રાજકોટ શહેરમા મટુકી રેસ્ટોરન્ટની બાજુમા ગોવીંદ રત્ન ગ્રીન સીટી 4 મા રૂમ રાખી સહેલી સાથે રહેતી મુળ ગીર સોમનાથની નર્સીંગ યુવતીએ ગઇકાલે મોબાઇલ પર ભાવી મંગેતર સાથે વાતચીત કર્યા બાદ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરીવારમા અરેરાટી મચી ગઇ છે. આપઘાતનુ કારણ જાણવા તાલુકા પોલીસ મથકનાં હેડ કોન્સ્ટેબલ કીશનભાઇ અજાગીયાએ તપાસ યથાવત રાખી છે. યુવતીએ આપઘાત કરી લેતા ગીર સોમનાથ રહેતા તેમનાં પરીવારને જાણ કરાતા પરીવારજનો રાજકોટ આવી પહોંચ્યા હતા.
વધુ વિગતો મુજબ કાલાવડ રોડ પર આવેલી મટુકી રેસ્ટોરન્ટની બાજુમા ગોવીંદ રત્ન ગ્રીન સીટી 4 મા સહેલીઓ સાથે રૂમ રાખીને રહેતી મુળ ગીર સોમનાથની મીતલ મનુભાઇ બામણીયા (ઉ. વ. રર ) એ ગઇકાલે રાત્રીનાં સમયે પંખામા દોરી બાંધી ગળે ફાંસો ખાઇ લેતા તેમનાં રૂમ પાર્ટનર યુવતીએ 108 ને જાણ કરી હતી અને 108 નાં ઇએમટી રવીભાઇ રાવલે યુવતીને જોઇ તપાસી મૃત જાહેર કરી હતી . ત્યારબાદ તાલુકા પોલીસને જાણ કરવામા આવતા પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલ કીશનભાઇ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કાગળો કર્યા બાદ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવીલ હોસ્પીટલે મૃતદેહ પહોંચાડયો હતો . તેમજ યુવતીનાં પરીવારજનોને જાણ કરાતા પરીવારજનો રાજકોટ પહોંચ્યા હતા. દીકરીનો મૃતદેહ જોઇ તેઓ આઘાતમા સરી પડયા હતા.
મિતલબેન બે બહેન એક ભાઇમા મોટી હતી અને તેમનાં પિતા માછીમારીનો ધંધો કરતા હતા . તેમજ મિતલ રાજકોટમા પુનીત નગર પાસે આવેલી પ્રતિક્ષા હોસ્પીટલમા નર્સીગ તરીકે નોકરી કરતી હતી અને શોરૂમમા પણ કામ કરતી હતી. મિતલની સગાઇ જયા નકકી થઇ હતી તે યુવક સાથે ગઇકાલે સાંજે વાત કર્યા બાદ તેમણે મોબાઇલ સ્વીચ ઓફ કરી આ પગલુ ભરી લીધુ હતુ અને જયારે તેમની રુમ પાર્ટનર રુમ પર પહોંચી ત્યારે મિતલ લટકતી જોવા મળતા તેણીએ બુમાબુમ કરતા આજુબાજુનાં લોકો ત્યા દોડી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. મિતલનાં આપઘાત પાછળનુ કારણ જાણવા તાલુકા પોલીસે તપાસ યથાવત રાખી છે.

