સ્ટાર્ટઅપ હબ તરીકે ઉભરતું ભારત : વિચારોથી વિકાસ સુધી

ભારતમાં ડિજિટલ ક્રાંતિએ યુવાનોને એક વિશાળ તક આપી છે. ઈન્ટરનેટ અને સ્માર્ટ ફોનની મદદથી ગામડાઓ સુધી જ્ઞાનના દરવાજા ખોલી નાખ્યા છે. કારણકે આજે નાના શહેરોના…

ભારતમાં ડિજિટલ ક્રાંતિએ યુવાનોને એક વિશાળ તક આપી છે. ઈન્ટરનેટ અને સ્માર્ટ ફોનની મદદથી ગામડાઓ સુધી જ્ઞાનના દરવાજા ખોલી નાખ્યા છે. કારણકે આજે નાના શહેરોના યુવાનો પણ તે જ માહિતી, તે જ પ્લેટફોર્મ અને તે જ તકનો લાભ લઈ શકે છે જે પહેલાં માત્ર મેટ્રો શહેરો સુધી મર્યાદિત હતું આજે યુવાનોને સ્ટાર્ટઅપ ઈન્ડિયા, સરકારની સહાય, એક્સપોર્ટમાં ટેક્સની છૂટછાટ, મુદ્રા લોન તેમજ ઈનોવેશન લેબ જેવી સુવિધાઓએ યુવાનોને પોતાના વિચારો અને સપનાઓ સાકાર કરવાની હિંમત આપી છે.

છેલ્લા દાયકામાં દેશે જે પ્રગતિ કરી છે તે માત્ર વિકાસ જ નહીં, પરંતુ અવકાશ, સર્જનાત્મકતા અને યુવાનોની હિંમત છે. ક્યારેક નોકરીઓ શોધતા યુવાનો આજે પોતે જ નોકરીઓ સર્જતા નવી પેઢી બની ગયા છે. ભારત આજે સ્ટાર્ટઅપ હબ તરીકે વિશ્વમાં પ્રખ્યાત થવા લાગ્યું છે. દરેક યુવાન કંઈક નવું કરી બતાવવા થનગને છે. કંઈક ઇનોવેટિવ કરવા યુવાનો અત્યંત પ્રયત્નશીલ રહે છે. આ ઝડપી પરિવર્તન જ સાબિત કરે છે કે, “ભારત આજે વિક્સતો દેશ જ નહીં, પણ વિકાસની દિશા આપતું ઇનોવેટિવ રાષ્ટ્ર બની ગયું છે.”

ભારતના યુવાનોમાં સૌથી મોટી શક્તિ છે અડગ વિશ્વાસ અને હિંમત. કંઈક નવું કરવાનું જોખમ ખેડીને આગળ વધવાનો અદમ્ય વિશ્વાસ જ આજે ભારતને વિશ્વ લેવલે નોંધપત્ર બનાવ્યું છે. દુનિયાની ઘણી મોટી મોટી કંપનીઓ અસફળતામાંથી જ જન્મી છે. અસફળતા એ અંત નથી, પણ એ અનુભવ છે. જે તમને મજબૂત બનાવીને સફળતા તરફ દોરે છે. આજે યુવાનો પાસે વિચાર છે, ટેક્નોલોજી છે, કંઈક નવું કરવા માટે પ્લેટફોર્મ પણ છે તેમજ સૌથી અગત્યનું પોતાની ઈચ્છાશક્તિ છે.

ટેક્નોલોજી એ ભારતનું સૌથી મોટું હથિયાર બની ચૂક્યું છે. એઆઈ રોબોટિકસ, ડીપ ટેક, બ્લોક ચેઇન, ઈવી ટેક્નોલોજી, ડ્રોન ટેક, સ્પેસ ટેક આ બધા ક્ષેત્રોમાં ભારતના યુવાનો શીખવા કરતા તેની નવી જ વ્યાખ્યા ઘડી કાઢવા સમર્થ બન્યા છે. વૈશ્વિક કંપનીઓ આજે ભારતીયોને નોકરી માટે નહીં, પણ ઈનોવેશન માટે શોધે છે. દુનિયાને નવી દિશા આપનાર યુવાનો આજે ટેક્નોલોજીનો ભરપૂર લાભ લઈને અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. “સફળતા માટે યોગ્ય સમયની જરૂૂર જ નથી. જરૂૂર છે ફક્ત તમારાં મજબૂત ઈરાદાની.”

લાખો યુવાનો રોજ નવી નવી તકો ઝડપવા હરણફાળ ભરી રહ્યા છે. તેવી જ રીતે દેશના લાખો યુવાનો પોતાનો કિંમતી સમય મોબાઈલની રિલ્સ જોવામાં વેડફી પણ રહ્યા છે. આવા યુવાનોને ભણવું પણ નથી, મહેનત પણ કરવી નથી, મોટાભાગનો સમય રખડપટ્ટી અને મોબાઈલ સ્કીનમાં બગાડી રહ્યા છે. આવા જ યુવાનો દેશ માટે એલ ફેલ બોલતા હોય છે કે, “દેશમાં નોકરીની તક નથી, ઉજ્જવળ ભવિષ્ય નથી.” પરિણામ દેશને બદનામ કરીને પરદેશ જવા ઉપડે છે. ત્યાં કોઈનું ગાર્ડનિંગ, રેસ્ટોરન્ટમાં વેઇટર કે પેટ્રોલપંપમાં નોકરી કરવી પડે છે. ખાવાનું પણ માંડ પૂરું થાય છે. આવા સ્કોપ મળવા છતાં વિદેશને વખાણનાર હજુ પણ ઘણા છે. ખેર, સૌ સૌની પસંદગી અને વિચારો અલગ હોવાનાં જ છે.

સ્માર્ટ યુગમાં સ્માર્ટ કામ કરતા યુવાનો પાસેથી પ્રેરણા મેળવે તો પણ આવા સમય વેડફનાર યુવાનોને કારકિર્દી બનાવવી સરળ બને. આપણે ત્યાં એક કહેવત છે, “જેવો સંગ તેવો રંગ.” જેમની જોડે તમેં સમય વિતાવો છો તમે લગભગ એવા જ બની જાઓ છો. નાનપણથી જ સારા મિત્રો બનાવો. રોજનો એક થી બે કલાક સારા માણસો જોડે બેસવાનું રાખો. દરરોજ કંઈક નવી ટેક્નોલોજી શીખો. નોકરી કરવા ખાતર નોકરી નહીં, પણ તમારી જ કંપની છે એમ કામ કરશો તો જ આગળ જતા બોસ બની શકશો. સમયનો પૂરેપૂરોે સદુપયોગ કરતા શીખી જશો તો ભારત એક દિવસ જરૂૂર મહાસત્તા પર આવી જ શકે. “ભારત આજે સ્ટાર્ટઅપ હબ છે, પરંતુ આવતીકાલે સ્ટાર્ટઅપ સુપરપાવર બનશે. તેનો આધાર પણ તમે જ છો.”