ગુજરાત
અધિકારીઓ નિદ્રાધીન-બસપોર્ટમાં રાત્રીના પંખા બંધ
બસ ર્પોટમાં દિવાળીની ભીડ, મુસાફરો હેરાન થતા હોવાની રાવ : તાકીદે પંખા શરૂ કરવા મુસાફર હિતરક્ષક સમિતિની માંગ
રાજકોટ એસ.ટી બસ પોર્ટ પર રાત્રિના સમયે દિવાળીના ટાણેજ હોળી સર્જાઈ છે અને રાત્રિના સમયે પંખાઓ બંધ કરી દેવામાં આવે છે તેવી ફરિયાદો ઉઠવા પામી છે. જે પગલે મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં રાત્રે પોણા બે કલાકે એસ.ટી બસ પોર્ટના ચાર પંખાઓ પૈકી ત્રણ પંખાઓ બંધ હાલતમાં હતા. એસ.ટીના અધિકારીઓ અને એસ.ટીના મેનેજિંગ ડાયરેક્ટર કે વાહન વ્યવહાર મંત્રીની ઓફિસમાં પાંચ મિનિટ એ.સી બંધ રહેતું નથી. તો મુસાફરો માટે લગાવાયેલા પંખાઓ શા માટે બંધ હોય.
અગાઉ પણ આ બાબતે પંખાઓ બંધ હાલતમાં હોય તત્કાલીન સમયે અધિકારીઓને રમકડાના પંખા આપી નવતર વિરોધ કરવામાં આવ્યો હતો અને ઉચ્ચસ્તરીય રજૂઆતો કરવામાં આવી હતી. મુસાફર એક રક્ષક સમિતિએ ડેપો મેનેજરની ઓફિસમાં હલ્લાબોલ કરી આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાની જાહેરાતને પગલે તંત્રની શાન ઠેકાણે આવી હતી અને તમામ પંખાઓ ચાલુ કરવાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા એસ.ટીમાં દિવાળીના સમયમાં ગઈકાલથી એકસ્ટ્રા બસો શરૂૂ કરવામાં આવી છે. 24 કલાક તમામ પ્લેટફોર્મ પર હકડેઠઠ મેદની (મુસાફરો) હોય છે. એક્સ્ટ્રા બસો પણ ચિક્કાર ગીરદી સાથે રવાના થાય છે.
રાજકોટને સૌરાષ્ટ્રનું પાટનગર સમાન શહેર છે. રાત્રિના સમયે પણ બસ પોર્ટ 24 કલાક ધમધમતું રહે છે તેમ છતાં અધિકારીઓ રાત્રિના સમયે હાજર હોતા નથી ફક્ત ટ્રાફિક કંટ્રોલર ના સહારે એસ.ટી બસ પોર્ટ નો ડેપો ચાલતો હોય છે. ગુજરાત એસ.ટી નિગમ દ્વારા જ્યારે એસ.ટીમાં 25% જેવો તોતિંગ ભાડા વધારો ડીઝલના ભાવો વધતા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ડીઝલના ભાવમાં લોકસભાની ચૂંટણી પૂર્વે ₹2 નો ઘટાડો થયો છે છતાં એસ.ટીના ભાડા ઘટાડો કરવામાં ન આવતા મુસાફરો પાસેથી વાર્ષિક રૂપિયા 1200 કરોડ જેવી આવક થઈ રહી છે અને હાલમાં સામાન્ય મુસાફરી ભાડા કરતા એકસ્ટ્રા બસોમાં સવા ગણું ભાડું વસૂલવામાં આવી રહ્યું છે.
જે સમયે એસ.ટીમાં ભાડા વધારો કરવામાં આવ્યો તે સમયે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી અને એસટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યના રોજબરોજ મુસાફરી કરતા 25 લાખ મુસાફરોને આધુનિક ઇન્સ્ફાસ્ટ્રક્ચર સાથે સારી સુવિધા આપવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે. તેમ છતાં મુસાફરોને પડતી હાલાકી અંગે કોન્ટ્રાક્ટર અને એસ.ટીના અધિકારીઓ વચ્ચેના સંકલનના અભાવે અસુવિધાઓ ભોગવવી પડે છે. ઢેબર રોડ પરના એસ.ટી બસ સ્ટેશનના બસ પોર્ટ ના મધરાતે પંખાઓ બંધ રખાતા હોવાની ફરિયાદની રાજકોટના વિભાગીય નિયામક જે બી કલોતરા અને રાજકોટના ડેપો મેનેજરને લેખિત જાણકારી જવાબદારો સામે નિયમાનુસાર પગલાં ભરવા અને બસપોર્ટના સીસી ફૂટે જોઈ દંડનીય કાર્યવાહી કરવા ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિના આગેવાનોએ લેખિત રજૂઆત કરવામાં આવી છે.