હવે યુધ્ધ સરહદ સુધી સીમિત નહીં રહે, પાક. સેના વડાની ગીધડ ધમકી

પાકિસ્તાનની કંગાળ આર્થિક હાલતથી લોકોનું ધ્યાન ભટકાવવા હવાતિયા પાકિસ્તાન હાલમાં તેના ઇતિહાસના સૌથી ખરાબ આર્થિક અને રાજકીય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે પોતાની નિષ્ફળતાઓ…

પાકિસ્તાનની કંગાળ આર્થિક હાલતથી લોકોનું ધ્યાન ભટકાવવા હવાતિયા

પાકિસ્તાન હાલમાં તેના ઇતિહાસના સૌથી ખરાબ આર્થિક અને રાજકીય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે ત્યાંના સૈન્ય વડા ફરી એકવાર ભારત વિરુદ્ધ નિવેદનબાજી પર ઉતરી આવ્યા છે. પાકિસ્તાનના ફીલ્ડ માર્શલ આસીમ મુનીરે પોતાના દેશની બદહાલી અને આર્થિક તંગીથી જનતાનું ધ્યાન ભટકાવવા માટે ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે.

રાવલપિંડીમાં જનરલ હેડક્વાર્ટર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં તેમણે ધમકીભર્યા સૂરમાં જણાવ્યું કે, જો ભવિષ્યમાં ’દુશ્મનો’ દ્વારા કોઈ પણ પ્રકારનું દુસ્સાહસ કરવામાં આવશે, તો આ વખતે યુદ્ધની અસર મર્યાદિત નહીં રહે, પરંતુ તેના પરિણામો અત્યંત ખતરનાક અને પીડાદાયક હશે. ઇસ્લામાબાદમાં આયોજિત એક કાર્યક્રમમાં પાકિસ્તાની ફીલ્ડ માર્શલે સૈન્યની તાકાતના વખાણ કરતા ભારતને આડકતરી રીતે ચેતવણી આપી હતી. તેમણે આક્રમક તેવર બતાવતા કહ્યું કે, પાકિસ્તાન પોતાની સુરક્ષા કરવા માટે પૂરેપૂરું સક્ષમ છે અને જો ભવિષ્યમાં કોઈ પણ દેશ હુમલો કરવાની હિંમત કરશે, તો યુદ્ધ માત્ર સરહદ સુધી સીમિત નહીં રહે, પરંતુ તેનો વ્યાપ ઘણો મોટો હશે. જોકે તેમણે પોતાના ભાષણમાં સીધું ભારતનું નામ લીધું નહોતું, પરંતુ તેમની આ વાતોનો સ્પષ્ટ ઈશારો ભારત તરફ જ હતો.

ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમા વિવાદ અને આતંકવાદ જેવા મુદ્દાઓ પર પહેલેથી જ તણાવ છે, ત્યારે પાકિસ્તાની સૈન્ય વડાનું આ પ્રકારનું નિવેદન સ્થિતિને વધુ બગાડી શકે છે. જાહેર મંચ પરથી આપવામાં આવતી આવી ધમકીઓ દક્ષિણ એશિયાની શાંતિ અને સુરક્ષા સામે પ્રશ્નો ઊભા કરે છે. નિષ્ણાતોના મતે, આસીમ મુનીરનું આ નિવેદન માત્ર પોતાની સેનાનું મનોબળ વધારવા અને ઘરઆંગણે ઊભા થયેલા વિરોધને દબાવવાનો એક પ્રયાસ માત્ર છે.