ગીરના સિંહો પર ફેલાયેલા રોગચાળાના કારણે 8 સિંહ બાળના મૃત્યુની ઘટના બાદ વન વિભાગ દ્વારા તાત્કાલિક તેને ડામવા માટે અસરકારક પગલા શરૂૂ કરાયા હતા. હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે અને છેલ્લા બે દિવસમાં આ પ્રકારની એક પણ નવી ઘટના ધ્યાને આવી નથી તેવો દાવો વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કર્યો છે.
વન વિભાગના સત્તાવાર દાવા અનુસાર 8 સિંહબાળના મોત થયા છે, પરંતુ સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, સિંહના મોતનો આંકડો 9 કરતાં વધુ છે અને અધિકારીઓ મોતનો વાસ્તવિક આંકડો છૂપાવતા હોવાનો ગણગણાટ ચાલી રહ્યો છે. આ શંકાસ્પદ મોત અને સિંહોમાં દેખાતા લક્ષણો જોતાં સીડીવી(કેનાઇન ડિસ્ટિમ્પર વાયરસ) જેવા ગંભીર રોગની આશંકા વર્તાઈ રહી છે, જે અંગેની માહિતી કેન્દ્ર સરકાર સુધી પણ પહોંચાડાઈ છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને જામનગર ’વનતારા’ના એનિમલ ડોક્ટરો અને ખાસ નિષ્ણાંતોની ટીમ મોડી રાત સુધીમાં જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે આવી પહોંચશે. આ સમગ્ર પરિસ્થિતિ અંગે ગાંધીનગરના વન વિભાગના અધિકારી ભવાની પતીએ મીડિયાને જણાવ્યું હતું કે, તેઓ ગીરમાં જ છે અને એનિમલ કેર સેન્ટરના સ્ટાફની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી રહ્યા છે. અત્યારે કોઈ સિંહનું નવું મોત થયું નથી. ઘટનાની ગંભીરતાને પગલે જૂનાગઢના વન વિભાગના અગાઉ ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વિસ્તારમાંથી 17 સિંહને રેસ્ક્યૂ કરી આઇસોલેશનમાં રખાયા હતા, જે આંકડો હવે 22 પર પહોંચ્યો છે.
આ પૂર્વે 27 મેના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં યોજેલી ઉચ્ચ સ્તરીય બેઠકના દિશા-નિર્દેશોને પગલે વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના માર્ગદર્શનમાં વન વિભાગ દ્વારા સિંહોનું વેક્સિનેશન, ટ્રીટમેન્ટ અને ડી-ટીકિંગ સઘન બનાવવામાં આવ્યું છે.
મંત્રી મોઢવાડિયાએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે ગીર અને તેના રેવન્યુ વિસ્તારમાં ખાસ કરીને ગીરગઢડા તાલુકા અને અમરેલીના બાબરીયા વિસ્તારમાં સિંહ બાળના શંકાસ્પદ મૃત્યુને પગલે વન વિભાગ અને જૂનાગઢ કોલેજના અનુભવી વેટરનરી ડોક્ટરોની ટીમો દ્વારા સ્થળ પર સઘન કામગીરી હાથ ધરાઇ છે. તેમણે કહ્યું હતું કે પ્રાથમિક ધારણા મુજબ આ શંકાસ્પદ મોત ’બેબિસીયોસિસ’ નામના વાયરસથી થયા હોવાની આશંકા છે. મૃતક સિંહોના સેમ્પલ લઈને તાત્કાલિક ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર ખાતે મોકલાયા છે તેનો રિપોર્ટ 3 થી 4 દિવસમાં આવી જશે.
ઈતરડી નામના જંતુથી ફેલાતા આ રોગને રોકવા માટે ગીર અને તેની બહારના વિસ્તારોમાં મોટા પાયે ’ડી ટીકિંગ’-ઈતરડીનાશક પ્રિવેન્ટિવ કામગીરી યુદ્ધના ધોરણે કરાઇ રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમનું કાર્યાલય સીધી દેખરેખ રાખી રહ્યું છે. તે સાથે પ્રધાનમંત્રી કાર્યાલય પણ આ ઘટના પર સતત નજર રાખીને રાજ્ય સરકારને જરૂૂરી માર્ગદર્શન પૂરું પાડી રહ્યું છે.
22 સિંહ જસાધાર એનિમલ કેર સેન્ટરમાં આઇસોલેશનમાં
અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની સરહદે આવેલા ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વિસ્તારમાં સિંહોના મોતના મામલે વન વિભાગ દ્વારા સઘન કવાયત હાથ ધરવામાં આવી છે. વન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં કુલ 8 સિંહબાળનાં મોત થયા છે અને તકેદારીના ભાગરૂૂપે 22 સિંહને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. વનવિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દેશની શાન ગણાતા સાવજો પર ગંભીર બીમારીનો ખતરો તોળાઈ રહ્યો હોવાથી સિંહોના સેમ્પલ મેળવીને ગાંધીનગર લેબમાં મોકલવામાં આવ્યા છે, જેનો મહત્વપૂર્ણ રિપોર્ટ આગામી 24 કલાકમાં આવવાની શક્યતા છે. રાજ્ય સરકારના આદેશ બાદ વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે અને તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.
