2019ના કોરોના કાળ વખતે પ્રવેશ મેળવેલ વિદ્યાર્થી એક-બે વિષયમાં નાપાસ થયેલ હોય તો છેલ્લી તક આપવા માંગ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં NSUI દ્વારા આજે અનોખી રીતે રજૂઆત કરવામાં આવી હતી. વર્ષ 2019 માં કોરોના કાળ દરમિયાન પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ એક કે બે વિષયમાં નાપાસ થતા પાસ થવા માટે છેલ્લી તક આપવામાં ન આવતા કુલપતિની ગેરહાજરીમાં વિરોધ પ્રદર્શન કરતા કાર્યકર્તાઓએ કુલસચિવને ઝાલમૂડી અને મેલોડી આપવામાં આવી હતી. જોકે આ સમયે કુલસચિવે વર્ષ 2019 માં એનરોલ થયેલા વિદ્યાર્થીઓને છેલ્લી પરીક્ષાની તક માટેનો નિર્ણય ગઈકાલે મંગળવારે લેવાઈ ગયો હોવાનુ નિવેદન આપ્યુ હતુ. આ રજૂઆત બાદ યુનિવર્સિટી દ્વારા વર્ષ 2019ના વિદ્યાર્થીઓની પરીક્ષા માટેનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો.
નરેન્દ્ર સોલંકીએ જણાવ્યુ હતુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વહીવટી ખાતે ગયો હોય તેવા પ્રકારનું ચિત્ર સામે આવ્યું છે. યુનિવર્સિટીના કુલપતિને અમે અગાઉ ત્રણ વખત રજૂઆત કરેલી છે કે કોરોનાની મહામારીના કારણે વર્ષ 2019 માં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ એક કે બે વિષય વિષયમાં નાપાસ થયા છે. તેઓ ગ્રેજ્યુએશન પૂર્ણ કરી શક્યા નથી. જેથી તેઓને એક મોકો આપવા માટેની રજૂઆત છે. ભૂતકાળમાં વર્ષ 2011 થી 2018 સુધી પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને એક તક આપવામાં આવી હતી પરંતુ આ વિદ્યાર્થીઓને એક મોકો આપવામાં આવ્યો નથી.
યુનિવર્સિટી દ્વારા અગાઉ આશ્વાસન આપવામાં આવ્યું હતું કે વર્ષ 2019 ના વિદ્યાર્થીઓને પાસ થવાની છેલ્લી તક આપવામાં આવશે. આ ઉપરાંત સમયસર પરિણામ જાહેર થતા નથી. જેથી મોદી સાહેબે કહ્યું છે તેમ ઝાલમૂડી અને મેલોડી ખવડાવવા આવ્યા છીએ. જોકે કુલપતિ હાજર ન હોવાથી કુલસચિવ ડો. અજયસિંહ જાડેજાને ઝાલમૂડી અને મેલોડી આપી અનોખો વિરોધ નોંધાવ્યો હતો.
