમાં જોખમી બેકટેરિયાનું પ્રમાણ વધુ આવ્યુ છે.